જરા મટકી સમ્હાલ, બ્રિજબાલા

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 20 ઓગસ્ટ 2016)

મુંબઈની લોકલ ટ્રેનોને લીધે દરરોજ એવરેજ આઠથી દસ જણ મરી જાય દરરોજ. આપણી ડાહી અદાલતોએ એને રોકવા શું કર્યું.

ભારતની બધી જ ઓર્થોપેડિક હૉસ્પિટલો અને હાડવૈદોનો સર્વે કરીને આંકડા ભેગા કરીએ તો ખબર પડશે રોજના અમુક હજાર લોકોનાં હાડકાં ભાંગી જાય છે. આપણી કાળજી લેનારી અદાલતોએ આ વિશે શું કર્યું.

છેલ્લાં પાંચ વર્ષમાં દહીંહાંડીમાં આખા ભારતમાં વર્ષે એક જણ મરી જાય છે અને વર્ષે સવા બસો લોકો ઘાયલ થાય છે એટલે અદાલત પ્રતિબંધ લાદે છે. ચલો ૫, વીસ ફીટથી ઊંચો મિનારો નહીં બનાવવાનો. અઢાર વર્ષથી ઓછી ઉંમરના યુવાનો, કિશોરો કે બાળકોને દહીંહાંડી ફોડવામાં સામેલ નહીં કરવાના.

જી હજૂર. આપ માઈબાપ કહો એમ.

આપ ફરમાન કાઢશો કે ઉત્તરાણમાં પતંગ માત્ર હવામાં છુટ્ટા મૂકી દેવાના, દોરીથી ચગાવવાના નહીં તો અમે એમ કરીશું. બચેલી દોરી તમે કહેશો તે એન.જી.ઓ.ને ડોનેટ કરી દઈશું જેમાંથી કપડું વણીને તેઓ ગરીબોનું અંગ ઢાંકશે.

તમે કહેશો તો હોળીમાં એક પણ ટીપું પાણી નહીં વાપરીએ ને તમે કહેશો તો દશેરાએ પ્રદૂષણ ન થાય તે માટે રાવણ પણ નહીં બાળીએ અને ધ્વનિનાં પ્રદૂષણો રોકવા દિવાળીએ ફટાકડા પણ નહીં ફોડીએ.

પણ જરા અમને એ સમજાવો કે મહોર્રમના તાજિયા નીકળે છે ત્યારે લોકો પોતાની ધાર્મિક આસ્થાને અનુસરીને પોતાની જાતને જ ક્રૂર રીતે ઈજા કરે છે તે તમે ક્યારે અટકાવશો?

બકરી ઈદના દિવસે ચાર લાખ બકરાંને રિબાવી રિબાવીને કાપી લીધા પછી વહેલું લોહી ધોવામાં જે પાણી વપરાય છે તે હોળીમાં વપરાતા પાણી કરતાં ઓછું કિંમતી છે?

અને નવરાત્રિની નવ રાત્રિઓએ અમે માઈક પરના પ્રતિબંધને ચલાવી લઈશું ને ગણેશોત્સવ દરમિયાન થતા ‘ઘોંઘાટ’ને પણ દૂર કરી દઈશું. અમને એ તો પહેલા કહો કે વહેલી પરોઢથી મોડી સાંજ સુધી દિવસમાં પાંચ-પાંચ વાર ચારે દિશામાં મોટ્ટા મોટ્ટા લાઉડસ્પીકર્સ મૂકીને દેશની લાખો મસ્જિદોમાં ફુલ વૉલ્યુમમાં થતી નમાજ માટેની આઝાનને તમે ક્યારે રોકવાના છો? શું એ ધાર્મિક પરંપરા છે? ઈસ્લામનો ઉદય ૧૪૦૦ વર્ષ પહેલા થયો ત્યારે માઈક શોધાયાં હતાં? વીજળી શોધાઈ હતી? બેન્જામિન ફ્રેન્કલિનનો જનમ પણ થયો હતો?

શનિ શિંગણાપુર કે અન્ય કોઈ પણ મંદિરોમાં પ્રવેશ બાબતે ઉતાવળે ચુકાદો આપી દેતી આપણી અદાલતો હાજી અલીની દરગાહમાં સ્ત્રીઓના પ્રવેશ બાબતે ‘આ મામલો સેન્સેટિવ હોઈ વિચારણા માગી લે છે’ કહીને ચુકાદાને ટલ્લે ચડાવે છે.

હિંદુઓને લગતી બાબતો શું ઈન્સેન્સિટિવ હોય છે? અદાલતો પાસે લાખો કેસીસ પેન્ડિંગ છે. દહીંહાંડીનો કેસ એવો તે કેવો અરજન્સી ધરાવતો હતો કે તાબડતોબ એના વિશે ચુકાદો આપવો પડે. અને આ ઉપરાંત, આપણી અદાલતો શું દહીંહાંડીઓ વિશે ચુકાદાઓ આપવા માટે નિર્માઈ છે. બીજો કોઈ કામધંધો નથી? હિન્દુ ટ્રેડિશનોને લગતી બાબતોમાં દખલગીરી કરવાનો હક્ક અદાલતોને કોણે આપ્યો? બંધારણે? બંધારણમાં ક્યાંય એવું તો લખ્યું નથી? અને જો કોઈ કહે કે લખ્યું છે તો માત્ર હિન્દુ પરંપરાઓની બાબતે જ શું કામ વારંવાર ટાંગ અડાડવામાં આવે છે. અન્ય ધર્મોની બાબતમાં કરી તો જુઓ આવી દખલગીરી.

અદાલતોને દહીંહાંડીની બાબતમાં શું ખબર હોઈ શકે? વીસ ફીટની મર્યાદા એટલે છ ફીટ ઊંચા ગોવિંદાઓના માત્ર બે સ્તર અને એની ઉપર બીજો એક છ ફૂટિયો ચડીને હાથ ઊંચો કરીને હાંડી પરનું શ્રીફળ કાઢી લે એટલી જ વાર. આમાં ચૅલેન્જ ક્યાં આવી? અત્યાર સુધી આઠ સ્તર થતા આવ્યા છે.

સાહસ કરે તો હાડકાં ભાંગેય ખરાં. માઉન્ટેનિયરિંગ કરનારાઓનાં નથી ભાંગતા? એવરેસ્ટ આરોહણનો પ્રયત્ન કરનારાઓનાં નથી ભાંગતાં? એમના તો જાન પણ જાય છે. કોઈ પણ ઍડવેન્ચર સ્પોર્ટ્માં ઈજાનું/મોતનું ઈનહેરન્ટ જોખમ રહેવાનું જ. ચાહે એ મૅરેથોન હોય એફ-વન હોય કે દહીંહાંડી હોય.

સુપ્રીમ કોર્ટ, માઈબાપ! તમે આદરણીય છો, પરમ ભગવદીય છો. પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ છો. તમને સાષ્ટાંગ દંડવત્. પણ અમારી હિન્દુ આસ્થાઓને આટલી લાઈટલી લઈને તણખામાંથી જ્વાળા બની જાય ત્યાં સુધી અમારી ધીરજની કસોટી કરવાનું રહેવા દો. અમે અમારી મર્યાદામાં રહીશું. તમે પણ તમારી મર્યાદામાં રહો.

આજનો વિચાર!

યુદ્ધના સમયે કાયદાઓ મૌન થઈ જતા હોય છે.

– માર્ક્સ સિસેરો

WhatsApp Group : ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ 9004099112

www.facebook.com/saurabh.a.shah

hisaurabhshah@gmail.com

www.saurabh-shah.com

© Saurabh Shah

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s