કન્યાવિદાયની દિવ્ય પળ

“જીવનવસંતમાં દીકરી ટહુકો બનીને આવી;
મંગલ ઉત્સવે શરણાઈના સૂર મૂકીને ચાલી”

પુત્રીના લગ્ન પ્રસંગની કંકોત્રીમાં કાવ્યતત્વ ઉમેરવા માટે આ ઉદ્‍ગાર સહજ જ સરી પડ્યા. પરણીને માબાપના ઘરમાંથી જતાં જતાં ય દીકરી સંગીતના સૂર મૂકતી જાય છે.
“સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું ફળિયુ લઈને ચાલે…”
કવિ શ્રી અનિલ જોશીએ આ પંકતિઓમાં કન્યા વિદાયથી અનુભવાતા સૂનકારને સુંદર રીતે વ્યક્ત કર્યો છે.

દીકરીનો જન્મ અને તેની વિદાય બંને ચિંતા અને હર્ષ એકસાથે જન્માવે છે. પ્રેમનો જ્યોત જેવી દીકરી ઉજાસ પાથરતી જ્ન્મે છે તે ઉજાસ ઝાંખો ન પડે તેની ચિંતા ખાસ કરીને પિતાને વિશેષ હોય છે. પુરૂષનો પ્રેમ સ્ત્રીને સુરક્ષા બક્ષે છે જ્યારે સ્ત્રીનો પ્રેમ પુરૂષના જીવનમાં પ્રકાશ પાથરે છે. પ્રેમનું આ જોડાણ મંગલ ઉત્સવના ઢોલ-શરણાઈ સાથે નવી આશાઓ જગાડે છે ત્યારે ઉત્સાહ અને ઉમંગને નોતરાની જરૂર નથી રહેતી. લગ્ન ગીતો ફળીમાં જ નહી દિલમાં ગુંજતા થઈ જાય છે. નવજીવનના હર્ષની લહેરીઓ વચ્ચે કન્યાવિદાયની વસમી પળ આવે તે પહેલા જ આંસુને વહેતા ન કરી દે તે માટે ભૂતકાળના સ્મરણોને સમેટી ભવિષ્યના સ્વપ્નોમાં રંગી સધિયારો આપવા વડિલો, સગાંઓ, સ્નેહીઓ, મિત્રો, પડોશીઓ…સૌ આવી પહોંચે છે. દીકરીને આંખથી અળગી કરવી સહેલી છે પણ દિલથી? એ તો શક્ય જ નથી પણ છતાં યે હવે જયારે તેનો હાથ અન્યના હાથમાં અપાય છે ત્યારે દિલનો ટુકડો પણ સાથે જોડાય છે કે જેમાં દીકરી પ્રત્યેનો નર્યો- નીતર્યો શુદ્ધ પ્રેમ છે. આ નિસ્વાર્થ પ્રેમને કારણે તેના પ્રત્યેના રાગ અને વળગણમાંથી મુકત થઈ સ્વાર્પણ માંગતી પ્રેમની દિવ્યતા વિદાયની પળને દિવ્ય બનાવે છે

હ્રદય આપોઆપ જ પીગળે છે આંસુ આપોઆપ છલકે છે અને સૌ આર્દ્ર બનીને સહજ મૌનમાં સરી પડે છે.. ફક્ત શરણાઈના સૂર ગુંજે છે ખાલી થતા હ્રદયમાં પ્રેમનો પ્રવાહ જોડાયેલો રાખવાના પ્રયત્નમાં સંગીત પણ રૂદનના સૂર જ રેલે છે……થંભી ગયેલી પળને ફરી વહેતી કરવા સ્ત્રીઓ ગીત ઉપાડે છે;

ઊભા રહો તો માંગુ મારી માતા પાસે શીખ રે,
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે……..

અંતે જાન વિદાય લે છે….અને વિદાયની વેદનાને વ્યકત કરતા કવિ શ્રી અનિલ દોશી ફરી લખે છે કે

“જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે”

માબાપના હ્રદયમાંથી વહેતા શબ્દો આંસુ બની મૌન પ્રાર્થનામાં સ્થિર થઈ આશીર્વચનો રૂપે પ્રગટે છે.

“દીકરીના હ્રદયમાં પ્રેમનો સાચો આનંદ સદા છલકતો રહે… અને તેના પરિવારને તે સ્નેહથી ભીંજવતી રહી સુખી રહે…”

‘આવજે દીકરી……વ્હાલના દરિયા… તને અમે વંદીએ છીએ…’

wpid-1391977657448.jpg

 (વહાલસોયી દીકરીના લગ્નપ્રસંગે સૌની શુભેચ્છાઓ યાચીએ છીએ)

– રેખા સિંધલ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s