તમને ઇનામ લાગ્યું છે!

‘તમને કોકા-કોલા કંપનીનું આટલા હજાર ડોલરનું ઇનામ મળ્યું છે, ઇનામ મેળવવા ફલાણા નંબર કે ઈ-મેઇલ એડ્રેસ પર સંપર્ક કરો’, ‘અમેરિકાની ફલાણી હૉસ્પિટલમાં એક અબજોપતિ મરતાં પહેલાં પોતાની બધી સંપત્તિ એક નર્સને સોંપી ગયા છે, એ શરતે કે એ નર્સે તેમાંથી અડધી સંપત્તિ વિશ્ર્વભરના અનેક લોકોમાં વહેંચવાની. એ નર્સે સંપત્તિનો અમુક ભાગ આપવા માટે તમને પસંદ કર્યા છે…’ આ પ્રકારના ઈ-મેઇલ્સ કે એસએમએસ વારંવાર તમારા ઇનબોક્સમાં આવી પડતા હશે, તમે એના તરફ ધ્યાન આપ્યા વિના એને ડિલીટ પણ કરતા હશો અને મનોમન વિચારતા હશો કે આજના જમાનામાં આવી વાતોમાં કોણ ફસાતું હશે?

તમારા એ સવાલનો જવાબ છે – ગણ્યા ગણાય નહીં એટલા લોકો.

જો તમે એવા ઈ-મેઇલ કે એસએમએસમાં આપેલી લિંક પર જરા આગળ વધો તો સમજાય કે એ ઇનામ મેળવવા માટે તમારે પહેલાં તમારા બેન્ક ખાતાની વિગતો, બીજા કેટલાક ઓળખના પુરાવા આપવા પડે અને ખાસ તો, પહેલાં અમુક રકમ ભરવી પડે, આ બધું કરો તો તમારું ઈનામ પાક્કું ગણવાનું!

ભલા-ભોળા (કે ભોટ!) લોકોને આ રીતે મોટી રકમની લાલચ આપીને તેમની પાસેથી પ્રમાણમાં નાની રકમ પડાવવાની રીત, જગતભરનાં તમામ કૌભાંડોમાં સૌથી સફળ કૌભાંડ ગણાય છે. લગભગ 25 વર્ષથી ચાલતા આ પ્રકારનાં કૌભાંડમાં દેખીતી રીતે ખોટી લાગે એવી (શરૂઆતમાં આપેલાં ઉદાહરણ જેવી) લાલચની લઈને પહેલી નજરે એકદમ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ લાગે એવી સોફિસ્ટિકેટેડ સ્કીમ સુધીની આખી રેન્જ સમાયેલી છે. ઇન્ટરનેટ કે મોબાઇલ હજી આજના જેટલા વિશ્ર્વવ્યાપી નહોતા ત્યારે ફોન અને ફેક્સથી આ પ્રકારનાં કૌભાંડ ચાલતાં હતાં. હવે નવી ટેક્નોલોજીની જુદી જુદી અનેક રીતે આખી દુનિયામાં આ કૌભાંડ પ્રસરી રહ્યું છે.

આ પ્રકારનાં કૌભાંડ એડવાન્સ ફી ફ્રોડ (419) નામે ઓળખાય છે. આ 419નો આંકડો કેમ? એનો જવાબ એ છે કે નાઇજિરીયામાં આ પ્રકારનાં કૌભાંડને સંબંધિત કાયદાનો આ કલમ નંબર છે (આપણી 420મી કલમની જેમ)! મજા જુઓ કે આ પ્રકારના સાયબરસ્કેમ્સ એ નાઇજિરીયામાં અને તેની બહાર રીતસર બહુ મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે.

આ સ્કેમની અસર વિશે બીબીસીનાં એક ભારતીય રીપોર્ટરે નોંધેલો એક હૃદયદ્રાવક કિસ્સો જાણવા જેવો છે. ઓરિસ્સાના એક ગામડામં રહેતા 41 વર્ષના બેરોજગાર રતન કુમારને લગભગ બે વર્ષ પહેલાં એક એસએમએસ મળ્યો, જેમાં તેને બીબીસીની 2-3 કરોડની લોટરી લાગ્યાનું જણાવવામાં આવ્યું હતું. થોડું ઘણું ભણેલા રતનકુમારને ફક્ત એટલું સમજાયું કે તેને બહુ મોટી લોટરી લાગી છે. કોઈની મદદ લઈને તેણે એ એસએમએસમાં આપેલા ઈ-મેઇલ પર પોતાની વિગતો મોકલી. લોટરીની રકમ મેળવવા માટે પહેલાં રૂા. 12,000 જેટલી રકમ મોકલવાનું જણાવવામાં આવ્યું હતું. રતનકુમારે પોતે બહુ ગરીબ હોવાનું કહ્યું. પછીનાં બે વર્ષ સુધી ‘બીબીસી’ તરફથી કોઈ તેનો વારંવાર સંપર્ક કરતું રહ્યું અને છેવટે રૂા. 4000 મોકલે તો લોટરીનો ચેક મોકલી આપીશું એમ કહેવામાં આવ્યું.

એ વાતનેય ઘણો સમય વીત્યા પછી, રતનકુમારે ભારતમાં બીબીસીની ઓફિસ ક્યાં છે તેની તપાસ શરૂ કરી. છેવટે મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈ તે પોતાને ગામથી 1700 કિલોમીટર દૂર દિલ્હીમાં બીબીસીની ઓફિસ સુધી પહોંચ્યો – ઇનામનો ચેક મેળવવાની આશા સાથે. બીબીસીના રીપોર્ટરે લખ્યું છે કે રતનકુમાર છેતરપીંડીનો ભોગ બન્યો છે એ વાત એના ગળે તરી જ નહીં. ‘હશે, રકમ તો એમની છે, મારા નસીબમાં નહીં હોય’ એમ માની એ ખાલી હાથે ગામ પરત ફર્યો.

આ કૌભાંડનું બીજું એક પાસું પણ જાણી લો. હમણાં હમણાં ભારતનાં મોટાં, લબ્ધપ્રતિષ્ઠિત અખબારો સહિત સંખ્યાબંધ વેબસાઇટ્સ પર સમાચાર ચમક્યા હતા કે 2013ના ફક્ત એક જ વર્ષમાં ભારતીય લોકોએ આ સ્કેમના સાણસામાં સપડાઈને 870 મિલિયન ડોલર (લગભગ રૂા. 5200 કરોડ રૂપિયા, 2014ના રેલ બજેટમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાના પ્રોજેક્ટ માટેનું બજેટ રૂા. 100 કરોડ છે) ગુમાવ્યા છે. આ સમાચારના સ્રોત તરીકે, અલ્ટ્રાસ્કેન રીસર્ચ સર્વિસીઝ નામની આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન કરતી, ધ નેધરલેન્ડ્સની એક સંસ્થાનો હવાલો આપવામાં આવ્યો છે.

લગભગ બધાં છાપાં ને ન્યૂઝસાઇટ્સે આ સંસ્થાની વેબસાઇટના હોમપેજ પર કરવામાં આવેલા દાવાને આધારે લખી નાખ્યું છે કે ‘આ સંસ્થા વિશ્ર્વના 69 દેશોમાં 3200થી વધુ નિષ્ણાતોની ફોજ ધરાવે છે’, પણ કોઈએ આ સંસ્થાની વેબસાઇટ કે તેના રીપોર્ટમાં ઊઁડા તરવાની તસદી લીધી નથી, જે બંને પહેલી જ નજરે પ્રોફેશનલ લાગતાં નથી. રીપોર્ટ 223 પેજનો છે, અને તેમાં નાઇજિરીયન ફ્રોડ વિશે પાર વગરની વિગતો છે, પણ રીપોર્ટના આધાર વિશે ખાસ કોઈ સ્પષ્ટતા નથી. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અખબારે આ સંસ્થાના આધારે લખ્યું છે કે કોલકાતા નાઇજિરીયન ફ્રોડનું મોટું કેન્દ્ર બની રહ્યું છે અને એ સંસ્થાની વેબસાઇટ પર આ જ સમાચાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની લિંક સાથે આપવામાં આવ્યા છે!

આ સંસ્થાના સ્થાપક એક પ્રાઇવેટ ડિટેક્ટિવ હોવાનું જાણવા મળે છે, તેથી વિશેષ તેના વિશે કોઈ માહિતી મળતી નથી. વધુ ખાંખાંખોળાં કરીએ તો આ સંસ્થા પોતે નાઇજિરીયન ફ્રોડનો ભોગ બનેલા લોકોને મદદ કરવાને બહારને તેમની પાસેથી નાણાં પડાવતી હોવાની ફરિયાદો પણ વાંચવા મળે છે!

મતલબ કે જે ફ્રોડનો છેડો અવારનવાર આપણા મોબાઇલ કે મેઇલના ઇનબોક્સ સુધી પહોંચી જાય છે તેના વિશે કશું જ આધારભૂત રીતે જાણી શકાતું નથી. સાવધ રહેવું અને લાલચનો ભોગ ન બનવું એટલું જ આપણે કરી શકીએ છીએ. જેમ આ આ લેખનું શીર્ષક વાંચીને તમે આખો લેખ વાંચવા લલચાયા એવું ઈ-મેઇલ કે એસએમએસમાં વાંચીને આગળ વધશો નહીં!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s