બે ‘સૂર્યો’ ફરતે ઘૂમતો એક ગ્રહ

હોલીવૂડની ફિલ્મ ‘સ્ટારવોર્સ’માં ‘ટેટુઆઇન’ નામના ગ્રહ પર બે સૂર્યાસ્ત જોવા મળે છે. આ તો કલ્પના છે પણ હકીકત સપ્ટેમ્બર ૨૦૧૧માં અને ૨૦૧૬માં બે પિતૃતારા ફરતે ઘૂમતા એક ગ્રહની ગ્રહમાળાની શોધ થઇ છે
આપણાં દેશમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં દિવાળી અને બેસતા વર્ષનું અનેરૃ મહાત્મ્ય છે. લોકો ધર્મના ભેદ, જ્ઞાાતિઓના ભેદ, રાગદ્વેષ ભૂલીને પરસ્પર દિવાળી અને બેસતા વર્ષની શુભકામનાઓ આપે છે. ધૂમધામથી ઉજવે છે અને ફટકાડાઓની આતશબાજી કરી દિવાળીની રાત્રિ અને બેસતા વર્ષના વહેલા પરોઢથી વધાવે છે. મીઠાઇઓ વ્હેંચે છે. નવા વસ્ત્રો પરિધાન કરે છે. આ દિવસો દરમ્યાન ગરીબ અને તવંગર સહુ જાણે કે કોઇ નવી દુનિયામાં પહોંચી ગયા હોય તેવા મનોભાવ અનુભવે છે. પોતાના બધા જ દુઃખો ભૂલીને લોકો આ તહેવારો માણે છે. દિવાળી એટલે વિક્રમ સંવત્નો છેલ્લો દિવસ અને બેસતું વર્ષ એટલે આગામી વર્ષનો પહેલો દિવસ છે. પરંતુ દિવાળીનો સૂર્યાસ્ત કોઇ નવો સૂર્યાસ્ત નથી કે બેસતા વર્ષનો સૂર્યોદય કોઇ નવો સૂર્યોદય નથી. સૂર્ય તો તેની દિનચર્યા અન્ય દિવસે કરતો હોય છે તે રીતે જ આ દિવસોમાં કરતો હોય છે. આ દિવસોમાં કાંઇ બે સૂર્યાસ્ત નથી થતા કે બે સૂર્યોદય નથી થતાં.
આપણા ભારત અને ખાસ કરીને આપણાં ગુજરાતમાં જે મોટી ચહલ-પહલ જોવા મળે છે તેનાથી બિલકુલ અલિપ્ત રહી સૂર્યની ‘સવારી’ તેના નિત્યક્રમને અનુસરે છે. અલબત આપણા સૌરમંડળમાં આઠ ગ્રહો છે. તે પૈકી ગુરૃનો ગ્રહ સૌથી મોટો છે. તેથી તો તેને ગુરૃ નામ આપવામાં આવેલ છે. તેમાં ૧૩૨૧ પૃથ્વીઓ સમાય જાય તેવો તે વિરાટ વાયુનો ગાળો છે. જો વધારે મોટે અને વજનદાર હોત તો તેમાં તારાઓમાં થતી થર્મોન્યૂક્લિયર નામની ફ્યુજન પ્રક્રિયા થવા લાગી હોત તો ‘ગુરૃ’ તારો બની ગયો હોત. સૂર્ય પણ તારો છે અને ગુરૃ પણ તારો બન્યો હોત તો આપણાં સૌરમંડળમાં બે સૂર્યો હોત. દરરોજ બે સૂર્યાસ્ત અને બે સૂર્યોદય થતા હોત. પરંતુ તેવું થયું નથી. અહીં પ્રશ્ન થાય કે અન્યત્ર બ્રહ્માંડમાં એક ગ્રહમાળામાં બે સૂર્યો હોય તેવું જાણવા મળ્યું છે. આમ તો ‘સ્ટારવોર્સ’ ફિલ્મ્સમાં ‘ટેટુઆઇન’ને બે સૂર્યાસ્ત જોવા મળે છે. તે બે સૂર્યો ફરતે પરિભ્રમણ કરે છે તેવી વાત છે. પણ બ્રહ્માંડ અજીબો ગરીબ છે. સપ્ટેમ્બર ૨૦૧૧માં વૈજ્ઞાાનિકોએ જાહેર કર્યું કે તેમણે કેપ્લર અવકાશી દૂરબીનની મદદથી શનિના માપનો એક ગ્રહ શોધી કાઢ્યો છે. જે બે સૂર્યો ફરતે એટલે કે બે તારાઓ ફરતે પરિભ્રમણ કરી રહ્યો છે. તેને અંગ્રેજીમાં ‘સર્કમબાયનરી’ ગ્રહ કહે છે. તેનો અર્થ થાય છે બે જોડિયા તારાઓ ફરતે પરિભ્રમણ કરતો ગ્રહ. આ ગ્રહને ‘કેપ્લર-૧૬ બી’ નામ આપવામાં આવ્યું. કેપ્લર-૧૬ બી ન શોધી નાસાના ૬૦ કરોડ ડોલરના ખર્ચે તૈયાર થયેલ અવકાશી દૂૂૂરબીન ‘કેપ્લર’થી થઇ છે. જોહાનીસ કેપ્લર સોળમી સદીના મહાન ખગોળવિજ્ઞાાની હતા. તેમણે કોપરનિક્સના સૂર્યકેન્દ્રી બ્રહ્માંડના વાદને અનુમોદન આપ્યું છે. સૂર્ય ફરતે ગ્રહોના ગતિપથ અંગેના તેમણે જે નિયમો આપ્યા છે તે આજે પણ કેપ્લરના નિયમો તરીકે ભણાવવામાં આવે છે. તેની આ શોધે હોલીવૂડની કાલ્પનિક કથાને ખગોળવિજ્ઞાાનની હકીકત તરીકે પુષ્ટિ આપી છે. શનિના માપનો આ ગ્રહ હંસી તારકમંડળ એટલે કે સીગ્નસી તારક મંડળમાં આવેલા બે જોડિયા  તારા ફરતે લગભગ દર ૨૨૯ દિવસે એક પરિભ્રમણ પૂરું કરે છે.
કેપ્લર-૧૬ બી નામનો ગ્રહ પૃથ્વીથી ૨૦૦ પ્રકાશવર્ષ દૂર છે. (એક પ્રકાશવર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં શૂન્યાવકાશમાં કાપેલું અંતર. પ્રકાશની ઝડપ એક સેકન્ડના ત્રણ લાખ કિલોમીટર હોય છે) આ ગ્રહ જાણે કે રાતા અને નારંગી રંગની છાયામાં સ્નાન કરી રહ્યો છે. તે ગ્રહના બે સ્થાન બદલતા બે નાનકડા તારાઓ એટલે કે ‘સૂર્યો’ના રંગીન પ્રકાશનો આછો રંગ તેને લાગતો હોય છે. પૃથ્વી પર એન્ટાર્કટિકના શિયાળાની ઠંડી રાત્રિ કરતાં પણ વધારે ઠંડી હોય છે. ત્યાંનું તાપમાન ઋણ ૧૫૦ અંશ ફેરનહાઇટ (ત્રણ ૬૫ અંશ સેલ્સિયસ) આસપાસ વધઘટ થયા કરતું હોય છે. આ આખું તંત્રની કક્ષીય ગતિવિજ્ઞાાન એટલું તો સંકીર્ણ છે કે બે સૂર્યાસ્તો કે સૂર્યોદયો કદિ તદ્દન સમાન હોતા નથી.
કેપ્લર ૧૬ બી સરકમબાઇનરી પ્લેનેટ એટલે કે પરિયુગ્મતારા ગ્રહ છે. તે સૌ પ્રથમ નિશ્ચિત અને અસંદિગ્ધ આવા તારાનું દ્રષ્ટાંત છે. તે એવો ગ્રહ છે જે એક તારા ફરતે નહીં પણ બે તારા ફરતે પ્રદક્ષિણા કરે છે.
ફરી એકવાર આપણને માલૂમ પડે છે કે આપણું સૌરમંડળ વિવિધ પ્રકારની ગ્રહમાળાઓ પૈકી એક દ્રષ્ટાંત છે. કુદરત અનેક પ્રકારની ગ્રહમાળાઓનું સર્જન કરી શકે છે.
કેપ્લર ૧૬ બી આપણાં સૌરમંડળમાં સૌથી મોટા  ગ્રહ ગુરૃના ત્રીજા ભાગનું વજન ધરાવે છે. તેની ત્રિજ્યા ગુરૃના ગ્રહની ત્રિજ્યા કરતાં પોણા ભાગ છે. આથી તે કદમાં અને વજનમાં શનિના ગ્રહ જેવડો ગણી શકાય. તે પોતાના બન્ને પિતૃતારા ફરતે ૨૨૯ દિવસમાં એક પરિભ્રમણ પૂરૃ કરે છે. સૌરમંડળના ગ્રહ શુક્ર જેટલો સમય તે એક પરિભ્રમણ કરતા લે છે. શુક્ર સૂર્ય ફરતે ૨૨૫ દિવસમાં એક પરિભ્રમણ કરે છે. કેપ્લર ૧૬ બી તેના પિતૃતારાઓથી સાડા છ કરોડ માઇલ અંતરે રહી પ્રદક્ષિણા કરે છે.
બન્ને પિતૃતારા આપણા સૂર્ય કરતા નાના છે. બન્ને હંસી (સીગ્નસ)માં આવેલા છે. અત્રે એ યાદ રાખવા જેવું છે કે હંસ નક્ષત્રના પૂછડાંમાં આવેલો તારો હંસપુચ્છ કહેવાય છે. તેને અંગ્રેજીમાં ‘ડેનબ’ કહે છે. આ તારીખે ભારતમાં એક સંસ્થાએ ‘ગાંધી’ તારો એનું નામ આપ્યું છે. તે પ્રથમ વર્ગનો તારો છે. સૂર્ય કરતાં ૫૦ હજાર ગણો તેજસ્વી છે. કેપ્લર ૧૬ બીના બન્ને પિતૃતારા આપણા સૂર્ય કરતા નાના અને ઠંડા છે તેથી કેપ્લર ૧૬ બી પણ બહુ ઠંડો છે. તેની સપાટીનું તાપમાન ઋણ ૧૦૦થી ઋણ ૧૫૦ (-૧૦૦ થી -૧૫૦) અંશ ફેરનહીટ આસપાસ હોય છે. અલબત ભૂતકાળમાં એવા સંકેતો આવ્યા હતા જે મુજબ યુગ્મતારાઓ ફરતે પરિભ્રમણ કરતા અન્ય ગ્રહો અસ્તીત્ત્વ ધરાવે છે પણ કેપ્લર ૧૬ બી પ્રથમ નિશ્ચિત થયેલ યુગ્મતારા ફરતે પરિભ્રમણ કરતો ગ્રહ છે.
તારાઓના કદ વિશે જે આપણે જાણીએ છીએ તે યુગ્મતારાઓના ગ્રહણ પરથી જાણીએ છીએ અને ગ્રહના કદ વિશે જે આપણે જાણીએ છીએ તે તેના સંક્રમણ પરથી જાણીએ છે. કેપ્લર-૧૬ બી તે બન્ને રીતનો ઉપયોગ કરી શકે છે.
આ શોધ કેપ્લર અવકાશી દૂરબીનની આ અઠવાડિયા દરમ્યાન કરેલ શોધોની ટોચની શોધ છે. યુરોપ અને અમેરિકાની સંશોધકોની ચાર ટીમોએ ૭૪ અગાઉ નહીં જાણેલા તેવા બાહ્યગ્રહો શોધ્યા હતા. તેમાં ૧૬ એવા છે જે પૃથ્વીથી થોડાક જ મોટા છે અને તેનું ગુરૃત્વ જીવનની તરફેણમાં છે.
ઉપરોક્ત બાહ્યગ્રહો પૈકી એક પૃથ્વીના વજન (દ્રવ્યમાન) કરતાં ૩.૫ ગણો વજનનો છે અને તેના પિતૃતારાથી એટલા અંતરે રહીને તેની ફરતે પરિભ્રમણ કરે છે કે તે અંતરને નિવાસ્ય વિસ્તાર કહી શકાય. તે વિસ્તારમાં પાણી પ્રવાહી તરીકે હોઇ શકે છે. ત્યાંની પરિસ્થિતિ જીવન માટે શક્યતઃ અનુકૂળ છે.
આ પૃથ્વી કરતાં ૩.૫ ગણા વધારે વજનનો ગ્રહ જે પચાસ ગ્રહોનો ખજાનો આસપાસ નજીકના તારાઓનો શોધ્યો હતો. તેમની આજ શોધ ચીલી ખાતે લા સિલ્લા ખાતે આવેલી ‘હાર્પ્સ’ નામના સ્પેક્ટ્રોગ્રાફ (વર્ણપટને આલેખક) દ્વારા થઇ હતી. હાર્પ્સનું પુરૃ નામ ”હાઇએક્યુરસી રેડિયલ વેલોસીટી પ્લેનેટ સર્ચર” ત્રિજ્યવેગ ધરાવતા ગ્રહને અતિ ચોક્કસાઇથી શોધતું સાધન) છે.
અત્યાર સુધીમાં જે ૬૮૩ બાહ્યગ્રહોનું અસ્તીત્ત્વ પૂરવાર થયું છે તેમાં આત્યંતિક તાપમાન અને વિષમયતાના કારણે તે પૈકી કોઇ પર જીવન પાંગરી શકે તેમ નથી. હજુ કોઇ છાતી ઠોકીને કહી શકે તેમ નથી કે આપણા સૌરમંડળની બહાર કાંઇ નિવાસ્ય ગ્રહ એટલે કે જ્યાં જીવન વસી શકે તેવો ગ્રહ અસ્તીત્ત્વ ધરાવે છે કે નહીં.
તેમ છતાં નવા નવા ગ્રહો જાણે કે સોપારી વર્ષા થતી હોય તેમ શોધાઇ રહ્યા છે તેથી એમ લાગે છે કે આપણા બ્રહ્માંડના જેટલા તારાઓ છે તેના કરતાં વધારે ગ્રહો હશે. આપણે જાણીએ છીએ આપણા તારાવિશ્વ (ગેલેક્સી) આકાશગંગામાં અંદાજે ૧૦૦ અબજ તારાઓ છે અને આ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ તારાવિશ્વો છે. વળી આધુનિક સંશોધનો પ્રમાણે તો બ્રહ્માંડ એક અને અદ્વિતીય નથી. આ સૃષ્ટિમાં અનેક બ્રહ્માંડો છે. તેને અંગ્રેજીમાં ‘મલ્ટીવર્સ’ કહે છે. આપણે તેને ‘બહુવિશ્વ’ કહી શકીએ.
સ્વીટ્ઝરલેન્ડમાં આવેલ યુનિવર્સિટી ઓફ જીનીવામાં માઇકલ મેયરના નેતૃત્વ નીચે સંશોધન કરતી ખગોળ વિજ્ઞાાનીઓની ટીમ જેને ”હાર્પ્સ” ટીમ કહે છે તેમનો અંદાજ છે કે આપણા સૂર્ય જેવા જે તારાઓ છે તે પૈકી ૪૦ ટકાને ઓછામાં ઓછો શનિ જેવા કદનો કે તેનાથી નાનો ગ્રહ છે. કેપ્લર અવકાશી દૂરબીને અત્યાર સુધીમાં ૧૭૦થી પણ વધારે સૌરમંડળ જેવા તારકમંડળો શોધી કાઢ્યા છે જેમાં બે, ત્રણ, ચાર, પાંચ કે છ પણ ગ્રહો હોય છે જે તેમના પિતૃતારા ફરતે પરિભ્રમણ કરે છે.
અમેરિકાના બર્કલે ખાતે આવેલ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ગ્રહોના શિકારી કહી શકાય તેવા જ્યોફ્રે માર્સિસના મતે એક કરતા વધારે ગ્રહો ધરાવતી ગ્રહમાળાઓથી આ બ્રહ્માંડ ઊભરાઇ રહ્યું છે. તેમાંના ઘણા ગ્રહો પૃથ્વી જેવડા છે.
બીજી એક અજાયબ શોધ એ થઇ છે કે કોલસાથી પણ કાળો એક બાહ્યગ્રહ છે અને જેનું હાર્દ હિરા (ડાયમંડ) જેવું છે તેવા ખુલ્લા થઇ ગયેલા હાર્દવાળો બાહ્યગ્રહ પણ શોધાયો છે. ત્રીજો એક બાહ્યગ્રહ એવો શોધાયો છે જેને તેના પિતૃતારા દ્વારા ક્ષ-કિરણોના સ્ફોટ એટલા તો ભયંકર હોય છે કે તે બાહ્યગ્રહના ફુરચા ઉડતા હોય છે. ક્ષ-કિરણોના સ્ફોટનું વિકિરણ બાહ્યગ્રહની સપાટી દર સેકંડે ૫૦ લાખ ટને દ્રવ્ય ગુમાવે છે.
તેથી પણ વિચિત્ર વાત એ છે કે જાપાન અને ન્યુઝીલેન્ડના ખગોળવિજ્ઞાાનીઓએ આકાશગંગાના તારાઓનું સર્વેક્ષણ કરતાં શોધી કાઢ્યું કે ગુરૃના ગ્રહના માપના બાહ્યગ્રહોનો એક નવો વર્ગ છે જે તે કોઇ તારાના બંધન વિના અવકાશ મુક્તવિહાર કરતાં હોય છે. આપમેળે અવકાશના અંધકારમાં તરતા હોય છે.
સપ્ટેમ્બર ૨૦૧૧માં બ્રિટેનના ખગોળવિજ્ઞાાનીઓએ ‘વાઇડ એન્ગલ સર્ચ ફોર પ્લેનેટ’ જેને ટૂંકમાં ‘વાસ્પ’ કહે છે તે પ્રોજેક્ટ અન્વયે ૨૩ મહાકાય, અતિગરમ, બાહ્યગ્રહો શોધી કાઢ્યા. તે દરેક ગુરૃના માપના હતા અને નિઃશંકપણે તેનું ગુરૃત્વ કચરી નાખે તેવું હતું. આ અદ્ભૂત બાહ્યગ્રહો તેમના તારાની એટલા નજીક રહી પ્રદક્ષિણા કરતા હોય છે કે તે પાંચથી આઠ દિવસમાં પોતાનું પરિભ્રમણ પૂરૃં કરે છે. ‘વાસ્પ’ના ખગોળવિજ્ઞાાનીઓનું જૂથ એક કરોડ તારાઓની ભાળ રાખે છે. તેઓ બાહ્યગ્રહોના સંકેતો શોધી રહ્યા છે. તે તેમના દક્ષિણ આફ્રિકન અને કેનેરી ટાપુઓ પર આવેલા કેમેરાની હારમાળાની મદદથી દર ૧૦ મિનિટે રાત્રિના આકાશની તસ્વીરો ઝીલે છે.
આમ એવું લાગે છે  ગ્રહોની દુનિયા પણ અજીબો ગરીબ છે. બ્રહ્માંડ વિશે જેટલું જાણીએ તેટલું આપણું અજ્ઞાાન વધતું જાય છે. હજુ પંદર વર્ષ પહેલા સૌરમંડળને પાર એક ગ્રહ પણ શોધાયો ન હતો જ્યારે આજે અનેક બાહ્યગ્રહો શોધાયા છે.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s