સ્ક્રીન ટચથી ટચ સ્કિન

મોબાઈલને દિવસમાં કેટલી વાર સ્પર્શીએ છીએ? જવાબ છે લગભગ ૨૬૭૧ વખત. આ તો ઓછામાં ઓછો સમય છે. કેટલાક તો આનાથી પણ વધુ સમય મોબાઈલને સ્પર્શતા હશે. તમે પણ જો મોબાઈલ એડિક્ટ હો તો આ જરૂર વાંચો

દૃશ્ય- મુંબઈ લોકલ ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો કેટલાક લોકો જગ્યાને અભાવે ઊભા હતા તો બાકીના એકબીજાને સ્પર્શીને અડોઅડ બેઠાં હતા. પણ દરેક જણા મોબાઈલમાં વ્યસ્ત હતા. આજુબાજુ કોણ છે, કોણ ઊતર્યું કે નવું ડબ્બામાં ચઢયું તેની કોઈને પડી નથી. ફેરિયો ચઢ્યો પણ તેના તરફ એકાદ બે એ અછડતી નજર નાખી પણ કોઈએ કશું જ લીધું નહીં કે રસ ન દાખવ્યો એટલે ફેરિયો મોં બગાડતો કદાચ મોબાઈલને મનમાં ભાંડતો બીજા જ સ્ટેશને નીચે ઊતરી ગયો.

દૃશ્ય – બીજું – રેસ્ટોરન્ટમાં એક પરિવાર બેઠો છે પતિ-પત્ની અને બે બાળકો. પતિ અને બાળકો મોબાઈલમાં ગુમ છે. પત્ની ગૂમસૂમ કશું જ બોલ્યા વિના આસપાસ કોણ બેઠું છે તે અને પોતાના પરિવાર તરફ જોઈ રહે છે. છેવટે અકળાયને કહે છે કે ખાવાનો ઓર્ડર આપવા માટે તો ફોન મૂકશોને તમે લોકો? બાળકો ઊંચુ જોયા વિના કહી દે છે પીત્ઝા અને પતિ કહે છે કે તને તો ખબર જ છે શું ઓર્ડર આપવાનો આપી દેને. આ મિત્રો મને છોડતાં નથી શું કરું ? કહીને બે ચાર વાક્યોની આપ લે કરી લે છે.

દૃશ્ય ત્રીજું – કોફી શોપમાં એક યુવક અને યુવતી બેઠાં છે, લાગે કે પ્રેમમાં હશે જે રીતે મોબાઈલની વચ્ચે એકબીજા સામે જોઈને, વાત કરી લેતાં હતા. સેલ્ફી પાડતાં હતા.

દૃશ્ય ચોથું – લાંબા અંતરની ટ્રેનમાં યુવાન પતિ-પત્ની, પતિ પોતાના મોબાઈલ પર કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો અને પત્ની ચૂપચાપ બેઠી પોતાના પતિના મોબાઈલ પર દેખાતા દૃશ્યોને જોઈ લેતી હતી. ચારેક કલાકના પ્રવાસ દરમિયાન તેમની વચ્ચે એકાદ બે શબ્દની આપલે માંડ થઈ હશે.

એક અમેરિકન રિસર્ચ ફર્મે કરેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણે લગભગ ૨૬૭૧ વખત મોબાઈલને સ્પર્શીએ છીએ. માનવામાં નથી આવતું ને? પણ વાત સાચી છે ફોન કરવા ઉપરાંત સોશિયલ મીડિયાને ચેક કરવું, તેમાં પણ અનેક બારીઓ ખોલીને જોવી, પાછી બંધ કરવી. કેટલાંક લાઈક કરવા, કેટલાકમાં ઈમોશન્સ દ્વારા જવાબ આપવો તો કેટલાકમાં ચેટ કરવી. મેઈલ ખોલવા, બંધ કરવા, જવાબ આપવા. ફોટો ગેલેરી ખોલવી, બંધ કરવી. બીજી કેટલીક સાઈટ્સ જોવી, બંધ કરવી અને ગેમ રમવી વગેરે વગેરે આ બધાનો સરવાળો કરો તો અંદાજે ૨,૬૭૧ વખત થાય. ટેકનોલોજી આવ્યા બાદ લોકો ભીડમાં પણ એકલા પડી રહ્યા છે તે વાતતો ચર્ચાતી જ હતી. પાર્ટીમાં કે બહાર ફરવા ગયા હોય ત્યાં લોકો ફોટાઓ પાડીને ફટાફટ સોશિયલ મીડિયા પર મૂકવામાં એટલા તલ્લીન હોય છે કે તેઓ માનસિક રીતે જે તે સ્થળે હાજર હોતા જ નથી.

એકબીજા સાથે વાત કરવા કરતાં ટેક્સ્ટ એટલે કે સંદેશા લખીને મોકલવાનું કેટલીક વ્યક્તિઓ વધુ પસંદ કરવા લાગી છે.

સ્પર્શ એ ઈન્દ્રિયજન્ય અનુભૂતિ છે. સ્પર્શ દ્વારા આપણે અનેક લાગણીઓ વ્યક્ત કરતાં હોઈએ છીએ. કોઈના પર વધુ હેત આવે તો તેનો હાથ પકડીને પ્રેમની અભિવ્યક્તિ, તો ગુસ્સો આવે ત્યારે મારીને પછી તે થપ્પડ હોય કે ગુમ્મો. તેમાં પણ સ્પર્શ છે. કોઈની પીડામાં સહભાગી થતી સમયે પણ શબ્દો કરતાં સ્પર્શ વધુ કારગત નીવડતો હોય છે. નાનાં બાળકના ગાલને જરા ટપલી મારીને થતો સ્પર્શનો આનંદ તમે શબ્દોમાં કે ઈમોકોશનમાં વ્યક્ત ન કરી શકો. પણ જો તમે આટલી બધી વખત મોબાઈલને સ્પર્શ કરતાં હો તો તમારી પાસે બીજાને સ્પર્શ કરવાનો કે બીજા સાથે સંકળાવાનો કેટલો સમય બચશે ? અમેરિકન રિસર્ચ ફર્મ ડિસ્કાઉટ્સે એક લાખ સ્માર્ટ ફોન વાપરતા લોકોને અભ્યાસમાં સાંકળી લીધા હતા. તેમાંથી ૯૪ લોકો પર ખાસ અભ્યાસ હાથ ધર્યો કે સ્માર્ટ ફોનને તેઓ કેટલી વખત ચેક કરવા સ્પર્શે છે તેની ગણતરી કરવામાં આવી. આ લોકોને પાંચ દિવસ ચોવીસે કલાક ટ્રેક કરવામાં આવ્યા. આ ૯૪ જણાએ પાંચ દિવસમાં ૩૩,૦૯૦ વખત મોબાઈલ હાથમાં લીધો, તેમણે કુલ ૬૦,૦૦૩ મિનિટ મોબાઈલ પર વિતાવી અને કુલ ૧૧,૨૦,૩૧૭ વખત તેને ટચ એટલે કે સ્પર્શ કર્યો. આ તો સરેરાશ વ્યક્તિ આટલો સમય મોબાઈલને સ્પર્શ કરે છે તેની વાત છે પણ ૧૦ ટકા વ્યક્તિઓ એવી છે કે તે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે કે સરેરાશ કરતાં બમણો ૫૪૨૭ વખત તેઓ મોબાઈલની સ્ક્રીનને ટચ કરે છે. સરેરાશ દરરોજ ૧૪૫ મિનિટ સ્ક્રીનને સ્પર્શ કરવામાં વીતે છે.

આજ સંદર્ભે ભવિષ્યનું ચિત્ર રજૂ કરતી સ્કીનશીપ નામની શોર્ટ ફિલ્મ યુ ટ્યુબ પર નિકોલા વૉન્ગે મૂકી છે. નિકોલા વૉન્ગ સેન સબાસ્ટિઅનના સુંદર દરિયા કિનારે વીસેક જણા સાથે ગયો હતો. તેણે જોયું કે દરેક જણાં આસપાસના સૌંદર્ય અને વ્યક્તિઓથી બેખબર પોતાના ફોન પર ચોંટેલા હતા એ જોઈને તેને વિચાર આવ્યો કે તે પોતે પણ અનેકવાર આ રીતે ફોન સાથે ચિટકેલો હોય છે અને તેને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. આ ફિલ્મમાં દર્શાવ્યું છે કે ભવિષ્યમાં વધુમાં વધુ સમય મોબાઈલ પર વીતાવતી વ્યક્તિઓ સ્પર્શનું સંવેદન ખોઈ બેસે છે. એ સ્પર્શનું સંવેદન અનુભવવા માટે તેઓ પૈસા ચૂકવીને બીજી વ્યક્તિ પાસે જાય છે. બીજાના હાથના સ્પર્શની સુખાનુંભૂતિ તમારામાં મરી ગયેલી લાગણીઓને અને તમને જીવંત હોવાનો અહેસાસ અપાવે છે. આ ફિલ્મમાં દર્શાવ્યું તેવા દિવસો બહુ દૂર નથી જ કદાચ કારણ કે ટચ સ્ક્રીનના સંશોધનમાં જાણવા મળ્યું કે સવારે સાત વાગ્યાથી લઈને રાતના સૂવા જતાં સુધી લોકો સતત મોબાઈલને એક કે બીજા કારણે સ્પર્શ કરે છે. તો શું સૂઈ ગયા બાદ તો સ્પર્શ નહીં કરતા હોય એવું માનવાનું મન થાય, પરંતુ નવાઈ લાગશે કે રાત્રે એકથી બે વાર દરેક વ્યક્તિ મોબાઈલને એક યા બીજા કારણે સ્પર્શ કરે જ છે.

સંશોધનકારોને લાગે છે કે લગભગ બધા જ કમ્પલસિવ ઓબ્સેસિવ ડિસઓર્ડરથી પીડાય છે. ફોન લોક હોય તો પણ કે કોઈ જ એપ્લિકેશન ન વાપર્યું હોય તો પણ ફક્ત તેના સ્ક્રીનને સ્પર્શીને લોકો ખાતરી કરી લે છે કે ફોન બરાબર તો ચાલે છે ને?

અહીં પેલી ફિલ્મ ફરી યાદ આવે કે એ જ રીતે સહજતાથી આપણે આપણા મિત્રને, બાળકને, પતિ કે પત્નીને કે પછી માતા-પિતાના હાથને સ્પર્શવામાં કેટલો સમય આપીએ છીએ કે કેટલો સમય આપણી પાસે રહે છે ?

મોબાઈલે આપણને અનેક સુવિધા કરી આપી છે. અનેક રીતે ઉપયોગી પણ છે તે છતાં તે આપણા જીવનને બદલી રહ્યો છે. તે ભીડ વચ્ચે પણ એકલા પાડી રહ્યો છે. આપણા ખાલીપાને ભરવાને બદલે તે આપણને ખોખલા કરીને માનસિક સમસ્યાઓ વધારી રહ્યો છે. તમે જેમ વધુને વધુ મોબાઈલને સ્પર્શ કરો તેમ ત્વચા સાથેના સ્પર્શનો અનુભવ ઓછો થતો જાય તે સ્વાભાવિક છે. અને જે અંગનો ઉપયોગ તમે ન કરો તેની સંવેદના મરવા લાગે. તમે ચાલવાનું બંધ કરી દો લાંબા સમય સુધી તો તમારા પગ જકડાઈ જશે. એ જ રીતે તમારી સ્પર્શના સંવેદનોને બુઠ્ઠા કરી રહ્યો છે તેની ચેતવણી આ સંશોધન આપી રહી છે. મોબાઈલ પર તમે જેટલા એપ વાપરો છો તે તમારી સાયકોલોજિનો અભ્યાસ કરીને તમે કઈ રીતે વધુને વધુ તેનો ઉપયોગ કરો તે રીતે બનાવવામાં આવે છે. તે છતાં તમારા ફોનમાં રહેલા અઢળક એપમાંથી તમે માત્ર એક કે બે એપ જ સૌથી વધુ ઉપયોગ કરો છો તેવું પણ અભ્યાસમાં જાણવા મળ્યું છે. તમારે સંવેદનહીન ન બનવું હોય તો મોબાઈલ ટેક્નૉલૉજીનો સ્પર્શ ખપ પૂરતો જ કરો. મોબાઈલ વિના હવે ચાલવાનું નથી પણ મોબાઈલ વગર પણ આપણે એક સમયે જીવતા હતા તે યાદ કરો. મોબાઈલનો ઉપયોગ બંધ ન કરો પણ તેને કારણ વિના સ્પર્શ કરતાં સો વાર વિચારો.

મુંબઈ સમાચાર
તા. 20/08/2016

કવર સ્ટોરી – દિવ્યાશા દોશી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s