ગુજરાતી નવલકથાની સાર્ધશતાબ્દી

હાસ્યનવલ – ભદ્રંભદ્ર છે અને ભદ્રંભદ્ર અમર ૫ણ છે!

હાસ્યનવલ - ભદ્રંભદ્ર છે અને ભદ્રંભદ્ર અમર ૫ણ છે!

નવલકથામાં કળાની બીજી ઘણી કસોટીઓ હશે- પણ મારી તો એક જ શરતઃ તેમાં રસ પડવો જોઈએ. વાંચતા વાંચતા રસ ન પડે તો, બીજો ગમે તે ગુણ હોય, હું એને નવલકથા ન કહું.    
– કનૈયાલાલ મુનશી

૧૫૦ વર્ષના આયનાનું આછેરું પ્રતિબિંબ
દોઢસો વર્ષમાં સર્જાયેલી ગુજરાતી નવલકથાઓ અને નવલકથાકારો બન્નેનેનું પ્રતિનિધિત્વ રજૂ થાય એ પ્રકારે અહીં યાદી રજૂ કરી છે. તેમાં ઐતિહાસિક નવલકથાઓ છે, ક્લાસિક છે, ઓલટાઈમે બેસ્ટ છે, બેસ્ટ-સેલર છે, કથા-કથનને વળાંક આપનારી નવલકથાઓ છે, વિવાદ સર્જનારી કથાઓ છે, તો વિક્રમ સર્જનારી નવલકથાઓ પણ છે. સામે પક્ષે કેટલાક નવલકથાકારોએ વિપુલ માત્રામાં લખ્યું હોવાથી સંખ્યાત્મ કારણથી પણ તેમને અહીં સ્થાન આપ્યું છે.

હેન્રી જેમ્સ નામના અમેરિકન નવલકથાકાર-વિવેચકે કહ્યું હતું કે નવલકથાના મકાનમાં શક્યતાની હજાર બારીઓ રહેલી છે. તમે કઈ બારી ખોલો છો, તેના પર સઘળો આધાર છે. અને એટલે જ ઉત્તમ નવલકથાનું કોઈ લિસ્ટ પૂર્ણ હોઈ શકે નહીં.. આ લિસ્ટ પણ પ્રૂર્ણ નથી.. પ્રતિનિધિરૃપ છે… અહીં સ્થાન ન પામેલી નવલકથા પણ ઉત્તમ જ હશે એવો અમને વિશ્વાસ છે.

ગુજરાતી નવલકથાની સાર્ધશતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે ચાલો દશ પ્રશિષ્ટ ગુજરાતી હાસ્યનવલકથાઓમાંથી પસંદ કરેલાં અંશોનો આસ્વાદ માણીએ…

ભદ્રંભદ્ર 
(રમણભાઈ નીલકંઠ)

મેજિસ્ટ્રેટે પૂછ્યું : ‘તમારું નામ શું?’
‘વિદ્યમાન ભદ્રંભદ્ર.’
‘તમારું નામ વિદ્યમાન અને તમારાં બાપનું નામ ભદ્રંભદ્ર? પણ હું ધારું છું કે તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલું છે. ખરું શું છે?’
‘મારું નામ ભદ્રંભદ્ર છે. પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.’
મેજિસ્ટ્રેટ ભદ્રંભદ્ર સામું તાકીને જોઈ રહ્યાં. થોડી વાર પછી તેમણે પૂછ્યું, ‘બાપનું નામ શું?’

‘પ્રશ્નસ્ય અનૌચિત્યમ્.’
‘પરશોત્તમ?’
અમારાં વકીલે ભદ્રંભદ્રને સીધા જવાબ આપવાની શિખામણ દીધી તેથી તેમણે આખરે બાપનું નામ ‘અવિદ્યમાન વિષ્ણુશંકર લખાવ્યું.’
‘ધંધો શો કરો છો?’

‘સનતાન આર્યધર્મનાં સદોદિત યશઃપૂર્ણ વિજયનો.’
અમારાં વકીલ ઉઠીને મેજિસ્ટ્રેટને કહ્યું, ‘મારો અસીલ પોતાની વિરૃદ્ધ ખોટાં પુરાવાથી ઉશ્કેરાયેલો છે ને સ્વભાવે પણ જરા ઉગ્ર છે. તેનાં કહેવાનો અર્થ એ છે કે ધંધો ધર્મ વિષે ભાષણ કરવાનો છે.’

અમે બધાં
(ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે)

આજે ગંગાસ્વરૃપ ગુલાબડોસીને વૈકુંઠવાસી થયાને પાંચેક વર્ષ વીતી ગયાં છે. પરંતુ તે વેળા સૌને લાગતું કે જો જગતમાં કોઈ પણ અમર રહેવા સર્જાયું હોય તો તે ગુલાબ ડોસી જ છે. સાધારણ મનુષ્ય તો જરાવારમાં મરી જાય એવા અનેક પ્રસંગો ડોસીના જીવનમાં આવી ગયા હતા, પણ ડોસીનો વાંકો વાળ થયો નહોતો. બધાં ધારતાં કે ડોસીનો સોપારી ચાવવાનો અવાજ સાંભળીને મોત પણ બીએ છે.

પાંચ વર્ષની વયે એ પરણીને સાસરે ગયાં ત્યારે સુરતમાં પ્લેગ બહુ ઉત્સાહપૂર્વક ચાલતો હતો. પ્લેગના ઝપાટામાં એ આવ્યાં. પણ ભાત ખાવા જતાં જેમ કાંકરી ચવાઈ જાય તેમ, પ્લેગ ભોગ લેવા ગયો એમનો, ને વગર દર્દે મૃત્યુ પામ્યો એમનો પતિ!

ડોસી બાપ વર્ષનાં થયા ત્યારે ફરી પાછાં યમદેવે ભૂલ કરી. એમને કૉલેરા થયો. ડોસીની સૌએ આશા મૂકી. એમને નીચે ઉતારવામાં આવ્યાં. પણ નીચે ઉતારનાર પુરુષ ‘આજે સ્મશાને જવું પડશે’ એમ ઘરે પત્નીને કહેવાં ગયો ને એનું હૃદય એકાએક બંધ પડયું ને એ મૃત્યુ પામ્યો! આ બાજુ ડોસી ‘અહીં મને કોણે હુવાડી? હું કંઈ મરવા જેવડી નથી. હજી તો મારે ઘણાં વરસ કાઢવા છે.’ કહેતાં બેઠાં થયા.

આ પછી પાંચેક વર્ષે ફરી ઘાતનો પ્રસંગ આવ્યો. દારૃણ યુદ્ધ કરતા ગોધાઓની હડફેટમાં ડોસી આવી ગયાં. લોહીલુહાણ થઈને બેભાન દશામાં એ જમીન પર પડયા. રસ્તે જનારા મનુષ્યોએ દયા લાવી એમને હોસ્પિટલ પહોંચાડયા. ત્યાં એક દિવસ બેભાન રહ્યાં. પણ બીજે દહાડે હોસ્પિટલનો ડોક્ટર મરી ગયો ને ડોસી ચાલતાં ચાલતાં ઘરે આવ્યાં.

આપણો ઘડીક સંગ
(દિગીશ મહેતા)

પછી શરૃ થઈ વાતો. મહેમાનો સાથે જમ્યા પહેલાની વાતો અને જમ્યા પછીની વાતોમાં ફેર હોય છે. આ ભેદ તાત્વિક, સૈદ્ધાંતિક, મૂળભૂત – એવો બધો હોય છે. જમ્યા પહેલાની વાતો અસ્થિર, અર્થહીન, અસંબદ્ધ, અલ્પજીવી હોય છે. જેમકે,

ધૂર્જટિએ અર્વાચીનાના દીવાખાનામાં પ્રવેશીને જેવી એક ખુરશી ઉપર જગ્યા લીધી કે તરત જ અર્વાચીનાના પિતાજીએ તેને બદલે ઘડિયાળ સામે જોવા માંડયું.
‘અગિયાર થયાં.’ તેમણે કહ્યું.
‘તાપ બહુ છે!’ ધૂર્જટિએ જવાબમાં કહ્યું.

અને પછી…
‘બસો બહુ અનિયમિત ચાલે છે!’
‘ત્રીજું વિશ્વયુદ્ધ થશે એમ લાગે છે!’
‘આ શહેરનો કોટ સમરાવવો જોઈએ!’

‘આ રાધાકૃષ્ણન્ અહીં ક્યાંથી?!’
આવી વાતો…

જે વ્યગ્ર ઝડપથી દિવાળીમાં ફટાકડાની સેર ફૂટે તે જાતની વાતો…
જ્યારે જમ્યા પછીની વાતોમાં એક તારામંડળમાંથી હૃદયંગમ રીતે ઝરતી તેજરેખાઓની જેમ આનંદપ્રકાશનાં સ્ફુલિંગો ઝરે છે.

એકલવ્ય
(રઘુવીર ચૌધરી)

‘તમે બીજું ગમે તે હશો, દોઢડાહ્યા તો છો જ.’
‘સાહેબ, હું દોઢડાહ્યો હોઉં તો જ આપણી બંનેની સરેરાશ એક આવે ને!’
‘પ્રિન્સીપાલને કહીને હું તમને ડિસમીસ કરાવી દઈશ.’

‘મને ડિસમીસ કરવામાં આવશે તો હું એકાએક જાણીતો થઇ જઈશ! વાહ! કેવું સારું થશે!
‘રખડી પડશો, રખડી!’

‘મને રખડવાનો શોખ છે. હું રખડવાના આનંદ પર લાંબી ચોપડી લખીશ.’
‘તમને તમારુ ભવિષ્ય બગાડવાનો શોખ લાગે છે.’

‘ભવિષ્યની તો કોને ખબર છે ? ન જાણ્યું જાનકી નાથે, એક તમે જ જાણ્યું કે સવારે શું થવાનું છે!’
અને આખો વર્ગ ભજન ગાવા લાગ્યો. ‘ન જાણ્યું જાનકીનાથે…’ કેટલાંક તાલ આપવા લાગ્યા. એકલવ્યે તાલ ખોટા પડે છે એમ કહીને સહુને રોક્યા.
‘હવે તમે મારો વાંક કાઢી નહીં શકો. તમે આખા વર્ગને ગેરમાર્ગે દોરી રહ્યાં છો, મિસ્ટર!’

‘તો તો હું નેતા થઈશ. વાહ ! હું નેતા થઈશ. ગેરમાર્ગે દોરવાની શક્તિ હોય તો નેતા થવાય.’

સધરાના સાળાનો સાળો
(ચુનીલાલ મીડિયા)

ઓઘડભાઈ, હું તો આ નવી પાર્લામેન્ટની ઉઘડતી બેઠકમાં જ બિનસત્તાવાર ઠરાવની નોટીસ આપવાનો છું – ‘શાનો ઠરાવ?’
‘હું ઠરાવમાં માંગું છું કે ભેળને હવે પછી આપણા સુવર્ણદ્વીપનાં રાષ્ટ્રીય ફરસાણનો દરજ્જો આપવો.’
‘વન્ડરફુલ, વન્ડરફુલ, મિસ્ટર ઓઘડ!’અને એમાંના વળી વધારે રીઢા અને વધારે ખંધા મુત્સદ્દીઓએ તો એક નવો જ પ્રસ્તાવ મૂક્યો : ‘ભેળને રાષ્ટ્રીય જ નહિ પણ આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવો જોઈએ.’

‘કેવી રીતે?’
‘એને યુનાઇટેડ નેશન્સનાં ભોજનાલયમાં સ્થાન અપાવીને.’

‘તો પછી ભેળને નિકાસ ઉત્તેજન યોજનામાં દાખલ કરી દેવી જોઈએ – તાબડતોડ.’
‘અને એમાંથી સુવર્ણદ્વીપ સારું હૂંડિયામણ પણ રળી શકશે.’
‘મિલિયન ડોલર આઈડિયા!’

વિદેશી એલચીનું સૂચન વધાવાઈ રહ્યું.
‘ગાર્ડનપાર્ટી’માં રંગ જામી ગયો.

એક હતા દિવાન બહાદુર
(ઈલા આરબ મહેતા)

મોતીબહેનનું ખરું નામ શું હતું તે કોઈ જાણતું ન હતું. વીસ વર્ષની ઉંમરે તેમનાં હાથમાં પર્લ બકનું પુસ્તક આવ્યું. તે પછીનાં બે મહિનાનાં ગાળામાં તેમણે ઝપાટાભેર બે સામાજિક નવલકથાઓ લખી નાખી ને એ નવલકથાઓ ‘મોતીબહેન બકલવાળા’નાં નામે છપાવી.
શુ અંગ્રેજીમાં પર્લને નોબલ પ્રાઈઝ મળે અને ગુજરાતીમાં મોતીબહેનને ન મળે?

અત્યારે તેઓ વરંડામાં ગુસ્સે થયેલી કાબરની માફક ચક્કર ફરતા હતાં. ગઈકાલ સાંજની ટપાલમાં જે છાપું આવ્યું હતું એમાં મોતીબહેનની નવલકથા વિષે એક સમીક્ષાત્મક લખાણ હતું. પણ આ તે સમીક્ષા કે સજા? પેલાં દુષ્ટ, હીનમાનસ ધરાવતાં વિવેચકે લખ્યું હતું કે : ‘આ નવલકથાને ‘હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન’ની જરૃર છે. તો જ બિચારી જીવી શકશે.’
મોતીબહેનની આંખોમાં ક્રોધ, નિરાશા અને વૈરનાં સાથિયા પુરાયા.

‘મારી નવલકથા સમજવા માટે કેવડું મોટું ને મહાન મન જોઈએ?’ (‘મહાન મન’નવી નવલકથાનાં શીર્ષક માટે અમને પ્રેરણા થઈ આવી.)
કોને કહેવી દિલની વાત (બીજી નવલકથાનું બીજું શીર્ષક) એ દ્વિધામાં એમણે જયદેવને શોધ્યા પણ એ ન મળ્યો. ત્યાં એમને યજમાન દિવાન બહાદુર સાંભર્યા.
‘દિવાન બહાદુર, હું તમારી જ રાહ જોતી હતી. ચાલો મારી સાથે, મારી સાથે ઘોર અન્યાય થયો છે.

મારી એ નવી નવલકથા હું તમને વાંચી બતાવું. પછી કહો મને, શું એને નોબલ પ્રાઈઝ ન મળે? શ્વાસભેર આટલું બોલી મોતીબહેને એમનો હાથ મજબૂત રીતે પકડયો ને સિંહણ હરણનો શિકાર કરી તેને ઘસડતી જાય તેમ મોતીબહેન દિવાન બહાદુરને તેમની નવલકથા ‘રખડુ જમાઈ’ વાંચી સંભળાવવા લઈ ગયાં.

ઇતિહાસનાં રસિક અભ્યાસીઓ! તમારી જિજ્ઞાાસા અહીં જ થંભાવી દો. અત્રે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે બે કલાકને અંતે જ્યારે દિવાન બહાદુર મોતીબહેનનાં કમરામાંથી બહાર નીકળ્યા ત્યારે જાણે કબરમાં દટાઈને પાછાં નીકળ્યા હોય અથવા તો એમનાં ભૂતપૂર્વ સેક્રેટરીનું ભૂત જોયું હોય તેવા જણાતાં હતાં.

‘બહુ સહન કર્યું. બધું સહન કર્યું પણ આ બે કલાકનું ઓપરેશન! હે પરમાત્મા ! રોજ…રોજ…અનંત અસીમ કાળ સુધી મારે આની નવલકથાઓ સાંભળવી પડશે?’

સચ બોલે કુત્તા કાટે!
(તારક મહેતા)

‘યા આ આ આ આ આ…’ માલાનાં મોંમાંથી ટ્રેનના એન્જિનની વિસલ જેવો અવાજ નીકળી ગયો. એની એકની એક આયા અવાજ સાંભળીને હાંફળીફાંફળી મેડમ માલાના રૃમમાં દોડી આવી. ફિલ્મ-તારિકાઓની આયાઓ ફિલ્મ ચોપાનિયાંઓ વાંચ્યા કરતી હોય છે. પોતાની શેઠાણીઓ વિશે એમને ચોપાનિયાંમાંથી જાણવાનું મળતું હોય છે. માલાની આયા એવું કંઈ દિલધડક ચોપાનિયું વાંચી રહી હતી તેથી એને એવો ભ્રમ થઈ ગયો કે એની મેડમે કોઈના પ્રેમમાં નાસીપાસ થઈને ઊંઘવાની ગોળીઓનો ઓવરડોઝ લીધો હશે અને એની આખરી પળોમાં ચીખી રહી હશે, તેથી એણે આવતાં આવતાં ‘હેલ્પ…હેલ્પ…’ની બૂમો મારી.

માલા ‘મદદ..મદદ’ના પોકારોથી ચોંકી. પોતાનાં જ ફ્લેટમાં પોતાની આયા ઉપર બળાત્કાર કરવાનો કોઈકે પ્રયત્ન કર્યો હશે અને લાચાર અબળા આયા એની મદદ માંગવા દોડી આવી છે એમ સમજીને અર્ધ પારદર્શક માલા ‘કૌન હે…કૌન હે…’ની ચીસો પાડતી પોતાનાં કબાટમાંથી નકલી રિવોલ્વર કાઢવા દોડી.

આયા ડઘાઈને ઉભી રહી ગઈ. પોતાની મેમસાહેબ પલંગમાં આખરી શ્વાસ લેતાં તરફડી રહી હશે એમ તેણે ધારેલું પણ એને બદલે માલાએ કબાટમાંથી રિવોલ્વર કાઢી.
મેમસાહેબ રિવોલ્વરથી આત્મહત્યા કરવાં માંગે છે એવું સમજી બેઠેલી આયાએ માલા પર તરાપ મારી.

‘મેમસા’બ, મેંય તુમકો મરને નહીં દેગા.’ આયાએ અચાનક મારેલી તરાપથી માલા શરીરનું સમતોલપણું ગુમાવી બેઠી. બંને જણ બેડરૃમનાં મુલાયમ ગાલીચટા પર પછડાયા.

કમઠાણ
(અશ્વિની ભટ્ટ)

‘ઓહો! પંડયા સાહેબ…તમે જયંતીભાઈને ઓળખો છો?’
‘ઓળખો છો એટલે! જંયતીભાઈ તો શું તેમનાં આખા ખાનદાનને ઓળખું છું. જયંતીભાઈનાં દાદા…સાંકળચંદ શેઠ…એટલે વાત ન પૂછો. મેં તેમને જોયેલાં નહિ.પણ મારાં દાદાના એ મિત્ર થાય. મારાં બાપા ઘણી વખત તેમની વાત કરતા. નડિયાદનું નામ રોશન કરનારાં એક હતાં ગો.મા.ત્રિ. અને બીજાં આ જયંતીભાઈના ગ્રાન્ડફાધર. મારા બાપા કહેતા હતા કે લીલો ચેવડો એ સાંકળચંદ શેઠે શોધેલો.

ફિલસૂફી અને ફરસાણ એટલે સાહેબ ગો.મા.ત્રિ. અને સાંકળચંદ શેઠ! શેઠ પોતે પાછાં શેરોસુખન. સંગીત, કળા અને લીલો ચેવડો એમની જિંદગી…ગો.મા.ત્રિ. સાથે એમને રોજની ઉઠબેસ…’

‘ગો.મા.ત્રિ.?’ રાઠોડ સાહેબને સાહિત્ય સાથે કોઈ સ્નાનસૂતક ન હતું.

‘યસ સર…ગોવર્ધનરામ…અહા…’ પંડયા સાહેબ બોલી ઉઠયા, ‘મારા ફાધર કહેતાં કે સાંકળચંદભાઈ તેમની જવાનીમાં ટુ બાય ટુનું સોનેરી કિનારનું ધોતિયું, સફેદ-ઝગ આર કરેલું મોટી કસબી કોરનું અંગરખું, માથે લાલ ચટક પાઘડી અને પગમાં ચકચકતી પોલીશ કરેલી મોજડી, એક હાથમાં ચાંદીની મૂઠવાળી વોકિંગ સ્ટીક, મોઢામાં ક્યારેક મઘમઘતું નાગરવેલનું પાન દબાવીને નીકળે ત્યારે…સાહેબ આખું ઘોડિયા બજાર જોઈ રહેતું…અને સાહેબ સાંકળચંદ શેઠ ચાલતા ચાલતા ગોવર્ધનરામને ત્યાં જતા અને પછી રંગત જામતી દિવાનખંડમાં…બસ લીલો ચેવડો ખવાતો જાય અને કુસુમસુંદરી, ગુણસુંદરી અને કુમુદ જેવાં પાત્રો…’

‘શું વાત કરો છો પંડયા ? લીલા ચેવડા સાથે આવી લીલા! આ નડિયાદમાં? મને એમ કે સાલું આવું બધું લખનઉમાં થતું હશે! નડિયાદમાં પણ આવું ચાલતું?’ રાઠોડ ચોંકીને બોલી ઉઠયા. રાઠોડનું અક્ષરજ્ઞાાન બોમ્બે પોલીસ એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડની ગુજરાતી આવૃત્તિ સુધી મર્યાદિત છે તેનો ખ્યાલ એકાએક ભોગીલાલ રાઈટરને આવ્યો હતો.

ભદ્રંભદ્ર અમર છે!
(રતિલાલ બોરીસાગર)

પોલીસો અમને લઈને પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયાં. પરશુ ધારણ કરેલાં પરશુરામ સરખા ભદ્રંભદ્રને જોઈ સામે બેઠેલાં પોલીસ અધિકારી એકદમ ઉભાં થઈ ગયાં હતાં પણ એમનાં આ આશ્ચર્યભાવે ભદ્રંભદ્રમાં ગેરસમજ પ્રેરી. ભદ્રંભદ્ર સમજ્યા કે પોલીસ અધિકારી પોતાને સન્માન આપવાં ઉભાં થઈ ગયાં છે. એટલે પ્રસન્ન થઇને તેઓ બોલ્યાં કે, ‘હે વિવેકચૂડામણિ (વિવેકી લોકોમાં શ્રેષ્ઠ) એવાં આરક્ષક અધિકારી! મારાં જેવાં યુગપુરૃષના પાવન ચરણો અહીં પડયા તેથી તત્કાલ ઉભાં થઇ મારા પ્રતિ સન્માનનો ભાવ દર્શાવ્યો તેથી હું અતીવ પ્રસન્ન થયો છું.’

પોલીસ અધિકારી દિગ્મૂઢ બનીને ભદ્રંભદ્ર સામે જોઈ રહ્યાં. ક્ષણવાર તો જાણે એમની વાચા જ હરાઈ ગઈ. પછી સહેજ કળ વળતાં એમણે બાજુમાં ઉભેલાં પોલીસને કહ્યું, ‘આણે મને કંઈ ગાળ દીધી? એ બોલ્યો એવાં શબ્દો તો મેં ક્યારેય સાંભળ્યાં નથી.’

પોલીસ-અધિકારીને ન સમજાયા હોય એવાં શબ્દો બીજાં પોલીસને સમજાય એ શક્ય નહોતું. એણે કહ્યું, ‘સાહેબ, આણે ગાળ દીધી હોય એવું તો એનાં મોઢા પરથી લાગતું નથી. પણ મેંય આવા શબ્દો જિંદગીમાં પહેલીવાર સાંભળ્યા. બાજુમાં પ્રાથમિક નિશાળ છે. તમે કહેતાં હો તો કોઈ માસ્તરને પકડી લાવું, એને કદાચ આ શબ્દોના અર્થ આવડતા હોય!’
‘રહેવા દ્યો ! કદાચ માસ્તરને ય આ શબ્દો ન આવડતા હોય તો ગૃહખાતાનું ને શિક્ષણખાતાનું – બેયનું ખરાબ લાગે.’

સંભવામિ યુગે યુગે
(રતિલાલ બોરીસાગર)

આજની સભામાં ભદ્રંભદ્ર પ્રવચન કરવાનાં છે એવા સમાચાર શહેરનાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. આ કારણે લોકોમાં ઉત્તેજના વ્યાપી હોય એમ જણાતું હતું. ભદ્રંભદ્રે કહ્યું, ‘અંબારામ! જનસમૂહ મારાં દર્શન માટે વ્યાકુળ હોય તેમ જણાય છે. યજમાનોને સીધા વ્યાસપીઠ પર જવા દઈ, આપણે જનસમૂહની વચ્ચેથી માર્ગ કરતા વ્યાસપીઠ ભણી જઈએ જેથી લોકો નિકટથી મારું દર્શન કરી શકે. આપણે યજમાનોને અનભિજ્ઞા રહેવા દઈ એમનાથી પૃથક થઇ જઈશું.’

આના પ્રતિભાવરૃપે હું કંઈ કહું તે પૂર્વે સોએક જેટલા લોકોનું એક ટોળું અમારી સમીપ આવી પહોંચ્યું અને ભદ્રંભદ્રની જય પોકારવા લાગ્યું. યજમાનશ્રીની સામે જોઈને ભદ્રંભદ્રે પૂછ્યું, ‘આ આપણા માણસો છે?’
‘આમ છે ને આમ નથી.’ યજમાને કહ્યું.

‘જગત છે ને જગત નથી એવું તમારું કથન ઘણું જ ગહન જણાય છે.’

‘મહારાજ! આપની જય પોકારવા માટે અમે આ લોકોને ભાડે લાવ્યા છીએ. દર દસ જય પોકારવાનું વ્યક્તિદીઠ ભાડું એક રૃપિયો છે. દરેક વ્યક્તિ સો જય પોકારશે એટલે વ્યક્તિદીઠ દસ રૃપિયાનો ખર્ચ થશે. સો જય બોલાય ત્યાં સુધી આ આપણા માણસો છે. મજબૂત ગળાવાળા લોકોનો આ કાયમી વ્યવસાય છે.’
‘અંબારામ! આવો વ્યવસાય શાસ્ત્રસંમત છે?’

‘મહારાજ ! બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારી સવા લક્ષ જપ કરી આપે છે. તે જ રીતે આ લોકો દક્ષિણા સ્વીકારી જયઘોષ કરે છે. આમાં શાસ્ત્રથી વિપરીત કશું જણાતું નથી.’

નવલકથા લેખક વર્ષ
કરણ ઘેલો નંદશંકર તુળજાશંકર મહેતા ૧૮૬૬
સાસુવહુની લઢાઈ મહીપતરામ રૃપરામ નિલકંઠ ૧૮૬૬
સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ૧૮૮૭-૧૯૦૧
ગુલાબસિંહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૧૮૯૭
ભદ્રંભદ્ર રમણભાઈ નિલકંઠ ૧૯૦૦
પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશી ૧૯૧૬
ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી ૧૯૧૮
ગ્રામલક્ષ્મી રમણલાલ વ. દેસાઈ ૧૯૩૩
ભારેલો અગ્નિ રમણલાલ વ. દેસાઈ ૧૯૩૫
અમે બધાં જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા ૧૯૩૫
પ્રાયશ્ચિત મોહનલાલ મહેતા-સોપાન ૧૯૩૬-૩૭
આવતી કાલ રામનારાયણ નાગરદાસ પાઠક ૧૯૩૭
દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય ૧૯૩૮
વેવિશાળ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯
અજિતા ધૂમકેતુ ૧૯૩૯
ચૌલાદેવી ધૂમકેતુ ૧૯૪૦
જય સોમનાથ કનૈયાલાલ મુનશી ૧૯૪૦
પારકાં જણ્યાં ઉમાશંકર જોશી ૧૯૪૦
મળેલાં જીવ પન્નાલાલ પટેલ ૧૯૪૧
કુળદીપક ગોકુલદાસ રાયચૂરા
ખંડિત કલેવરો જયમલ્લ પરમાર, નિરંજન વર્મા ૧૯૪૨
ધીમુ અને વિભા જયંતિ દલાલ ૧૯૪૩
દીપનિર્વાણ મનુભાઈ પંચોળી-દર્શક ૧૯૪૪
જનમટીપ ઈશ્વર પેટલીકર ૧૯૪૪
કાળચક્ર ઝવેરચંદ મેઘાણી ૧૯૪૭
માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ ૧૯૪૭
રમકડાં વહુ વજુ કોટક ૧૯૪૯
ભવસાગર ઈશ્વર પેટલીકર ૧૯૫૧
સરી જતી રેતી યશોધર મહેતા ૧૯૫૧
ખેતરનાં ખોળે પીતાંબર પટેલ ૧૯૫૨
ઝેર તો પીધાં જાણી જાણી મનુભાઈ પંચોળી ૧૯૫૨-૫૭
બાલાજોગણ રમણલાલ વ. દેસાઈ ૧૯૫૨
તેજરેખા પીતાંબર પટેલ ૧૯૫૨
હાજી કાસમ તારી વીજળી ગુણવંતરાય આચાર્ય ૧૯૫૪
ભીતર સાત સમંદર ચંદુલાલ સેલારકા ૧૯૫૫
લીલુડી ધરતી ચુનીલાલ મડિયા ૧૯૫૭
અનંગ રાગ શિવકુમાર જોશી ૧૯૫૮
અંતિમ દીપ મોહનલાલ પટેલ ૧૯૬૦
શત્રુ કે અજાતશત્રુ? જયભિખ્ખુ ૧૯૬૧
આપણો ઘડીક સંગ દિગીશ મહેતા ૧૯૬૨
સધરા જેસંગનો સાળો ચુનીલાલ મડિયા ૧૯૬૨
આકાર ચંદ્રકાંત બક્ષી ૧૯૬૩
ભસ્મકંકણ દેવશંકર મહેતા ૧૯૬૩
એક અને એક ચંદ્રકાંત બક્ષી ૧૯૬૫
છિન્નપત્ર સુરેશ હ. જોશી ૧૯૬૫
વિશ્વજિત પિનાકિન દવે ૧૯૬૫
અમૃતા રઘુવીર ચૌધરી ૧૯૬૫
ધુમ્મસ મોહમ્મદ માંકડ ૧૯૬૫
પેરેલિસિસ ચંદ્રકાંત બક્ષી ૧૯૬૭
અશ્રુઘર રાવજી પટેલ ૧૯૬૭
સૂકી ધરતી સૂકા હોઠ દિલીપ રાણપુરા ૧૯૬૭
ફેરો રાધેશ્યામ શર્મા ૧૯૬૮
આકાશ ચૂમે જ્યાં ધરતીને રસિક મહેતા ૧૯૬૯
નાઈટમેર સરોજ પાઠક ૧૯૬૯
ભાવ અભાવ ચીનુ મોદી ૧૯૬૯
કામિની મધુ રાય ૧૯૭૦
માધવ ક્યાંય નથી હરીન્દ્ર દવે ૧૯૭૦
થીજેલો આકાર ઈલા આરબ મહેતા ૧૯૭૦
મારે પણ એક ઘર હોય વર્ષા અડાલજા ૧૯૭૧
ઘૂઘવતા સાગરનાં મૌન મફત ઓઝા ૧૯૭૩
સોક્રેટીસ મનુભાઈ પંચોળી દર્શક ૧૯૭૪
ઉપરવાસ, સહવાસ, અંતરવાસ રઘુવીર ચૌધરી ૧૯૭૫
ડો.રેખા ખલીલ ધનતેજવી ૧૯૭૪
સુખ નામનો પ્રદેશ હરીન્દ્ર દવે ૧૯૭૫
નિલિમા મૃત્યુ પામી છે વર્ષા અડાલજા ૧૯૭૭
રડતાં ગુલમહોર આબિદ સુરતી ૧૯૭૮
આખું આકાશ મારી આંખોમાં વિઠ્ઠલ પંડયા ૧૯૭૮
જામ રાવળ દુલેરાય કારાણી ૧૯૭૮
આશ્કા માંડલ અશ્વિની ભટ્ટ ૧૯૭૯
નિશાચક્ર કિશોર જાદવ ૧૯૭૯
પ્રેમ એક પૂજા ભુપત વડોદરિયા ૧૯૭૯
મૃત્યુ મરી ગયું ઉષા શેઠ ૧૯૭૯
ગાંઠ છૂટયાની વેળા વર્ષા અડાલજા ૧૯૮૦
પ્રિયજન વીનેેશ અંતાણી ૧૯૮૦
કિમ્બલ રેવન્સવૂડ મધુ રાય ૧૯૮૧
માટીનો મહેકતો સાદ મકરંદ દવે ૧૯૮૧
જગ્ગા ડાકુના વેરના વળામણાં હરકિસન મહેતા ૧૯૮૧
સાત પગલાં આકાશમાં કુન્દનિકા કાપડિયા ૧૯૮૪
ઓથાર અશ્વિની ભટ્ટ ૧૯૮૪
બબરીક યશવંત મહેતા ૧૯૮૪
જડ ચેતન હરકિસન મહેતા ૧૯૮૫
ફાંસલો અશ્વિની ભટ્ટ ૧૯૮૫
મીરાંની રહી મહેક દિલીપ રાણપુરા ૧૯૮૫
આંગળિયાત જોસેફ મેકવાન ૧૯૮૬
બદલાતી ક્ષિતિજ જયંત ગાડીત ૧૯૮૬
મંદારવૃક્ષ નીચે મોહમ્મદ માંકડ ૧૯૮૬
અસૂર્યલોક ભગવતીકુમાર શર્મા ૧૯૮૭
કાફલો વીનેશ અંતાણી ૧૯૮૮
પ્રકાશનો પડછાયો દિનકર જોશી ૧૯૮૮
કઠપૂતળી નટવરલાલ શાહ  
ચંદ્રદાહ રજનીકુમાર પંડયા ૧૯૮૯
કુંતી રજનીકુમાર પંડયા ૧૯૯૦
પિંજરની આરપાર માધવ રામાનુજ ૧૯૯૦
મૂળ અશોકપુરી ગોસ્વામી ૧૯૯૦
પિતામહ પ્રહલાદ બ્રહ્મભટ્ટ ૧૯૯૦
વંશ-વારસ હરકિસન મહેતા ૧૯૯૦
ઉધઈ કેશુભાઈ દેસાઈ ૧૯૯૧
પ્રવાહ પ્રિયકાન્ત પરીખ ૧૯૯૧
બંધન તૂટયાં મોહનલાલ ધામી ૧૯૯૨
મીરાં યાજ્ઞિાકની ડાયરી બિન્દુ ભટ્ટ ૧૯૯૨
અણસાર વર્ષા અડાલજા ૧૯૯૨
કોણ? લાભશંકર ઠાકર ૧૯૯૩
સમુદ્રાન્તિકે ધુ્રવ ભટ્ટ ૧૯૯૩
સ્વપ્નપ્રયાણ પ્રિયકાન્ત પરીખ ૧૯૯૪
કૂવો અશોકપુરી ગોસ્વામી ૧૯૯૪
ધૂંધભરી ખીણ વીનેશ અંતાણી ૧૯૯૬
આગન્તુક ધીરુબહેન પટેલ ૧૯૯૬
યુગ સંધિ હસુ યાજ્ઞિાક  
ઊડ ચલ પંછી પરદેશ જયવદન પટેલ ૧૯૯૭
તત્ત્વમસી ધુ્રવ ભટ્ટ ૧૯૯૮
તરસ એક ટહુકાની રાઘવજી માધડ ૧૯૯૮
લટહુકમ રવીન્દ્ર પારેખ ૧૯૯૮
અખેપાતર બિન્દુ ભટ્ટ ૧૯૯૯
ખેલંદો મહેશ યાજ્ઞિાક ૧૯૯૯
મિશ્ર લોહી ઈવા ડેવ ૧૯૯૯
ગીધ દલપત ચૌહાણ ૧૯૯૯
પથ્થર થર થર ધૂ્રજે જય ગજ્જર ૨૦૦૦
વાસ્તુ યોગેશ જોષી ૨૦૦૧
પ્રતિનાયક દિનકર જોષી ૨૦૦૨
રેશમ ડંખ મહેશ યાજ્ઞિાક-આતિશ કાપડિયા ૨૦૦૨
વતન વછોયા દિગંત ઓઝા ૨૦૦૨
જાણે-અજાણે વર્ષા પાઠક ૨૦૦૨
અંતર જાગી આરજૂ ગૌતમ શર્મા ૨૦૦૨
બેબી દેવેન્દ્ર પટેલ  
સરોવર કાંઠે તરસ્યાં પ્રીતમલાલ કવિ ૨૦૦૩
ડાયા પશાની વાડી મોહન પરમાર ૨૦૦૩
નવાં નિશાન સારંગ બારોટ ૨૦૦૩
કૈકેયી દોલત ભટ્ટ ૨૦૦૪
જંગી જુલફીકાર ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૨૦૦૪
અપ્સરા મેનકા રસિક મહેતા ૨૦૦૫
કૃષ્ણાયન કાજલ ઓઝા વૈદ્ય ૨૦૦૬
અંગદનો પગ હરેશ ધોળકિયા ૨૦૦૬
છાવણી ડો.ધીરેન્દ્ર મહેતા ૨૦૦૬
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય ૨૦૦૭
મેળો માવજી મહેશ્વરી ૨૦૦૭
હુહુ નરોત્તમ પલાણ ૨૦૦૭
આગિયાની આરપાર નસીર ઈસ્માઈલી ૨૦૦૭
વિષ-અમૃત પ્રદીપ પંડયા ૨૦૦૮
રેડિયો લવ-લાઈન વિભાવરી વર્મા ૨૦૧૦
સમાલ બેલી નવનીત સેવક ૨૦૧૦
મેડમ એક્સ આશુ પટેલ ૨૦૧૧
અકૂપાર ધુ્રવ ભટ્ટ ૨૦૧૧
સરમુખત્યાર નવીન વિભાકર ૨૦૧૨
મહારાજ સૌરભ શાહ ૨૦૧૩
મને અંધારા બોલાવે મને.. શિશિર રામાવત ૨૦૧૩
પાંખેથી ખર્યું આકાશ ભારતી રાણે ૨૦૧૩
વંકી ધરા વંકા વહેણ નાનાભાઈ જેબલિયા  
બાવડાંના બળે પુષ્કર ચંદરવાકર  

 

– See more at: 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s