લગ્નજીવનમાં પતિ – પત્નીની જવાબદારી

લાઉડમાઉથઃ સૌરભ શાહ

બ્રેડ પિટ અને એન્જલિના જોલી છૂટાં પડી રહ્યાં છે એવી જાહેરાત થઈ એટલે આ લેખ ઓટોમેટિકલી “પ્રાસંગિક” બની જવાનો. બાકી, એમના છૂટાછેડાના સમાચાર આવ્યા તેના બે દિવસ પહેલાંથી મનમાં એક વિચાર ચાલતો હતો જે મિત્રો સાથે શેર પણ કર્યો હતો કે રેડિયોના એક સ્ટેશન પર બે જુદી જુદી ફ્રિકવન્સીઓ વાગી ના શકે એમ દાંપત્યજીવનમાં પણ પતિપત્ની બેઉ એક જ ક્ષેત્રમાં રહીને ટોચનું કામ કરતાં હોય તો એમનું લગ્નજીવન લાંબું ન ટકે.

‘અભિમાન’ ફિલ્મની સ્ટોરી જાણીતી છે અને માત્ર ફિલ્મી કહાણી નથી. એક જ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ એક સરખા વ્યવસાય/શોખ/ઈન્ટરેસ્ટ્સને કારણે એકબીજા પ્રત્યે આકર્ષાય એ સ્વભાવિક છે. વધુ નજીક આવે, પરિચય પ્રેમમાં પલટાય અને એ પ્રેમને જો પરિણામમાં પલટવાનું નક્કી થયું તો સમજવું કે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું. કાં તો બેમાંથી એક જણે પોતાની કરિયરનો સેક્રિફાઈસ આપી દેવો પડે. જેવું જયા બચ્ચનના કેસમાં થયું, કાં પછી નામનું જ દાંપત્યજીવન રહે અને એક ઘરમાં તો રહેવાનું જ ન બને- જેવું આશાજી અને આર.ડી.ના કેસમાં થયું ક્યાં તો પછી એન્જલિના થેલી અને બ્રેડ પિટની જેમ માંડ માંડ ક્રિએટ કરેલા આદર્શ દાંપત્યજીવનનો ફસાડ તોડીને વાસ્તવિકતા સ્વીકારી ઓફિશિયલી છૂટા થવું પડે.

પતિ-પત્ની તો સંસાર રથના બે ચક્ર જેવાં છે એવી સુફિયાણી વાતો ઘણી સાંભળી. સ્મુધ રસ્તા પર જેમણે આગળ વધવાનું છે એવા લાખો-કરોડો નોર્મલ દંપતીઓ માટે કદાચ એ સાચું હશે કે એમના ગાડાનાં બંને પૈડા સરખાં હોય અને બેઉ ચક્રનું મહત્ત્વ એક સરખું હોય. જૂના ચીલે ચાલ્યા જવાનું હોય અને એ જ રીતે જીવન પૂરું કરવાનું હોય ત્યાં કદાચ એક રથનાં બે સરખાં પૈડાવાંળી વાતથી ગાડું ગબડી જાય પણ જે લોકો ચીલો ચાતરીને આગળ વધી રહ્યા છે, જેમણે ઊબડખાબડ રસ્તે-અત્યાર સુધી જ્યાં કોઈ ચાલ્યું નથી એવા રસ્તે-ચાલીને જીવનની મોટી મોટી સિધ્ધનો પામવી છે, તોતિંગ પડકારો ઝીલવા છે એમના માટે બે સરખાં પૈડાવાળું વાહન નકામું છે, એમને ટ્રેકટરની જેમ બે વિશાળ પૈડાં અને એની સરખામણીએ બે નાનાં પૈડાંવાળું વાહન જોઈશે.

પતિ જો કોઈ તોતિંગ કામ કરી રહ્યો હોય તો પત્નીએ પોતે એની સમોવડી છે એવું માન્યા વિના કે એવું પ્રોજેકટ કર્યા વિના ચૂપચાપ એને સાથ આપવો પડે જેવો સાથ કોકિલાબહેને ધીરુભાઈને આપ્યો અને જેવો સાથ ગૌરીખાન શાહરૂખને આપી રહ્યા છે, એમ.જયાજીએ જો અભિનય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાને બદલે નંબર વન એકટ્રેસની રેસમાં ચાલુ રહેવાનું પસંદ કર્યું હોત તો બચ્ચનજીએ પોતાની કારકિર્દીને તિલાજંલી આપી દીધી હોત. તો જ એમનું દાંપત્યજીવન ટક્યું હોત. બેઉ જો અભિનયના ક્ષેત્રે પોતાના સમકાલીનો સાથે હરીફાઈમાં રહેવા માગતા હોત તો એન્જલિના-બ્રેડની જેમ છૂટાં પડી ગયાં હોત અથવા તો ગુલઝારસા’બ અને રાખીજીની જેમ છૂટા પડી ગયાં હોત. કલ્પના ર્કાિતકે ‘બાઝી’ (૧૯૫૨) કે ‘ટેકસી ડ્રાઈવર’ (૧૯૫૪) વખતે દેવા આનંદ સાથે પ્રેમ થઈ ગયા પછી પણ અભિનેત્રી તરીકેની કરિયર પરશ્યુ કરવાનું નક્કી કર્યું એમણે ‘નવ દોગ્યારા’ (૧૯૫૭) પછી પણ ઘણા ઘણા સારા સારા રોલ્સ કર્યા હોત. પણ એવું થાય તો તેઓ મિસિસ દેવઆનંદને બદલે કલ્પના ર્કાિતક બનીને દેવસા’બથી છૂટા પડી ગયાં હોત.

જે કોઈ ક્ષેત્રમાં આપણે પતિ-પત્ની બંનેને ટોચ પર જોઈએ છીએ એમનું દાંપત્યજીવન એન્જલિના જોલી અને બ્રેડ પિટનું ગઈ કાલ સુધી જેવું હતું તેવું જ હોવાનું. બહારથી બધું રૂપાળું રૂપાળું લાગે, લોકો એમની જુગલજોડીનાં વખાણ કરતાં રહે, દાખલાઓ આપતા રહે, પણ અંદરથી વિસ્ફોટ થવાની જ વાર હોય. ક્યારેક વિસ્ફોટ ન થવા દેવો હોય તો પતિ-પત્ની ભલે છીએ, પણ તું તારે રસ્તે ને હું મારે રસ્તે એ રીતે જીવતાં થઈ જાય.

લગ્નજીવનમાં પતિ અને પત્ની બેઉની એકસરખી જવાબદારી હોઈ શકે જ નહીં. બેઉની સરખી જવાબદારી હોવી જોઈએ એ એક મિથ છે. ઈન્દિરા નૂયી ‘પેપ્સી’નાં ચેરપર્સન અને સી.ઈ.ઓ.ની જવાબદારી નિભાવતાં હોય ત્યારે એમનાં પતિ રાજ કે. નૂયી ફરિયાદ નથી કરતા કે પત્નીના ફોટા જગત આખામાં છપાય છે, મારા કેમ નહીં. ડો.શ્રીરામ માધવ નેને ક્યારેય એ બાબતે માઠું લગાડી નહીં શકે કે જ્યાં જઈએ ત્યાં સૌ કોઈને મારી પત્ની માધુરી દીક્ષિત સાથે જ સેલ્ફી પડાવવી છે, મારો તો કોઈ ભાવ પણ નથી પૂછતું.

દાંપત્ય જીવન ટકાવવામાં જેમ રાજ નૂયી કે ડો. નેનેની સમજદારી નહીં હોય તો તેઓ એમની પત્ની સાથે ક્યારેય સુખેથી નહીં રહી શકે. સેલિબ્રિટીઝ જ નહીં નોર્મલ સીધાસાદા કુટુંબોમાં પણ પતિ-પત્નીની એકસરખી જવાબદારી નથી હોતી લગ્નજીવન ટકાવવામાં એ તો સ્ત્રી સ્વાતંત્ર્યતા ફાટેલા ઝંડા ફરકાવનારી વિમેન્સ લિબરેશનના ખોખલા થઈ ગયેલા નારાઓ લગાવનારી મહિલાઓની ઉશ્કેરણી છે કે લગ્નજીવનમાં પતિ-પત્નીની જવાબદારીઓ ઈક્વલ હોવી જોઈએ. આવાં સૂત્રો પોકરનારી મહિલાઓના દાંપત્યજીવન કે સહજીવનમાં જરાય ભલીવાર હોતો નથી.

પણ એ ડાહીઓ જરૂર ગાંડીઓને સાસરે જવાની શિખામણ આપવાની.એક જણ બોલતું હોય ત્યારે બીજું મૌન રહે એવી સ્પષ્ટતા સ્વીકારી હોય તો જ સંવાદ થાય અન્યથા ઘોંઘાટ સર્જાય. તું ફેમસ છે તો હું કેમ નહીં- એવો વિચાર બેમાંથી એક જણને આવે ત્યારે કાં તો છૂટાં પડી જવું પડે, કાં પછી સમજણ કેળવીને અસંતોષ ખંખેરી નાખવો પડે. તું જે કંઈ કરી શકે છે. એવું હું પણ કરી શકું એમ છું, એવું જો બેમાંથી એકને લાગતું હોય તો એણે બીજાને બ્લેમ કર્યા વિના પોતાની મેળે પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ અને એવા પ્રયત્નો દરમિયાન દાંપત્યજીવનની કે સહજીવનની વાટ લાગી જાય તો ભલે લાગે, પોતે જે કરવું જ છે તે જ કરવું જોઈએ. જીવનનાં બીજા બધાં જ ક્ષેત્રોની જેમ લગ્નજીવનમાં પણ હસવાની અને લોટ ફાકવાની ક્રિયાઓ એક સાથે થઈ શકવાની નથી. એટલું સમજી લેવું જોઈએ. બ્રેન્જલિના માટે આ સમજ પણ પ્રગટાવવા દસ વર્ષનું સહજીવન વત્તા બે વર્ષનું લગ્નજીવન જરૂરી હતું.

સાયલન્સ પ્લીઝ!

તમારે સારા પતિ કે સારી પત્નીને શોધવાને બદલે તમે પોતે સારા પતિ કે સારી પત્ની કેવી રીતે બની શકો એના પર ધ્યાન આપવું જોઈએ.

– ચાર્લ્સ ટી. મન્ગર

જાણીતા  અમેરિકન બિઝનેસમેન, જન્મ : ૧૯૨૪ )

http://www.facebook.com/Saurabh.a.shah

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s