પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું 95 વર્ષની વયે અક્ષરધામ ગમન

આજે તારીખ 13-8-2016ના રોજ સાંજે 6-00 વાગ્યે તીર્થધામ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 95વર્ષની ઉંમરે અક્ષરધામ ગમન કર્યું છે.

લાખો લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સીંચીને તેમનું જીવન-પરિવર્તન કરનારા અને અનેકવિધ સામાજિક સેવાકાર્યોમાં જીવન સમર્પિત કરીને અસંખ્ય લોકોના તારણહાર બનનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરામાં પાંચમા ગુરુદેવ હતા. જીવનભર પરિવ્રાજક રહીને લોકસેવા માટે અવિરત 17000થી વધુ ગામડાં-નગરોમાં ઘૂમનાર પ્રમુખસ્વામી મહારાજ છેલ્લાં ત્રણેક વર્ષથી તીર્થધામ સારંગપુર ખાતે વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે સ્થાયી થયા હતા.

છેલ્લા કેટલાક સમયથી ફેફસામાં ઇન્ફેક્શન થવાને કારણે તેઓનું સ્વાસ્થ્ય અસ્વસ્થ બન્યું હતું. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેઓ સારવાર લઈ રહ્યા હતા. જો કે તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હતું, આમ છતાં આજે અચાનક જ ફેફસાંની વધુ તકલીફ સર્જાતા તેઓ વધુ અસ્વસ્થ બન્યા હતા અને આજે સાંજે 6-00 વાગ્યે તેઓએ પોતાના પ્રિય તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

સતત 95 વર્ષ સુધી અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે પુરુષાર્થ કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામે તારીખ 7-12-1921ના રોજ એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. 19 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સન 1939માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું હતું.  સન 1939માં અમદાવાદ ખાતે તેમણે  સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત તરીકે દીક્ષા લીધા બાદ સંસ્કૃતનું અધ્યયન કર્યું હતું. તેના કારણે તેઓ ‘શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી’ બન્યા હતા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી પ્રમુખસ્વામી મહારાજ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું. સન 1971માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા. નિઃસ્વાર્થ સેવા, અનન્ય ભક્તિ, અહંશૂન્યતા, પ્રચંડ પુરુષાર્થ અને પરમ સાધુતામય જીવનથી તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. ગરીબ આદિવાસીઓના

ઝુંપડાઓથી લઈને પછાત, દલિત અને આપત્તિગ્રસ્ત લોકોની વચ્ચે જઈને તેમણે લાખોને નવું જીવન બક્ષ્યું હતું. અસંખ્ય લોકોને વ્યક્તિગત મળી મળીને તેમને વ્યસનમુક્તિની પ્રેરણા આપનાર પ્રમુખસ્વામી મહારાજે બાળ-યુવા પ્રવૃત્તિનું એક મહાન આંદોલન ચલાવ્યું છે. તેમની ઉચ્ચ આધ્યાત્મિક અને વિનમ્ર સેવામય પ્રતિભાથી પ્રભાવિત થઈને દલાઈ લામાથી લઈને વિશ્વભરના અનેક મહાન ધર્મગુરુઓ, ભારતીય રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટન, યુનોના વડા શ્રી કોફી આનન, બહેરીનના શેખ ઈસાથી લઈને વિશ્વના અનેક માંધાતાઓ સહિત સૌ કોઈએ તેમને એક મહાન અને સાચા સંત તરીકે બિરદાવ્યા હતા.

પોતાના આ પ્રિય ગુરુદેવ અને મહાન સંતની વિદાયના સમાચાર ફેલાતાં જ અસંખ્ય લોકોનાં હૈયે ઘેરો આઘાત છવાયો છે. તેમનાં અંતિમ દર્શન કરીને તેમના ચરણે શ્રદ્ધાંજલિ અર્પવા દેશવિદેશમાંથી મહાનુભાવો અને લાખો લોકોનો પ્રવાહ સારંગપુર ભણી વહેશે.

 

More Details at http://www.baps.org

Advertisements

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s