માણસ માણસને માપતો ફરે છે.

‘મજબૂર છું’ કહીને મજબૂર ના થઈશ,
આવે નહીં તું પાસ, તોય દૂર ના થઈશ,
મહેફિલ છે, તાળીઓનો રિવાજ છે અહીં,
ઓ દોસ્ત! સાંભળીને મગરૂર ના થઈશ.
ડો. મુકેશ જોશી

માણસ માણસને માપતો ફરે છે. પોતાના કાટલાથી એ માણસની હેસિયત નક્કી કરે છે. એની ઔકાત કેટલી છે? એનું સ્ટેટ્સ કેવું છે? એ માણસ આપણા માટે કેટલો ઉપયોગી છે? ભવિષ્યમાં કામ લાગે એવો છે કે નહીં? માપ કાઢીને માણસ એની સાથે સંબંધ રાખવો કે નહીં એ નક્કી કરે છે. આપણા સંબંધો કેટલા ગરજાઉ હોય છે? કોની પાછળ કેટલું ઘસાવું એ આપણે કોઈની ઔકાત જોઈને નક્કી કરીએ છીએ. સાહેબ મુશ્કેલીમાં હોય ત્યારે આપણે તેની સેવામાં હાજરાહજૂર હોઈએ છીએ અને જ્યારે આપણા હાથ નીચે કામ કરતો માણસ પરેશાન હોય ત્યારે આપણે તેને શું થયું છે, એ પૂછવાની પરવા સુધ્ધાં કરતાં નથી. છોકરાંઓને પણ આપણે એવું જ શીખવાડીએ છીએ કે તારી સ્કૂલમાં હોશિયાર હોય એની સાથે જ દોસ્તી રાખજે. માણસ આખી જિંદગી એવી રીતે જ જીવતો હોય છે, જાણે ગણતરી ગળથૂથીમાં મળી હોય! માણસે એ નક્કી કરવાનું હોય છે કે આપણે ‘માપવું’ છે કે ‘પામવું’ છે? જેને માપવામાંથી ફુરસદ નથી મળતી એ પામવાનું ચૂકી જાય છે. સંબંધો માપીને થતાં નથી અને જે સંબંધો માપીને થાય છે એ લાંબા ટકતા નથી. તમે યાદ કરજો, મોટા ભાગે આપણને એવા લોકો જ ખરા સમયે ઉપયોગી થયા હોય છે જેની આપણે કોઈ અપેક્ષા રાખી ન હોય. સાથોસાથ એવું પણ બન્યું હોય છે કે જેની પાસે આપણે અપેક્ષા રાખી હોય એણે છેલ્લી ઘડીએ હાથ ઊંચા કરી દીધા હોય છે. આપણે ઘણાંનાં મોઢે એવું સાંભળીએ છીએ કે મને એની પાસેથી આવી અપેક્ષા ન હતી! એવી નહોતી તો કેવી અપેક્ષા હતી? કંઈક તો અપેક્ષા હતી જ ને? સંબંધો હોય ત્યાં અપેક્ષા તો હોવાની જ છે પણ સંબંધનો બેઈઝ અપેક્ષા જ ન હોવો જોઈએ. ગણતરી માંડીને સંબંધો રાખ્યા હોય ત્યારે ગણતરી ઊંધી પડવાના ચાન્સીસ વધી જાય છે.

આપણે કોની સાથે અને શા માટે સંબંધ રાખીએ છીએ એ વિચારવાની સાથે એ પણ જોવું જોઈએ કે કોઈ આપણી સાથે શા માટે સંબંધ રાખે છે. કોઈ તમારી તાકાત, તમારી સંપત્તિ કે તમારા હોદ્દાને કારણે સંબંધ રાખતું હોય તો એ સંબંધને સાચો માની ન લો, કારણ કે તાકાત, શક્તિ અને હોદ્દો નહીં હોય ત્યારે એ સંબંધ પણ ગુમ થઈ જશે. માણસે પોતાની હેસિયત પણ પોતાના હોદ્દાના આધારે ન બાંધવી જોઈએ. ઘણા લોકો પર પોતાની સત્તા હાવી થઈ જતી હોય છે. હું કંઈ જેવો તેવો નથી. મારા સંબંધો મારા સ્ટાન્ડર્ડના જ હોવા જોઈએ. હું હાલી-મવાલી સાથે વાત ન કરું. હાલી-મવાલી એટલે કેવા? જે આપણા માપમાં ફિટ નથી બેસતા એવા! આપણે એની ઈન્સાનિયત, એની પ્રામાણિકતા, એની સચ્ચાઈ, એની નિષ્ઠા અને એની લાગણી જોતાં જ નથી. માત્ર એની ‘તાકાત’ જ જોતા હોઈએ છે. મોટા માણસો સાથે સંબંધ રાખવામાં પણ ઘણા ‘મોટાઈ’ સમજતાં હોય છે. આવા વખતે નક્કી એ કરવું પડે છે કે ‘મોટા માણસ’ની વ્યાખ્યા શું? કોણ માણસ મોટો અને કોણ નાનો? કોણ સાચો અને કોણ ખોટો? કોણ વાજબી અને કોણ ગેરવાજબી? કોણ લાયક અને કોણ ગેરલાયક? આપણે બધાં વ્યાખ્યાઓ તો કરતાં જ હોઈએ છીએ પણ વ્યાખ્યા કરતી વખતે ઘણી વખત આપણે વ્યાખ્યા જ ખોટી કરતાં હોઈએ છીએ.

માન આપવું અને જી-હજૂરી કરવી એમાં ફર્ક છે. તમારા ઉપર કોઈ લાગણી બતાવે ત્યારે એ નક્કી કરવું જોઈએ કે એ માણસ તમારા પર આટલો બધો ઓળઘોળ શા માટે છે? એ સમજવામાં થાપ ખાઈ જઈએ તો આપણને ઘણી વખત આપણું જ અભિમાન આવી જાય છે. હું કંઈ કમ નથી. મારો દબદબો જોરદાર છે. મને કેટલા બધા લોકો સલામ ઠોકે છે! એક સ્ટાર હતો. આખો દિવસ લોકોથી ઘેરાયેલો જ રહે. લોકો તેની પાછળ પાગલ હતા. તેને જોતાંવેંત જ લોકોનાં ટોળાં જામી જાય. તેની સાથે ફોટો પડાવવા માટે અને ઓટોગ્રાફ લેવા માટે લોકોની લાઈન લાગતી. આ માણસ દર મહિને બે દિવસ ગુમ થઈ જતો. કોઈને ખબર જ ન પડે કે એ ક્યાં જાય છે અને શું કરે છે! કોઈ એને પૂછવાની િંહંમત પણ ન કરતું કે તમે ક્યાં જાવ છો? એના ગુમ થવા વિશે તર્ક-વિતર્ક થતાં રહેતા.

બે દિવસ ગુમ થયા બાદ એ પાછો ફરતો ત્યારે નમ્ર થઈ જતો. આ માણસનો એક નોકર હતો. વર્ષોથી તેની સાથે રહેતો. કોઈ દિવસ કંઈ ન પૂછે. બસ, તેની ચાકરી જ કર્યા રાખે. એક દિવસ તેનાથી ન રહેવાયું. તેણે કહ્યું કે લોકો તમારા ગુમ થવા વિશે ગમે એવી વાતો કરે છે. મેં તમને કોઈ દિવસ સવાલ નથી કર્યો કે તમે શું કરો છો? પહેલી વખત તમને પૂછું છું કે તમે ક્યાં જાવ છો? પેલો સ્ટાર હસ્યો અને કહ્યું કે બીજા કોઈએ પૂછયું હોત તો કદાચ હું જવાબ ન આપત પણ તેં કોઈ જાતના સ્વાર્થ વગર આખીં જિદગી મારું ધ્યાન રાખ્યું છે એટલે તને કહું છું કે હું એવી જગ્યાએ ચાલ્યો જાઉં છું જ્યાં મને કોઈ ઓળખતું ન હોય. ત્યાં મને એક સામાન્ય માણસ હોવાનો અહેસાસ થાય છે. આપણે ઘણી વખત જે લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ એને જોઈને આપણી જાતને મહાન માની લેતા હોઈએ છીએ. હું બે દિવસ ગુમ થઈને મારી કહેવાતી મહાનતાનું મહોરું ઉતારવા જાઉં છું. આ બે દિવસને કારણે મને અઠયાવીસ દિવસનું અભિમાન આવતું નથી. મને ખબર છે કે આ ‘મહાનતા’ કાયમી નથી, કારણ કે કોઈ મહાનતા કાયમી હોતી નથી. માણસ જ્યાં સુધી માણસ છે ત્યાં સુધી જ એ મહાન છે. હું ધ્યાન રાખું છું કે મહાન થવાની દોડમાં હું ક્યાંક માણસ ન મટી જાઉં!

આપણે પણ આપણા લોકોની વચ્ચે આપણી રીતે જ વર્ચસ્વ જમાવીને આપણને ‘મહાન’ સમજવા લાગતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાનું જેવડું વર્તુળ હોય એવડા વર્તુળમાં શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરતો રહે છે. ઓફિસમાં હું બોસ છું એટલે બધાંએ મને આદર આપવો જ જોઈએ. મારી સાથે સંબંધ રાખવો જ જોઈએ અને મને માન આપવું જ જોઈએ. આવા સંબંધમાં મોટાભાગે જે લોકો હાજરીમાં જી-હજૂરી કરતા હોય એ આપણી ગેરહાજરીમાં આપણું જ વાટતા હોય છે. તમારી ગેરહાજરીમાં તમારા વિશે જે અભિપ્રાય અપાતો હોય એ જ સાચો હોય છે, એટલે હાજરીમાં બોલાતાં વાક્યો કે અપાતા અભિપ્રાયને સાચો માનવાની ભૂલ કરવી ન જોઈએ.

જે સંબંધમાં સ્નેહ અને લાગણીનો આધાર ન હોય એ સંબંધો છેલ્લે નિરાધાર પુરવાર થતા હોય છે. તમારા સંબંધો કેવા છે અને કોની સાથે છે? આપણે સંબંધ ‘મોટો માણસ’ જોઈને બાંધીએ છીએ કે ‘સારો માણસ’ જોઈને? સારો માણસ કોઈ પણ હોઈ શકે છે એના માટે જરૂર નથી કે એ ‘મોટો માણસ’ હોય! ‘મોટો માણસ’ પણ સારો હોઈ શકે છે પણ સારો માણસ મોટો માણસ જ હોય એ જરૂરી નથી. સંબંધમાં સત્ય હોવું જોઈએ અને એ સત્યના આધારે જ માણસની હેસિયત અને ઔકાત નક્કી થવી જોઈએ. સાથોસાથ માણસ પોતે પણ એ જોતો રહે એ જરૂરી છે કે મારી હેસિયત અને ઔકાત શું છે? હું સારો માણસ છું ખરાં? જ્યાં સુધી તમે તમારી હેસિયતનું સાચું મૂલ્યાંકન નહીં કરી શકો ત્યાં સુધી તમે બીજાની ઔકાત માપવામાં પણ ભૂલ જ કરતાં રહેવાના છો! સારા હોય એને જ સારું મળે છે. ફૂલે પતંગિયાને શોધવા જવું પડતું નથી!

સંબંધો માપીને થતાં નથી અને જે સંબંધો માપીને થાય છે એ લાંબા ટકતા નથી. સંબંધો હોય ત્યાં અપેક્ષા તો હોવાની જ છે પણ સંબંધનો બેઈઝ અપેક્ષા જ ન હોવો જોઈએ. ગણતરી માંડીને સંબંધો રાખ્યા હોય ત્યારે ગણતરી ઊંધી પડવાના ચાન્સીસ વધી જાય છે

Posted from WordPress by Atul Lathiya via Note 3 neo

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s