વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે આખો લેખ અચૂક વાંચો…ઘણું ઘણું શીખવા મળશે અને જાણવા મળશે…ગમશે જ એની ગેરેંટી….!

ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા. નહેરુએ પ્રમુખને કહ્યું, “ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?” પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, “ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે.” પ્રમુખને પૂછવામાં આવ્યું, “આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?” “ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?”-પ્રમુખે ઉચ્ચાર્યું. “પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?”

વાચક મિત્ર, આપને જાણીને મહદાશ્ચર્ય થશે કે આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું. રાષ્ટ્રભાષા, માતૃભાષા તેમજ શિક્ષણની ભાષા અંગેના પ્રશ્નો આપણે ત્યાં કેવા વકર્યા છે!

માતૃભાષા એટલે શું?
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.

‘રમાડું છું’, ‘ખવડાવું છું’ જેવા ‘બીજા’ માટે કંઈક કરવા માટેના શબ્દો ભારતીય સંસ્કૃતિની દેણ છે. આ શબ્દો માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દો નથી. અંગ્રેજી ભાષાની ટીકા નથી કરતો છતાં એ હકીકત છે કે અંગ્રેજી ભાષા સ્વાર્થી ભાષા છે, જેમાં પોતાના માટે કરવાની ક્રિયાના શબ્દો જ મળે છે જ્યારે સંસ્કૃત તેમજ તેમાંથી ઉતરી આવેલી તમામ ભારતીય ભાષાઓમાં ‘બીજા’ નો વિચાર છે. એ જ રીતે અંગ્રેજી પરંપરામાં હસ્તધૂનનથી વિશેષ અભિવાદન કરવા માટે કોઈ પદ્ધતિ નથી.

માતૃભાષામાં શિક્ષણ :
માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઉગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને તમામ રીતે અનુકૂળ વાતાવરણ(જમીન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ તથા નિંદામણ જેવી સંભાળ) મળી ગયું હોય.

માતૃભાષા વંદના શા માટે?
બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં કોણ મૂકે છે? તેમના વાલીઓ. શા માટે? ‘અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું છે’ એવી સમજણ હોવાથી. શાળા અને ટ્યુશન ક્લાસીસ સિવાયના સમયમાં પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાં-વ્હાલાઓ સાથે માતૃભાષામાં વ્યવહાર કરતો બાળક ગુજરાતી ભૂલી જાય એવું બને છે કારણ કે શાળા સિવાય બાળકને ગુજરાતીમાં બોલવા તેમજ સાંભળવા તો મળે છે પરંતુ લખવા કે વાંચવાની તાલીમ મળતી નથી.

શું કરી શકાય?

1. પરિવારજનો બાળકને ઘરમાં ગુજરાતીમાં લખવા-વાંચવાની ટેવ પાડી શકે તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હોવા છતાં બાળક સુંદર રીતે ગુજરાતી લખી, વાંચી તેમજ બોલી શકે. ગુજરાતી પરિવારોમાં આ કાર્ય અસરકારક રીતે શરુ થાય એ જોવું એ માતૃભાષા અભિયાનનો એક ભાગ હોવો
જરુરી છે જે અંતર્ગત…
2. ઘર-ઘરમાં ગુજરાતી પુસ્તકો વંચાતા થાય એ માટે તેઓમાં વાંચનભૂખ જગાડવામાં આવે,
3. ગુજરાતીમાં લખવાનો મહાવરો થાય એ માટે પેન-પેન્સિલથી પત્રો લખવાનું વિસરાઈ ગયેલું કાર્ય ફરીથી શરુ કરાવવું ઉપરાંત
4. કોમ્પ્યુટરના કી-બોર્ડ પર ગુજરાતીમાં ટાઈપ કરીને ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેલ મોકલવા,
5. ગુજરાતીમાં વાતચીત (ચેટિંગ) કરવી વગેરે બાબત અંગે વિચારી શકાય.
6. ભારતીય મુસ્લિમ પરિવારો પોતાના બાળકોને ઉર્દૂ, ફારસી તેમજ ઈસ્લામ ધર્મનું શિક્ષણ મળે એ માટે જાણકાર શિક્ષક રાખે છે તેમ ગુજરાતી વિષયના શિક્ષકનું ટ્યુશન બાળકને ઘરમાં મળતું થાય એમ કરી શકાય.
7. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી અંગ્રેજી લખતા-વાંચતા-બોલતા આવડી જ જાય એ એક ગેરસમજ અને અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ અંગ્રેજી
લખતા-વાંચતા-બોલતા આવડે એ બીજી ગેરસમજ બાળકોના વાલીઓમાંથી દૂર થવી જોઈએ. જેથી બાળકોનો ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ
પુન: શક્ય બનશે.

ઈઝરાયલની ઘણીબધી વાતો અજબ પ્રકારની છે. ત્યાં માત્ર એક દિવસનો વરસાદ પડે છે જેનો સંગ્રહ કરીને આખું રાષ્ટ્ર પાણીની જરુરિયાત સંતોષે છે. ફળોના વૃક્ષ-વેલાને સૌથી વધુ પાણીની જરુર પડે છે ત્યારે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમથી ટીપે-ટીપે પાણી સીધું મૂળને મળે એવી વ્યવસ્થા કરીને ફળોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં તેઓ ફળોની નિકાસ કરે છે.
ઈઝરાયલના પ્રત્યેક નાગરિક માટે મિલિટરી તાલીમ ફરજિયાત છે.

છોકરો હોય કે છોકરી, એ ચોક્કસ વયના થાય એટલે લશ્કરી તાલીમમાં જોડાઈ જ જવાનું! થોડા વર્ષો પૂર્વે એવું બન્યું કે મિસ ઈઝરાયલ બનીને એક છોકરી વિશ્વસુંદરીની સ્પર્ધામાં જોડાઈ હતી. તેની લશ્કરી તાલીમ માટેની તારીખ આવી એટલે કોઈ દલીલ કર્યા વિના સ્પર્ધામાંથી નીકળી જઈને પોતાના દેશ પરત ફરી ને લશ્કરી તાલીમમાં જોડાઈ ગઈ.

મિત્ર, સાત ડાઘીયા કૂતરા જેવા આરબ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું બિલાડીનાં બચ્ચા જેવું ઈઝરાયલ એવા ઘૂરકિયા કરે છે કે કોઈ દેશ એના પર આક્રમણ કરવાની ગુસ્તાખી કરી શકતો નથી. જે દેશના નાગરિકો દેશપ્રેમના નશામાં તરબોળ હોય, નેતાઓ ખુમારી તેમજ આત્મસમ્માનની ભાવનાથી ચકચૂર હોય એ દેશનું કોઈ શું બગાડી શકે?

ઈઝરાયલ આઝાદ થયુ ત્યારે વિશ્વભરના દેશોમાં દસકાઓ-સૈકાઓથી સ્થાયી થયેલા યહુદી ધર્મના લોકો પોતાના વતન ઈઝરાયલ જવા તૈયાર થઈ ગયા. જે-તે દેશમાં કમાવેલા પોતાના મકાન, દુકાન, ઓફીસ, કીર્તિ, પ્રતિષ્ઠા, ધનદોલત, વેપાર ક્ષણભરમાં પડતા મુકીને પ્રત્યેક યહુદી થનગનાટ કરતો ઈઝરાયલ પહોંચી ગયો.

એક જ રાષ્ટ્રધર્મ – યહુદી, એક જ રાષ્ટ્રપુસ્તક – તાલમુદ અને એક જ રાષ્ટ્રભાષા – હિબ્રુ -આવી ખુમારી ધરાવતો, દુ:શ્મન દેશોને હંફાવતો ઈઝરાયલ દેશ ખરા અર્થમાં સિંહ સાબિત થયો છે.

કોઈ પણ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ઉભી કરવા માટે અને એને ટકાવવા માટે રાષ્ટ્ર-ધર્મ, -પુસ્તક, -ભાષા એક જ હોવા અનિવાર્ય છે -એ સિદ્ધાંત છે. પોતાના પતિ પ્રત્યે સ્ત્રીને જે ભાવ હોય છે એ ભાવ એના પાડોશી માટે ના જ હોય. એને જ પતિનિષ્ઠા કહેવાય. પતિવ્રતા અને વેશ્યામાં આ જ તો ફર્ક છે!

ભારત જેવા સમર્થ રાષ્ટ્રને ઉંદરડાં જેવા પાડોશી રાષ્ટ્રો હેરાન કરી રહ્યાં છે, વિદેશી આતંકવાદીઓ સીમાની અંદર ઘુસીને તબાહી મચાવી રહ્યાં છે ત્યારે વિચાર આવે છે કે આ દેશનું યુવાધન શું કરે છે?

આપણા યુવા ભાઈ-બહેનો લશ્કરી તાલીમ મેળવવા થનગને છે કે તેનાથી દૂર ભાગે છે? પ્રથમ નજરે જે ચિત્ર આંખ સામે આવે છે એ નિરાશાજનક જણાય છે. સિનેમાઘરો, ડાંસબારો, મોજ-મજાનાં તમામ સ્થળોએ પડાપડી થાય છે જ્યારે કુસ્તીના અખાડા, પુસ્તકાલયો, વિચારયુદ્ધના મંચો સૂમસામ જણાય છે. સ્પર્ધાનું વાતાવરણ છે, પરંતુ શારિરીક મહેનત વગર પૈસો તેમજ કીર્તિ કમાવાનું શિક્ષણ મેળવવામાં, પાંચ-સાત આંકડાનો માસિક પગાર મેળવવામાં અને ધંધો વિકસાવવામાં!

છેલ્લે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો તેની શરુઆત રેલ્વેસ્ટેશનથી થઈ. સ્ટેશનનું નામ ‘વિક્ટોરિયા ટર્મીનસ’થી બદલીને ‘શિવાજી ટર્મીનસ’ રાખવાથી શિવાજી પેદા થઈ શકે છે? ત્યાં પાંચસો માણસોને આતંકવાદીઓએ વીંધી નાંખ્યા. કારણ શું? પાંચ હજાર માણસો જીવ બચાવવા ભાગતા હતાં, જેઓની પીઠ આતંકવાદીઓ તરફ હતી.

આ પાંચ હજારમાંથી માત્ર સો યુવાનો ભાગવાને બદલે સામે ધસી ગયા હોત તો પાંચેય આતંકવાદીઓ પકડાઈ ગયા હોત. શક્ય છે કે સોમાંથી નેવું જણા મરી પણ ગયા હોત! છતાં પાંચસોની સામે આ આંકડો બહુ નાનો ગણાય. પ્રશ્ન છે attitude નો! આપણે પલાયનવાદી છીએ કે પુરુષાર્થવાદી, ભાગવામાં કુશળ છીએ કે સામનો કરવામાં? લશ્કરી તાલીમ આપણા યુવાધનના attitude માં કોઈ ફરક કરી શકે છે કે કેમ?

ભારતે ભાગી છૂટવાની નહિ, સામનો કરવાની જરુર છે. વિચારો, આ પ્રકારની ઘટના ઈઝરાયલમાં બની હોત તો ત્યાંના યુવાનોએ શું કર્યું હોત! આપણે પણ આપણી અસ્મિતા જાગ્રત કરીએ અને એને ટકાવીએ.

જય હિંદ બોલીએ નહિ….સાર્થક કરીએ…..!!

Posted from WordPress via Galaxy Mega

Advertisements

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s