ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓ.

ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓની વાત કરીએ. જેમ સિદ્ધિઓ બદલ આપણે ગૌરવ લઈએ છીએ અને સિદ્ધિઓ મેળવવામાં આપણો કે આપણા બાપદાદાઓનો ફાળો છે એવું માનીને એ સિદ્ધિઓ પર માલિક હક્ક જમાવીએ છીએ એમ પણ આ નિષ્ફળતાઓ પણ આપણી જ કે આપણા જ બાપદાદાઓને લીધે મળેલી છે એવું માનીને સ્વીકારવાનું કે એ નિષ્ફળતાઓમાંથી બહાર નીકળવાની જવાબદારી પણ આપણી જ છે. આ નિષ્ફળતાઓથી શરમાવવાને બદલે હવે ધૂળ ખંખેરીને ઊભા થઈને શું કરવું તે વિચારીએ.

૧. ભારતની સૌથી મોટી સાત નિષ્ફળતાઓમાંની પ્રથમ નિષ્ફળતા એ કે આ ૭ દાયકા સુધી એક પ્રજા તરીકે આપણે માનતા રહ્યા કે આપણે તાકાતવર નથી, આપણે નમાલા હતા અને નમાલા છીએ. કોઈએ આપણને કહ્યું નહીં કે દુનિયાની સૌથી બહાદુર પ્રજાઓમાંની એક પ્રજા હિન્દુ પ્રજા છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકે કેટલાંક પત્રકારમિત્રો સાથે પર્સનલ વાતચીત દરમ્યાન એકવાર કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહીમ પોતાની ગેન્ગમાં શૂટર તરીકે હંમેશાં હિન્દુઓને રાખતો કારણ કે હિંદુ શૂટર બે ફીટ નજીકથી શૂટ કરતાં સહેજ પણ ગભરાતો નહીં, મરનારના દેહમાંથી માંસના લોચા કે લોહીના ફુવારા ઊડે તો સહેજ પણ વિચલિત થતો નહીં. જ્યારે મુસ્લિમ શૂટરના આઠ-દસ ફિટના અંતરથી પણ પિસ્તોલ ચલાવતાં હાથ ધ્રૂજતા કે ક્યાંક જેને મારવાનો છે તે માણસ તરાપ મારીને મારું હથિયાર ઝૂંટવી ના લે. દાઉદ ઈબ્રાહીમ કોમવાદી પુરવાર થયો એ પછી એને હિંદુ  શૂટર્સ મળતા બંધ થયા એટલે એણે મુસ્લિમ શૂટર્સની ભરતી કરવી માંડી.

અંડર વર્લ્ડની વાત બાજુએ મૂકીએ. આ દેશની સરહદોની રક્ષા કોણે કરી છે? અત્યારે કોણ કરે છે? ભારતના બહાદુર લશ્કરની ટુકડીઓ વિશ્વ યુદ્ધમાં વિજય મેળવવા બ્રિટનને કામ લાગી છે. છેલ્લા સાત દાયકાથી ભારતીય લશ્કર પાકિસ્તાનના સૈન્યને હંફાવી રહ્યું છે. એક પ્રજા તરીકે આપણે બહાદુર હતા અને છીએ, માત્ર જે માનસિકતા આપણામાં ઘુસાવી દેવામાં આવી છે તે દૂર કરવાની જરૂર છે. આપણા દરેક ભગવાનના હાથમાં શસ્ત્ર છે. જે પ્રજા બાયલી હોય તે પોતાના ભગવાનના હાથમાં શસ્ત્રો મૂકવાની કલ્પના કરી શકે? રામના હાથમાં ધનુષ્ય અને કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર એટલું જ નહીં આપણી તો દેવીઓ પણ શસ્ત્રધરિણીઓ છે. પણ કેટલાંક ચોક્કસ લોકોએ કેટલાંક ચોક્કસ કારણોસર ભારતીય પ્રજાને ડરપોક ચીતરવાનું ચાલુ કર્યું જેમને આપણે પડકારી શક્યા નહીં એ આપણી સૌથી મોટી નિષ્ફળતા.

૨. બીજી એક મોટી નિષ્ફળતા એ કે છેલ્લાં સાત દાયકામાં આપણે એ જ ગાણું ગાતા રહ્યા જે આપણને શીખવાડવામાં આવ્યું: ‘ભારત જેવી થર્ડ વર્લ્ડ કંટ્રીમાં તો…’ કે પછી ‘આપણા જેવા અભણ, પછાત અને જૂનવાણી દેશમાં તો…’ કલ્પના કરો કે આપણી માતા એ ખરેખર ગરીબ હોય, અભણ હોય તો આપણે એને આ રીતે ઉતારી પાડીશું! ભારતના ગરીબ, અભણ અને પછાતપણાની વાત સાચી હતી પણ હાયલી અતિશયોક્તિભરી હતી. તમે ગજવામાં દસ હજાર રૂપિયા લઈને ફરતા હો અને રસ્તામાં કોઈ તમને લૂંટી લે તો તમે ગરીબ થઈ ગયા? ના, ફરીથી મહેનત કરીને એટલી રકમ કમાઈ લેશો. તમારી પાસે એ રકમ હતી તે જ બતાવે છે કે તમારા એ રકમ કમાવવાનું સામર્થ્ય છે. મોગલોએ આ દેશને લૂંટયો, બ્રિટિશ-ડચ-ફ્રેન્ચ-પોર્ટુગીઝોએ પણ લૂંટયો. આ દેશમાં સમૃદ્ધિ હતી એટલે જ તો એમણે એ લૂંટી. આપણી પાસે સામર્થ્ય હતું ને છે એ સમૃદ્દિ પાછી લાવવાનું પણ કોઈએ આપણને એ જણાવ્યું નહીં. અધૂરામાં પુરું સત્યજિત રે જેવા અનેક સામ્યવાદી ફિલ્મ દિગ્દર્શકોેએ પોતાની મહાન કળા દ્વારા આ દેશની ગરીબીનો આંતરરાષ્ટ્રીય પ્રચાર કરીને પરિતોષિકો મેળવ્યાં.

જે દેશે આખી દુનિયાના ધર્મ-આધ્યાત્મ વિષયક જ્ઞાાનનો પાયો નાખ્યો તે જ દેશની પ્રજા અભણ તરીકે વગોવાઈ. આજની તારીખે કોમ્પ્યુટર જેવા સૌથી આધુનિક ક્ષેત્રમાં ભારતીય યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે ડિમાન્ડમાં છે. ભારત શું અભણ દેશ હતો કે છે? પણ આપણે માનતા રહ્યા કે આપણે ગરીબ, પછાત, અભણ છીએ. આપણા માથે રોજ એકની એક રેકર્ડ વગાડવામાં આવતી રહી અને આપણે બેવકૂફૂની જેમ આપણા ખભા પરના બકરાને કૂતરું ગણીને ઉતારી દીધું જેને હલાલ કરીને એ લોકોએ જયાફત ઉડાવી. એક પ્રજા તરીકે આપણે આપણી જાતને ઓળખી શક્યા નહીં. એનાથી મોટી બીજી કંઈ નિષ્ફળતા હોઈ શકે?

૩. ૧૯૪૭માં આઝાદ થયા પછી તરત જ આપણી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ લખાઈ જવું જોઈતું હતું કે આ દેશનાં બાળકોએ એમની માતૃભાષામાં શિક્ષણ લેવાનું રહેશે, હિન્દી કે સંસ્કૃત બીજી ભાષા તરીકે ફરજિયાતપણે શીખવાની રહેશે તથા અંગ્રેજી ત્રીજી ભાષા તરીકે કમ્પલસરી રહેશે. માતૃભાષામાં જ ગણિત-વિજ્ઞાાન-ઈતિહાસ વગેરે વિષયો શીખવાડવામાં આવતાં હોત તો આજે ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દરેક રાજયમાં માતૃભાષા બચાવવાની જે ઝુંબેશ કરવી પડે છે તે કરવી પડતી ન હોત. અંગ્રેજીનું મહત્ત્વ ત્રીજી ભાષા પૂરતું બરાબર છે પણ જે તમિળમાં કડકડાટ બોલી શકે તેના કરતાં જે અંગ્રેજીમાં અસ્ખલિત બોલી શકે તેનું જ્ઞાાન-માન વધારે એવી જે તદ્ન ખોટી માન્યતા આપણામાં ભરાઈ ગઈ છે તે તો જ દૂર થઈ હોત જો આઝાદી પછી બ્રિટિશ અસર ફગાવીને આપણને, આપણા બાપદાદાઓને માતૃભાષામાં શિક્ષણ આપવાનું કમ્પલસરી બનાવવામાં આવ્યું હોત. ફ્રાન્સ-જર્મની કે ચીન-જપાનનાં બાળકોની જેમ આપણાં સંતાનો પણ આજે આપણી માતૃભાષામાં ભણીગણીને એ પ્રજાનાં બાળકો જેટલાં જ પ્રગતિશીલ હોત. દુનિયા માટે એટલો જ રિલેવન્ટ હોત અને પાવડે પાવડે ઉસેટાય એટલું ધન પણ કમાતા હોત.

૪. ભારતે આઝાદ થયા પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વજન વધારવા વિશે આપણે કશું જ કર્યું નહીં. બ્રિટનની સરકાર બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા દુનિયાભરમાં ત્રીસથી વધુ ભાષાઓમાં સમાચારો વહેતા મૂકે છે. જેમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, સ્વાહિલી; ઉર્દૂ, બંગાળી, નેપાળી, અરબી વગેરેનો સમાવેશ થાય છે.

આપણું આકાશવાણી કે આપણું દૂરદર્શન બીબીસીની પહોંચતી સામે પાણી ભરે. આનાથી વિપરીત, ભારતમાં અમેરિકન અને રશિયન સરકારે એટલા મોટા પાયે પ્રચાર તંત્ર ઊભું કર્યું કે આપણા દેશ પત્રકારો-લેખકો એ બંને દેશોની વિચારસરણીથી રંગાઈને ભારતીય સંસ્કૃતિથી આપણે વિમુખ જઈએ એવા સ્પોર્ટ્સ લખવા માંડયા, એવા વિશ્લેષણો આપવા માંડયા. અમેરિકા અને બ્રિટનની જેમ ફ્રાન્સ-ચીન વગેરે દેશોના મિડિયાએ (એ.એફ.પી., ઝિન્હુઆ) પણ ભારતમાં પગપેસારો કર્યો. આ તમામ વિદેશી મિડિયાનું નવ્વાણું ટકા એક જ કામ રહ્યું-ભારત જેવી પ્રચંડ શક્તિનું દુનિયામાં નીચાજોણું થાય એવા સમાચારોનું પ્રસારણ કરવું. ભારતમાં કોઈ દલિતને અન્યાય થાય તો એ સમાચારને ઈન્ટરનેશનલ લેવલે ચગાવવા પણ કરોડો દલિતો બીજા કરોડો સવર્ણોની સાથે હળીમળીને રહે છે એની નોંધપણ ન લેવી. આપણે ત્યાં પૂર, ધરતીકંપ કે દુકાળ જેવી કુદરતી આપત્તિઓ સર્જાય ત્યારે એ તબાહીને બિલોરી કાચ નીચે મૂકીને દુનિયાભરમાં દેખાડવી પણ પોતાનાં જે.એફ.કે.અને હિયરો જેવાં એરપોર્ટ્સ સ્નોને કારણે કે કામદારોની હડતાળોને કારણે કલાકો નહીં. દિવસો સુધી બંધ રહે એની વાતોને ઈન્સિગ્નિફિકન્ટ ગણીને આપણા સુધી ન પહોંચાડવી.

ભારતની ઈમેજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બગાડવામાં આ ફોરેન મિડિયાનો સૌથી મોટો હાથ રહેલો છે. આપણે બીબીસી જેવું તંત્ર આઝાદીના પ્રથમ દાયકામાં જ ઊભું કરી દીધું હોત તો ઈન્ટરનેશનલ સ્તરે ભારતની જે ઈમેજ છે તેના કરતાં ઘણી ઉજળી ઈમેજ હોત. ફોરેન મિડિયા માટે ભારત વિશે કંઈ પણ કહેવું હોય તો હજુ પણ તેઓ રસ્તા પર. કરંડિયામાંથી સાપ કાઢતા ગારુડી કે ભર રસ્તે ચાલતા હાથીઓના સ્ટોક શોટ્સ કે ફોટોગ્રાફ વાપરે છે. આ વિદેશની મિડિયા પોતાના બ્રોન્ક્સ જેવા ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહીને પિસ્તોલની અણીએ ન્યૂયોર્કની ટ્રેનોમાં લૂંટ ચલાવીને ગુજરાન ચલાવતા નિગ્રોની વાત નહીં કરે પણ મુંબઈના ધારાવી વિસ્તારને એશિયાની લાર્જેસ્ટ સ્લમ ગણાવીને એના વિશે એક કલાકની ડોક્યુમેન્ટરી બનાવશે.

અને અફકોર્સ, આમાં આપણો પણ વાંક ખરો. આપણા દેશીભાઈઓ કચ્છના ભૂકંપ વખતે કોઈ ગરીબ મૃતદેહના ખિસ્સામાંથી પાકીટ કાઢતાં પકડાય તો ફ્રન્ટ પેજ ન્યૂઝ બનાવશે પણ નાઈન ઈલેવન વખતે ટ્વિન ટાવર્સના કાટમાળ હેઠળ દટાયેલી લાશની આંગળી કાપીને વીંટી કાઢતો કોઈ અમેરિકન પકડાશે તો એ ન્યૂઝની સદંતર અવગણના કરશે.

વીતેલા ૭ દાયકામાં આપણે બીબીસી જેવું મજબૂત સરકારી પણ સ્વતંત્ર મિડિયાહાઉસ ઊભું કરી શક્યા નહીં એ આપણી ઘણી મોટી નિષ્ફળતા. આજની તારીખે હવે બીબીસીના મોડેલનું અનુકરણ કરવાને બદલે અમેરિકના પ્રાઈવેટ મિડિયા હાઉસીસનું અનુકરણ કરીને ભારતને ભારતની દૃષ્ટિએ જોતું તેમ જ દુનિયાના બાકીના દેશોને પણ ભારતની નજરે જોતું તોતિંગ મિડિયા-હાઉસ ઊભું કરવાની જરૂર છે. અત્યારે તો એ કામ એક એકલો માણસ કરે છે આપણા વડા પ્રધાન !!!

પ. ભારતની પાંચમી સૌથી મોટી નિષ્ફળતા એ કે આ સાત દાયકા દરમ્યાન આપણા શાસકો દેશની બ્યુરોક્રસિને, દેશના સરકારી તંત્રને પીપલ્સ ફ્રેન્ડલી એટલે કે લોકાભિમુખ બનાવી શક્યા નહીં.

આઝાદી મળી ત્યારથી શાસકો અને સરકારી અમલદારોએ કુલડીમાં ગોળ ભાંગવાનું શરૂ કર્યું. સત્તાધીશોનાં બે નંબરી કામની ફાઈલો આ સરકારી બાબુઓ મેનેજ કરી આપે અને બદલામાં બ્યુરોક્રસિને પ્રજાના પૈસે લીલાલહેર કરવા મળે એવા કાયદાઓ તેમ જ નીતિનિયમો સત્તાધીશો પસાર કરી આપે. સામાન્ય પ્રજા કેવી રીતે મેકિસમમ હેરાનગતિ પામે એવું તંત્ર આપણા દેશમાં પચાસના દાયકાથી ગોઠવાતું ગયું. જયાં એક કલાકમાં કામ પતી જવું જોઈએ ત્યાં જુદી જુદી જગ્યાએ પચાસ ધક્કા ખાવાના અને છ મહિના પછી કામ થાય અને તે પણ થાય તો થાય અન્યથા લાલ ફીતાશાહીમાં જકડાયેલી તુમારશાહી તમને નાકે ફીણ  લાવી દે પણ કામ ટલ્લે ચડયા કરે. હા, ટેબલ નીચેથી રકમ સેરવો તો તરત કામ થઈ જાય. સત્તાધીશોની મહેરબાની વિના તથા સત્તાધીશોએ મંજૂર કરી આપેલા ગૂંચવાડાભર્યા નીતિનિયમોના આશ્રય વિના સરકારી બાબુઓ પ્રજાને હેરાન કરી શકે નહીં  અને હેરાન કરે તો જ તેઓને ઉપરની કમાણી મળે.

પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન, સચિવાલયમાં વિવિધ ખાતાં, પોલીસ, કસ્ટમ્સ, ઈન્કમ ટેક્સ અને વિવિધ કરવેરા ઉઘરાવતા ડિપાર્ટમેન્ટ્સ, આર.ટી.ઓ, જકાતનાકાં, દિલ્હીના કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે જોડાયેલી બ્યુરોક્રસિ એક પણ સરકારી તંત્ર એવું નથી જ્યાં પ્રજાના, એક સામાન્ય નાગરિકના સમય-શક્તિ-નાણાંનો ગેરવાજબી વ્યય કર્યા વિના એનું કામ થઈ શકે. હકીકતમાં તો આ  તમામ સરકારી કર્મચારીઓને ફોર્થ કલાસના પટાવાળાઓથી માંડીને ગેઝેટેડ ઓફિસરોને જે પગાર ચૂકવવામાં આવે છે તે રકમ સામાન્ય નાગરિક દ્વારા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવતા કરવેરા પગારદાર નોકરો પ્રજાને પૈસે પ્રજા પર જોહુકમી અને દાદાગીરી ચલાવતા થઈ ગયા એનું કારણ ભારતને થર્ડ વર્લ્ડ કન્ટ્રી બનાવનાર અત્યાર સુધીના શાસકો. દુનિયાની બધી થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં આ જ હાલત છે. પણ અમેરિકા કે યુરોપના દેશોમાં કે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સરકારીતંત્ર સામાન્ય પ્રજાની આમન્યા રાખશે, પોતે એમનું કામ કરવાનો પગાર ખાય છે એની સભાનતા રાખશે. અમેરિકામાં તો જજની ખુરશી પરથી ખૂનના આરોપીને પણ ‘સર’ કહીને બોલાવવાનો રિવાજ છે કારણકે જ્યાં સુધી એ દોષિત પુરવાર થતો નથી ત્યાં સુધી એની પાસે નિર્દોષ નાગરિક તરીકેના હક્ક છે. ભારતમાં માત્ર કાગળ પર આવું છે. નિર્દોષ નાગરિકોની હેરાનગતિ કરીને અહીંનું પોલીસ ખાતું અબજો રૂપિયા કમાઈ ગયું.

ગુજરાતમાં ૨૦૦૧ પછી બ્યુરોક્રસિમાં બદલાવ આવવાની શરૂઆત થઈ. ભારતમાં ૨૦૧૪ પછી પરિવર્તનની શરૂઆત થઈ. પણ આ સુધારાનું કામ ભગીરથ છે. બ્યુરોક્રસિની આખી સિસ્ટમ રાતોરાત બદલાઈ જવાને નથી. જે સિસ્ટમના સ્વાર્થોને સત્તાધીશોએ ૭ દાયકા સુધી સીચ્યા હોય તે સિસ્ટમમાં થોડોઘણો પણ બદલાવ જોવો હશે તો ૭ વર્ષ સુધી તો રાહ જોવી પડવાની.

ભારતની છઠ્ઠી મોટી નિષ્ફળતા ગાંધીજીને ‘એમ.જી. રોડ’ બનાવી દેવાની, ચલણી નોટોના ચોકઠામાં જડી દેવાની. ગાંધીજીએ સ્વદેશીનું જે આહવાન આપ્યું તેને છેક આટલા દાયકા પછી બાબા રામદેવ પતંજલિ પ્રોડક્ટ્સરૂપે અમલમાં મૂકીને ભલભલી મલ્ટિનેશનલ્સને હંફાવી રહ્યા છે. પણ આટલા દાયકા દરમ્યાન આપણે સ્વદેશી ક્ષેત્રે શું કર્યું? ખાદી અને ગ્રામોદ્યોગના નામ દર વર્ષે સેંકડો કરોડ રૂપિયાની ગ્રાન્ટ તથા સબસિડીઓ લીધા કરી. આ છતાં આપણાં ગામડાં સ્વનિર્ભર થયાં નહીં. ખાદીને મળતી સરકારી સવલતો બંધ કરી દેવામાં આવે અને ખાદીની પડતર કિંમત ઉપર બીજા નોર્મલ કાપડ જેટલો નફો ચડાવીને વેચવામાં આવે તો ખાદી આજની તારીખે ભારતનું સૌથી મોંઘું કાપડ બની જાય. આ રીતે ખાદીને જીવાડવાનો શું મતલબ?

શરૂઆતથી જ જો દરેક ગ્રામીણજનને મોટિવેટ કરવામાં આવતા હોત-હસ્તોદ્યોગ, ગ્રામોદ્યોગ તેમ જ ખાદી દ્વારા આર્થિક સમૃદ્ધિ કેવી રીતે લાવી શકાય તેમાં રોલ મોડલ્સ તૈયાર થયાં હોત તો આજે આ ગામડાંઓ પણ સુખી હોત, સમૃદ્ધ હોત અને ખાદી સરકારી સબસીડીની કાખઘોડી વિના પોતાના જ બળ ઉપર દેશના અર્થતંત્રની સમૃદ્ધિમાં ઉમેરો કરતી થઈ ગઈ હોત.

પણ આપણા સત્તાધીશોને માત્ર ગાંધીનું નામ વટાવી ખાવામાં રસ રહ્યો અને ગાંધીના નામે જેટલી સંસ્થાઓ ખોલાય એટલી ખોલીને સરકારી તિજોરીનો માલ ઘરભેગો કરવામાં રસ રહ્યો. આ બધામાં દેશોને આર્થિક નુકસાન તો થયું જ, વૈચારિક નુકસાન ઘણું મોટું થયું. ૧૯૪૭ પછી જન્મેલી ભારતની તમામ જનરેશન ગાંધીવિચારોથી વિમુખ થઈ ગઈ. ગાંધીજીના ઘણા બધા (બધા જ નહીં) વિચારો આજે પણ રિલેવન્ટ છે પરંતુ બનાવટી ગાંધીવાદીઓના દુરાગ્રહો તેમ જ એમાંના કેટલાંકના દુષ્ચારિત્ર્યોને કારણે નવી પેઢી સુધી ગાંધીજી પહોંચ્યા જ નહીં. પરિણામે આજે કાં તો આપણને બનાવટી ગાંધીભક્તિ  જોવા મળે કાં પછી ગાંધીવિચારોની ગેરવાજબી ટીકાઓ સાંભળવા મળે. ગાંધીજીને સમજીને; પચાવીને એમના વિચારોને નવી પેઢી સુધી લઈ જવામાં આવ્યા હોત તો આજે આ દેશની વૈચારિક સમૃદ્ધિ ઘણી વધારે હોત.

૭. સાતમી અને છેલ્લી નિષ્ફળતા એ કે બારત જેવો ભૌગોલિક વિવિધતાઓથી ભરપૂર અને ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ એવો દેશ આજે ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીમાં વિશ્વમાં નંબર વન હોવો જોઈતો હતો. એને બદલે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કે એફિલ ટાવર જેવાં કૃત્રિમ રીતે લોકપ્રિય કરવામાં આવેલાં સ્ટ્રકચરો જોવા લોકો પડાપડી કરે છે. દુબઈમાં કૃત્રિમ રીતે ઊભા કરાયેલા ‘સાગરકાંઠા’ને માણવા લોકો જાય છે, કૃત્રિમ રીતે ઊભી થયેલી લકઝરીઓનાં અનુભવ કરવા લોકો જાય છે પણ અહીં ભારતમાં પર્યટકોને અભાવે પેલેસ ઓન વ્હીલ્સ જેવી અદ્ભુત સવારી કરાવતી ટ્રેનને સર્વાઈવલતાં ફાંફાં પડે છે.

આ દેશના આરંભના શાસકોમાં જો ખરેખર દીર્ધદૃષ્ટિ હોત તો એમણે આઝાદી પછીના પ્રથમ દાયકામાં જ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ગેન્ગટોક સુધી એટલું મોટું ઈન્ફાસ્ટ્રકચર ઊભું કરી દીધું હોત કે આજની તારીખે ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી આપણા દેશની આવકનો એક મહત્ત્વનો સોર્સ બને ગયો હોત. વિદેશી જ નહીં, ભારતના ટુરિસ્ટો માટે પણ આ ઈન્ફાસ્ટ્રકચર ઉપયોગી બને.

પણ જે શાસકોને આ દેશ માટે ગૌરવ જ ન હોય એમની પાસેથી ક્યાં આવી બધી આશા રાખવી? જે શાસકો માત્ર પોતાનાં ગજવાં ભરવામાં જ ગુલતાન હોય એ દેશના વિકાસ માટે દિમાગ દોડાવે એવી આશા કેવી રીતે રાખી શકો તેમ?

સદ્નસીબે, અલમોસ્ટ ૭ દાયકા બાદ આવેલા જબરજસ્ત સત્તા પલટા પછી બારત બદલાઈ રહ્યું છે. ભારતની આ સાતેય નિષ્ફળતાઓને અતિક્રમીને, થઈ ગયેલું નુકસાન ભરપાઈ કરીને, દેશનું નવેસરથી નિર્માણ થઈ રહ્યું છે. કમનસીબી એટલી જ છે કે જે લોકો સાત સાત દાયકા સુધી આ દેશને ખંખેરતા રહ્યા છે તેઓ નવા શાસનની સફળતા માટે સાત વર્ષ પણ રાહ જોવા તૈયાર નથી. અરે, સાત મહિના પૂરા થયા ત્યારથી તેઓ કકળાટ કરતા થઈ ગયેલા ને!

સ્વતંત્ર ભારતના આગામી સાત દાયકા કેટલા સમૃદ્ધ હશે તે જોવા માટે મારા સહિત આપણામાંના અડધોઅડધ લોકો તો નહીં હોઈએ પણ એટલું ખરું કે જે નવભારતના પ્રથમ સવા બે વર્ષ આટલા સુંદર હોય તેનું આગામી એક-એક વર્ષ આપણને સૌને ગૌરવ થાય એવું હોવાનું જ.

નારાબાજી જ જો કરવી હોય તો એક જ નારો લગાવવાનોઃ

પાન બનાર્સવાલા

જે પરિવર્તનની આશા રાખીને તમે બેઠા છો એ પરિવર્તનની શરૂઆત તમારે તમારા પોતાનાથી કરવી પડે.

– ગાંધીજી

http://www.facebook.com/saurabh.a.shah

 

૭ દાયકામાં ભારતની ૭ સૌથી મોટી સિદ્ધિઓ.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s