યુદ્ધ વગર પાકિસ્તાનને નમાવવું હોય તો…

(જન્મભૂમિ પ્રવાસી 25-9-2016)
ભારતને આજે સમુદ્રગુપ્તની નહીં, ચાણક્યની જરૂર છે

-વીરેન્દ્ર પારેખ

પાકિસ્તાનની સાન કેમ ઠેકાણે લાવવી? ભારતના શાસકો, સેનાપતિઓ અને નાગરિકોને આ સવાલ દાયકાઓથી પજવે છે. પાકિસ્તાનના પ્રત્યેક લોહિયાળ ઉંબાડિયા સાથે તે વધુને વધુ અણિયાળો બનતો જાય છે– ગુરુદાસપુર, ઉધમપુર, પમ્પોર, પઠાણકોટ અને હવે ઉરી. તે ઉપરાંત અફઘાનિસ્તાનમાં હેરાત, મઝારે શરીફ અને જલાલાબાદ. આ યાદી મોદી સરકાર સત્તાનશીન થયા પછીની છે.
આજ સુધી ભારતે વાતોનાં વડાં સિવાય કશું કર્યું નથી. પાકિસ્તાનનાં “કાયર” “નાપાક” કૃત્યોની “કડક ટીકા” કરીને “ભારતની ધીરજનો અંત આવી ગયો” હોવાનું કહીને “આકરાં પગલાં”ની “સ્પષ્ટ ચેતવણીઓ” એટલી બધી વાર અપાઈ ચૂકી છે કે આ શબ્દો હવે મજાક બનીને રહી ગયા છે. ભારતના નેતાઓ પાકિસ્તાનને આતંકવાદીઓ સામે પગલાં લેવાનું કહે અને તે માટે અમેરિકાનું દબાણ લાવે ત્યારે તેઓ માત્ર ભોળા નહીં, ભોટ દેખાય છે. પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ છે: જે આતંકવાદીઓ પાકિસ્તાન સરકાર સામે હથિયાર ઉઠાવશે તેની સામે તે ફોજ ઉતારશે; જે આતંકવાદીઓ ભારતને સતાવે છે તેને તે મૂલ્યવાન અસ્ક્યામત ગણે છે. દુનિયાને, ખાસ કરીને અમેરિકાને દેખાડવા તેની સામે પગલાં લેવાનો તે દેખાવ કરશે, પણ અંદરખાનેથી સૌ મળેલા છે. જો આનાથી આગળનું આપણે વિચારી ન શકીએ તો ઉરીની ઘટના આખરી નહીં હોય.
મોદી સરકારે પાકિસ્તાનને જગતના મંચ પર અટૂલું પાડી દેવાનો ઈરાદો જાહેર કર્યો છે. અમેરિકા અને ચીન એવું કદી થવા નહીં દે. અમેરિકાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો ખપ છે. ચીન માટે પાકિસ્તાન ભારતને અસ્વસ્થ રાખવાનું કાયમી સાધન છે. તે બન્ને દેશો પાસેથી ડોલરો અને બંદૂકો મળ્યા કરે ત્યાં સુધી પાકિસ્તાનને કોઈની પરવા નથી. ઉરીમાં શહીદ થયેલા જવાનોની ચેહ ઠરી નથી ત્યાં રશિયાએ પાકિસ્તાન સાથે સંયુક્ત લશ્કરી કવાયત યોજી છે.
નરેન્દ્ર મોદીની શ્રદ્ધેયતા દાવ પર લાગી છે. મોદીએ વચન આપ્યું છે કે ઉરીના હુમલાના સૂત્રધારોને સજા કરશે. આવાં વચનો તે પોતે અને તેમના પુરોગામીઓ પણ અનેક વાર આપી ચૂક્યા છે. હવે શાસકોની તો શી ખબર, પણ પ્રજાની ધીરજ ખૂટી ગઈ છે. મોદી તેમના પુરોગામીઓ કરતા અલગ માટીના બનેલા છે એ વિશ્વાસ પર પ્રજાએ તેમને ખોબલેખોબલે મત આપ્યા છે. પાકિસ્તાન સામે નક્કર પ્રતીતિકર પગલાં નહીં લેવાય તો ફોજમાં બેદિલી ફેલાશે અને પ્રજાનો વિશ્વાસ તૂટી જશે.
આ લડાઈ ભારતની છે અને તે આપણે જાતે જ લડવી પડશે. બીજા દેશો મદદ કરશે તો પણ તે તેમના પોતાના સ્વાર્થ પૂરતી જ હશે. ભારત બીજા દેશોને આગ્રહ કરે છે કે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરો અને તેના પર પ્રતિબંધો લાદો. પણ ભારત પોતે કેમ એવું નથી કરતું? મોદી સરકારે વિનાવિલંબે પાકિસ્તાનને આતંવાદી દેશ જાહેર કરીને તેની સાથેના રાજદ્વારી સંબંધોનો અંત આણવો જોઈએ. પાકિસ્તાનના એલચીને પાછા મોકલી દો, આપણા એલચીને બોલાવી લો, તેની સાથેનો વેપાર બંધ કરો, બોર્ડર સીલ કરો, ભારતની મહેમાનગતિ માણતા પાકિસ્તાની કલાકારોને દરવાજો બતાવો, તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકો અને ભારતની ટીવી ચેનલો પર પાકિસ્તાની પત્રકારો અને બૌધ્ધિકોને પ્લેટફોર્મ આપવાનું બંધ કરો. તો દુનિયા ભારતની ફરિયાદને ગંભીરતાથી લેશે. પ્રજાને પણ લાગશે કે કઈંક તો થયું. સંબંધો તોડવાથી ભારતને પણ કેટલુંક નુકશાન થઇ શકે, પણ ખુવારી વગરનું યુદ્ધ કેવું?
કોઈ પણ યુદ્ધ પહેલા મનમાં લડાય છે, પછી ભૂમિ પર. મનની લડાઈમાં જે હાર કબૂલી લે તે ભૂમિ પરની લડાઈમાં ભાગ્યે જ જીતી શકે. કમનસીબે આજ સુધી ભારતના નેતાઓ એવી રીતે વર્ત્યા છે કે જાણે તેઓ મનથી હારી ચૂક્યા હોય. પાકિસ્તાન ભારતને સતાવવાના નવાંનવાં સાધનો અને તરીકાઓ શોધતું રહે છે; ભારતના નેતાઓ તેના પ્રત્યે કૂણા, ઢીલાપોચા થવાના બહાનાં શોધી કાઢે છે. આપણે આપણા પાડોશીઓ બદલી શકીએ નહિ, તેઓ કહે છે. આ વિચાર પાકિસ્તાનને કેમ નથી આવતો એવું તેઓ કદી વિચારતા નથી. પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે, તેની સાથે યુદ્ધે ચડવું એટલે સર્વનાશ નોતરવો, તેઓ કહે છે. પરંતુ બોમ્બ તો ભારત પાસે પણ છે, અને અણુયુદ્ધથી પાકિસ્તાને વધારે ડરવા જેવું છે. ભારતને એક-બે શહેરો ગુમાવવા પડે, પણ પાકિસ્તાન તો નકશા પરથી ભૂંસાઈ જાય.
ભારત સામેની એક મુશ્કેલી વાસ્તવિક છે: પાકિસ્તાન સામેનું નાનું સરખું પગલું પણ મોટા યુદ્ધમાં પરિણમી શકે. નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સચોટ આક્રમણ કરવાની હિમાયત જોરશોરથી થાય છે, પણ એક વાર તાપણું સળગાવ્યા પછી તેની આગને ફેલાતી રોકવી આપણા હાથમાં ન પણ રહે. એક મોરચે માર ખાધેલું પાકિસ્તાન નવો મોરચો ખોલ્યા વગર ન રહે. આખર સુધી લડી લેવાની તૈયારી વગર યુદ્ધમાં ઝંપલાવવાથી નામોશી સિવાય કઈં ન મળે.
આ વાસ્તવિકતાનો લાભ લઈને ભારતમાં રહેલી પાકિસ્તાનતરફી મજબૂત લોબી દ્વારા એવી છાપ ઉભી કરાય છે કે યુદ્ધ થઇ શકે એમ નથી એટલે કોઈ પણ ભોગે પાકિસ્તાન સાથે શાંતિ જાળવવા, અને સંયમ તથા સમજાવટથી કામ લેવા સિવાય કોઈ રસ્તો જ નથી. વાસ્તવમાં યુદ્ધ સિવાય પણ એવા ઘણા ઉપાય છે જેનાથી પાકિસ્તાનને નમાવી શકાય, પાયમાલ કરી શકાય અને સારી રીતે વર્તવાની ફરજ પાડી શકાય.
વિચારો: પાકિસ્તાન આપણાથી ક્યાંય નાનો, નબળો, વધુ ગરીબ અને વધુ ફાટફૂટભરેલો દેશ હોવા છતાં, ભારતના અણુબોમ્બ અને લશ્કરી સરસાઈને ચાતરી જઈને તેને હેરાનપરેશાન કઈ રીતે કરી શકે છે? જવાબ: એવું છૂપું યુદ્ધ જેમાં ખર્ચ ઓછો હોય, ઉગ્રતા ઓછી હોય અને જેમાં એ પોતાની સંડોવણીનો સફળતાપૂર્વક ઇનકાર કરી શકે.
ભારત તેની સાથે એવું કેમ ન કરી શકે? પાકિસ્તાનને ઓછા ખર્ચે, મોટી બબાલ કર્યા વગર, ભારતનું નામ ક્યાંય આવે નહિ એ રીતે ફટકારવું હોય, બરબાદ કરવું હોય કે લોહીલુહાણ કરવું હોય તો શું કરવું?
આ સવાલ પૂછો એટલે તેના જવાબો આપોઆપ મળવા લાગશે. એક, સરહદ પરનાં છમકલાં વધુ કાતિલ બનાવી શકાય। ઇસ્લામાબાદ કાશ્મીરની અંકુશરેખાથી માત્ર 65 કિ.મી. દૂર છે. આપણી લાંબા અંતરની તોપો રાવલપીંડીના ઉપનગરો સુધી તોપગોળા ફેંકી શકે તેમ છે. જેલમ નદી પરનો મંગલા બંધ જેમાંથી અડધા પાકિસ્તાનને વીજળી મળે છે તે પણ ભારતની તોપોની રેન્જમાં આવે છે. આ બધાને નિશાન બનાવાય તો ખુલ્લું યુદ્ધ કર્યા વગર પણ પાકિસ્તાનને નુકશાન કરી શકાય.
બીજું, પાકિસ્તાન, બંગલાદેશ અને અન્ય દેશોમાં છૂપી કાર્યવાહી કરીને ભારતના જાણીતા શત્રુઓને ઉડાડવા માંડો. ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં મળીને આશરે બસો નમૂનાઓ એવા છે જે જાતજાતનાં પાટિયાં લગાવીને ભારતવિરોધી કામો કરતા રહે છે. તેમના ઠામઠેકાણાં આપણી જાસૂસી સંસ્થાઓ પાસે પડેલાં છે. ભારતના સંરક્ષણ બજેટના (રૂ. 250,000 કરોડના) બે ટકા આ ભારતશત્રુઓને ટૂંકા ગાળામાં સ્વધામ પહોંચાડવા માટે વાપરો. તેમનાં નામોની યાદીમાં થોડે થોડે સમયે સુધારા અને વધારા કરતા રહો. આ જ પ્રકારની કાર્યવાહી ભારતની અંદર પણ કરવી। અહીં પણ ખુલ્લા અલગતાવાદીઓ અને પાકિસ્તાનપરસ્તોની કોઈ કમી નથી. ભારતને નિર્બળ અને આસાન શિકાર સમજનારાઓની છાતી બીકથી ફાટી પડે એવી હવા ઉભી કરો.
ત્રીજું, ભારતે પાકિસ્તાનમાં મોટે પાયે નકલી નોટો ઘુસાડવાનું શરુ કરવું જોઈએ.પાકિસ્તાનનું ચલણ છાપવા માટેના કાગળ, શાહી અને ડીઝાઇન કોણ પૂરા પડે છે તે જાણવું અઘરું નથી.
સૌથી કાતિલ હથિયાર છે પાણી. પાકિસ્તાનને જે છ નદીઓમાંથી પાણી મળે છે તે છ એ છ નદી–રાવી, જેલમ, ચિનાબ, બિયાસ, સતલજ અને સિંધુ– ભારતમાંથી નીકળીને પાકિસ્તાનમાં વહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેન્કે 1960માં કરાવેલા સિંધુ જળ કરાર અન્વયે એમાંની ત્રણ નદીઓ–સિંધુ, જેલમ અને ચિનાબ–ના પાણીના ઉપયોગ પર પાકિસ્તાન પ્રથમ હક્ક ધરાવે છે. પંડિત જવાહરલાલ નેહરુએ અયુબ ખાન સાથે કરેલા સિંધુ જળ કરાર દુનિયાનો સૌથી એકપક્ષી અને અન્યાયી કરાર છે. તેને કારણે ભારત તેનાં પોતાના જ રાજ્યમાંથી ઉદભવતી નદીઓનાં પાણી વાપરી શકતું નથી. સિંધુ સહિત છ નદીઓના સમૂહનું માત્ર 19.48 ટકા પાણી ભારતને મળે છે. આ નદીઓના પાણી ભારત પોતાના ભણી વાળી લે તો પાકિસ્તાનની ખેતીવાડી અને અર્થતંત્ર પાયમાલ થઇ જાય. 1948માં ભારતે બે નહેરોમાંથી સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું રોક્યું ત્યારે ત્યાં 17 લાખ એકર જમીનમાં પાક નિષ્ફ્ળ ગયો હતો.
ભારતે સિંધુ જળ કરાર રદ કરવાનો નિર્દેશ આપ્યો તેવો જ પાકિસ્તાનમાં અને તેનાં ભારતમાંના મિત્રોમાં ફફડાટ ફેલાયો છે. કહેવાતા સંરક્ષણ નિષ્ણાતો અને રાજદૂતો ભારતે આવું “અંતિમ પગલું” શા માટે ન લેવું જોઈએ તેની દલીલો કરી રહ્યા છે. આનો અર્થ એ કે તીર નિશાન પર લાગ્યું છે.
ભારતે સિંધુ જળ કરાર એકપક્ષી રીતે ફોક કરીને તેના પાણીનો યથેચ્છ ઉપયોગ કરવાનો ઈરાદો જાહેર કરવો જોઈએ. પાકિસ્તાને ભારતનું સાથેની કોઈ સંધિ, સમજૂતી કે કરારનું પાલન કર્યું નથી. કરારનું પાલન મિત્ર દેશો વચ્ચે હોય, દુશ્મન સાથે વફાદારી કેવી? પાકિસ્તાને પોતાની દુશ્મનાવટ કદી છુપાવી નથી.
પાકિસ્તાન અકળાય, ગુસ્સો કરે અને યુદ્ધની ધમકી આપે ત્યારે ભારતે એને કહેવું કે ભાઈ, અણુશસ્ત્રો ધરાવતા દેશ સામે યુદ્ધે ચડવાનો વિચાર પણ ન કરાય. અમેરિકા અને અન્ય દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે ખુલ્લું યુદ્ધ અટકાવવા બધું કરી છૂટશે તે હકીકત આપણા લાભમાં કેમ ન વાળી શકાય? અને આમે ય પાકિસ્તાનનો વાંસો ઉઘાડો છે. તેના શાસકો ભારત પર હુમલો કરવાની હુજ્જત કરે અને બલુચિસ્તાન લાગ જોઈને પોતાને આઝાદ જાહેર કરી દે તો પાકિસ્તાન વિખેરાવાની શરૂઆત થઇ જાય.
નદીઓનાં પાણી વાળવાં એ મુશ્કેલ અને સમય માગી લેતું કામ છે. પણ આ વિચાર તમને કેવો લાગે છે? આ નદીઓ જે સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે ત્યાંથી થોડે ઉપરવાસમાં તેમાં ટનબંધ રાસાયણિક કચરો પાકિસ્તાનની નદીઓમાં ઠલવાય તો તેની ખેતી ઉજ્જડ થઇ જાય. અને, પાકિસ્તાનની નદીઓનાંપ્રદૂષણ માટે ભારતને કોણ જવાબદાર ઠેરવી શકે? શું પુરાવો છે? પાકિસ્તાને કદી ભારતનો પુરાવો કબૂલ રાખ્યો છે?
આમ જુઓ તો આ ઉપાયો નવા કે મૌલિક નથી. ઘણા વ્યૂહનિષ્ણાતોએ અલગઅલગ રીતે આવાં સૂચનો કર્યાં છે. ભારતીય સૈન્ય અને જાસૂસી સંસ્થાઓ પાસે આવા બીજા ઘણા વિકલ્પો હશે જ જે દેખીતાં કારણોસર જાહેરમાં ચર્ચી ન શકાય.
લુચ્ચાઈ, ખંધાઈ, ઠંડી ક્રૂરતા, કાતિલ સિફત, મીંઢું મૌન અને પોલાદી જીદ–પાકિસ્તાન સાથે કામ લેવાનાં આ ઓજારો છે. ત્યાગ, બલિદાન, વીરત્વ અને જાનફેસાનીની જરૂર પડશે જ, પણ તે પ્રથમ વિકલ્પ નથી. પાકિસ્તાન સામે આજે

ભારતને સમુદ્રગુપ્તની નહીં, ચાણક્યની જરૂર છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: