હવે ‘આધાર કાર્ડ’ બની શકે છે ‘જનાધાર’નો પર્યાય

 

અર્થ અને તંત્રઃ  અપૂર્વ દવે

ગુજરાતીમાં કહેવત છે : ગોળ નાખો એટલું ગળ્યું થાય. આ વાત આપણા દેશમાં લગભગ મોટા ભાગના નાગરિકોને અપાઈ ચૂકેલા ૧૨ અંકના આધારકાર્ડને લાગુ પાડી શકાય છે. સરકારે ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાત નંદન નીલેકણીને આધારના કર્તાહર્તા બનાવ્યા ત્યારે જ લાગ્યું હતું કે, આ યોજનામાં ખરેખર દમ છે. જોકે, તેનો અમલ સરકારી તંત્રે કર્યો હોવાથી આધારનું કામકાજ ઘણું ધીમી ગતિએ ચાલ્યું અને તેમાં ઘણી ત્રુટિઓ પણ રહી ગઈ છે. પરિણામે, આ કાર્ડનો કે આધાર નંબરનો ઉપયોગ કરવામાં પણ મોડું થયું. જોકે, હવે સરકારે ફરીથી આધાર નંબરનો વધુ ને વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે ત્યારે કહેવું જરૂરી છે કે આધાર અનેક યોજનાઓનો આધાર બની શકે છે. હાલ ડિમોનેટાઈઝેશનની રામાયણ ચાલી રહી છે ત્યારે આ ચર્ચા અસ્થાને નથી.

સરકારે નક્કી કર્યા પ્રમાણે દેશમાં રોકડ વ્યવહારોનું પ્રમાણ ઘટાડવા માટે ટૂંક સમયમાં સ્પષ્ટ નીતિની જાહેરાત કરવામાં આવશે. આધાર નંબરનો ઉપયોગ કરીને થતાં વ્યવહારો કાર્ડરહિત હોય છે અને તેના માટે કોઈ પિન (પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર) આપવાની પણ જરૂર રહેતી નથી. નાગરિકો હવે એન્ડ્રોઈડ ફોનની મદદથી પોતાના આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ (આંગળીની છાપ) કે આઈરિસ (આંખની કીકીની આસપાસનું રંગીન કુંડાળું)નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરી શકશે. સરકારે હવે ભારતમાં મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન કરતી કંપનીઓને એક સ્થાનિક ભાષામાં લખવા-વાંચવાની સુવિધા મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હોવાથી સામાન્ય નાગરિકો પણ ઉક્ત વ્યવહારો આસાનીથી કરી શકશે. સરકારે હવે આ જ ઉત્પાદકોને દરેક મોબાઈલ હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ તથા આઈરિસની ઓળખ કરનારી સિસ્ટમ પણ ઉમેરવાનું કહેવાનો વિચાર કર્યો છે. સરકારે આ કામમાં સહયોગ મળી રહે એ માટે મુખ્યપ્રધાનોની સમિતિને પણ સાથે રાખી છે. આ સમિતિ કાર્ય કરતી પણ થઈ ગઈ છે. જે રીતે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) માટે તમામ રાજ્યોને સાથે રાખીને સર્વસંમતિથી કામ થયું એવું જ હવે અનેક યોજનાઓ માટે થશે એવું લાગે છે. અલગ અલગ દિશામાં જઈ રહેલાં રાજ્યો હવે સર્વાંગી હિત માટેનાં કાર્યોમાં આ રીતે ભેગા આવશે એવું આપણે ક્યારેય ધાર્યું હતું ખરું ?

બીજી નોંધપાત્ર વાત એ છે કે, સરકાર રોકડનો ઓછો ઉપયોગ કરનારા લોકોને વિવિધ સવલતો આપવાનું પણ વિચારી રહી છે. ડિમોનેટાઈઝેશનને પગલે સરકારે ડેબિટ કાર્ડના ઉપયોગ પરના ચાર્જમાંથી ૩૦ ડિસેમ્બર સુધી મુક્તિ આપી એ તેનું ઉદાહરણ પ્રાથમિક ઉદાહરણ છે. આવાં જ બીજાં અનેક પગલાંની જાહેરાત નવા વર્ષમાં થઈ શકે છે. વધુ ને વધુ દુકાનદારો-વેપારીઓને ઇલેક્ટ્રોનિક માધ્યમથી પેમેન્ટ સ્વીકારવા માટે કોમન સર્વિસ સેન્ટરોને નામ નોંધાવનાર દરેક વેપારી દીઠ ૧૦૦ રૂપિયાની સવલત આપવાનું જાહેર થઈ ચૂક્યું છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજી ખાતું ડિજિટલ વ્યવહારો માટેની જાગરુકતાના કાર્યક્રમનો આજથી જ પ્રારંભ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)ની યોજના દ્વારા બેન્કોએ યુપીઆઈ એપ મારફતે નાણાંની ટ્રાન્સફર ઘણી જ સરળ બનાવી દીધી છે. યુપીઆઈ દ્વારા તમે જેને નાણાં મોકલવા ઈચ્છતા હો તેનો આધાર નંબર ઉપયોગમાં લઈ શકાય છે. હજી યુપીઆઈ નવું હોવાથી બધી બેન્કોએ પોતાની એપમાં આવી વ્યવસ્થા કરી નથી. બેન્કો દ્વારા એનઈએફટી વ્યવહારોને તો સમયમર્યાદા નડે છે, પણ યુપીઆઈને કોઈ રજા કે સમયનું બંધન નડતાં નથી.

આધાર નંબરની ઉપયોગીતા વિશે કહેવાનું કે દરેક બોર્ડની પરીક્ષામાં હવે હોલ ટિકિટ આપવાની પણ જરૂર નથી. આધાર ડેટાબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી લઈને બોર્ડ આધાર નંબર દ્વારા પરીક્ષાર્થીનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરીક્ષાખંડમાં અપાતી એન્ટ્રી પણ આધાર નંબર અને આઈરિસ ઓથેન્ટિફિકેશન દ્વારા થઈ શકે છે. પરીક્ષાનું રિઝલ્ટ પણ ઓનલાઈન અને તેનું સર્ટિફિકેશન પણ ઓનલાઈન. નોકરી માટે અરજી કરનારનો ફક્ત આધાર નંબર મળી જાય તો તેને લગતી બધી જ માહિતીનું કન્ફર્મેશન ડેટાબેઝ સાથે કરવાની સુવિધા પણ શરૂ કરી શકાય છે. આવતા એક વર્ષમાં આધારનો ઉપયોગ વધારનારી અનેક ઘટનાઓ બનવાની શક્યતા હોવાથી અત્યારથી જ તમને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આપી દઈએ તો કેવું ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s