નસીબ જેવું કંઈ હોય છે?

NASIB
 

ચલો અચ્છા હુઆ કામ આ ગઇ દીવાનગી અપની,
વર્ના હમ જમાનેભરકો સમજાને કહાં જાતે,
અપના મુક્કદર ગમ સે બેગાના અગર હોતા,
તો ફિર અપને-પરાયે હમસે પહેચાને કહાં જાતે

-કતીલ શિફાઇ

નસીબ જેવું કંઈ હોય છે? માણસની ડેસ્ટીની પ્રિડિસાઇડેડ હોય છે? કિસ્મતને જિંદગી સાથે કોઈ કનેક્શન હોય છેે? આ અને આવા પ્રશ્નોના જવાબો વ્યક્તિગત માન્યતા ઉપર આધાર રાખે છે. નસીબમાં માનીએ કે ન માનીએ પણ એક વાત નક્કી છે કે મહેનત વગર કંઈ મળતું નથી. આપણાં સદ્નસીબે કદાચ આપણને બત્રીસ પકવાનનો થાળ મળી જાય, પણ કોળિયો તો આપણે જ ભરવો પડે છે અને ચાવવાનું પણ આપણે જ હોય છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે. તેણે કહ્યું કે મારી પાસે મીઠાઈ ન હતી એટલે મેં મારા રોટલાને મીઠો કરી લીધો.

 

દરેક માણસ પાસે કંઈક તો હોય જ છે. કોઈ પાસે થોડું અને કોઈ પાસે વધુ હોય છે. આપણે જે હોય તેને નસીબ માની લેતા હોઈએ છીએ અને જે ન હોય તેને કમનસીબીનું લેબલ લગાવી દઈએ છીએ. ભાગ્યે જ કોઈ માણસ એવું વિચારે છે કે હું શું કરી શકું તેમ છું. ક્યાં સુધી પહોંચી શકું તેમ છું. તમારી તાકાતનો તમને અંદાજ છે? ના નથી હોતો. આપણે સમયની સાથે તણાતા જઈએ છીએ અને આ જ રસ્તો છે એમ માની લઈએ છીએ. આપણી સફળતા કે નિષ્ફળતા મોટા ભાગે તો આપણા નિર્ણયોના કારણે જ નક્કી થતી હોય છે.

 

થોડા સમય અગાઉ એક સર્વે થયો હતો. લોકોને પૂછવામાં આવ્યું કે આજે તમે જ્યાં છો ત્યાં પહોંચવાનો તમને અંદાજ હતો? તમે કેવી રીતે અહીં સુધી પહોંચ્યા? મોટા ભાગના લોકોએ એવું કહ્યું કે ના, આ મુકામની અમને કલ્પના ન હતી. તક મળતી ગઈ અને તક ઝડપતા ગયા. કિસ્મત અમને આ મુકામ સુધી ખેંચી લાવી. આ સર્વે બાદ એક બીજો સર્વે કરાયો. જે લોકો પોતાના ક્ષેત્રમાં આગળ હતા તેને પૂછવામાં આવ્યું કે તમે કયા માર્ગે અહીં સુધી પહોંચ્યા? મોટા ભાગનાએ એવું કહ્યું કે અમે નક્કી કરી રાખ્યું હતું કે અમારે આ જ કરવું છે. આના સિવાય કંઈ કરવું નથી. સફળ થઈએ તો પણ વાંધો નથી અને નિષ્ફળ જઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. માત્ર પગાર મેળવવો નહોતો. એક મુકામ હાંસલ કરવો હતો. અમે ઘણી જગ્યાએ ના પાડી હતી કે ના મારે આ નથી કરવું. હું આના માટે નથી.

 

તમે આજે જે સ્થાને છો એ તમે નક્કી કર્યું હતું? કે તમને તમારું નસીબ ત્યાં ખેંચી લાવ્યું છે? એક યુવાનની આ વાત છે. તેને મ્યુઝિશિયન બનવું હતું. ભણવામાં હોશિયાર હતો, પણ તેનું દિલ તો સંગીત સાથે જ જોડાયેલું હતું. તેનો એક મિત્ર પણ ભણવામાં તેના જેટલો જ હોશિયાર હતો. ફાઇનલ યર વખતે કેમ્પસ ઇન્ટરવ્યૂ થયાં. બંનેએ ઇન્ટરવ્યૂ આપ્યાં. બંને સિલેક્ટ થઈ ગયા. પેલા મિત્રએ કહ્યું કે અરે યાર, આપણે તો લકી છીએ કે પહેલા જ ઝાટકે આપણને નોકરી મળી ગઈ. સંગીતકાર બનવા ઇચ્છતા યુવાને કહ્યું કે મારે આ નોકરી નથી કરવી. હું અાના માટે નથી. સંગીત જ મારા માટે મારી દુનિયા છે. હું તો મ્યુઝિશિયન જ બનીશ. તેણે જોબ સ્વીકારવાની ના પાડી દીધી.

 

વર્ષો વીતી ગયાં. જોબ સ્વીકારી હતી એ માણસ મોટા હોદ્દા સુધી પહોંચી ગયો. એ જે કંપનીમાં જોબ કરતો હતો. તેની એક કોન્ફરન્સ ફાઇવસ્ટાર હોટલમાં હતી. હોટલમાં રાતે પાર્ટી હતી. તેણે જોયું કે પાર્ટીમાં તેનો ફ્રેન્ડ ગિટાર વગાડતો હતો. મિત્ર તેની પાસે ગયો. તારે તો ગ્રેટ મ્યુઝિશિયન બનવું હતુંને? આ શું કરે છે? હોટલમાં સંગીત વગાડે છે? મારી સાથે નોકરી સ્વીકારી હોત તો આજે તું પણ હું છું એ જગ્યાએ હોત! આજે તું જો, તું ક્યાં છે અને હું ક્યાં છું! પેલા મિત્રએ કહ્યું કે તેં એવું કયા આધારે નક્કી કરી લીધું કે હું દુ:ખી કે કમનસીબ છું? હા, કદાચ રૂપિયા તારાથી થોડા કમાતો હોઈશ, પણ હું જે કામ કરું છું એનાથી ખુશ છું. રોજ મ્યુઝિક વગાડું છું. મારી દુનિયામાં મસ્ત રહું છું. હું જે કહું છું એ મારા માટે કરું છું. તું જે કરે છે એ તારા માટે કરે છે? તું તો જે કરે છે એ રૂપિયા માટે કરે છે. તારી પાસે તારા માટે કંઈ કરવાનો સમય જ ક્યાં છે? મહાન ન બની શક્યો તો કંઈ નહીં, હું જ્યાં છું ત્યાં ખુશ છું. હું એટલા પૂરતો તો મહાન છું જ કે હું મારી ઇચ્છા મુજબ અને મારી શરતે જીવ્યો છું.

 

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે જે સ્થાને પહોંચવું હોય એ સ્થાને ન પહોંચીએ અથવા તો એમાં વાર લાગે એને આપણી બદકિસ્મતી ગણી લઈએ છીએ. આપણે એવું વિચારતા નથી કે મને જે ગમે એવું હું કરું છું અને મારી જાત સાથે હું ખુશ છું. તમારે જે કરવું હોય તેનો નિર્ણય લો અને પછી પરિણામ જે આવે એને સ્વીકારો. તમારા નિર્ણયનો અફસોસ ન કરો. તમારા નિર્ણયનો આદર કરો.

 

નસીબ જેવું કંઈ હોય તો પણ એને સાર્થક તો તમારે જ કરવું પડશે. એક યુવાનની આ વાત છે. તેણે ભાગીદારીમાં ધંધો કરવો હતો. જેની સાથે ભાગીદારી કરવી હતી તેની કુંડળી તેણે જોવડાવવી હતી. આ વાતની ખબર પડી ત્યારે તેની પત્નીએ કહ્યું કે, પહેલાં એ નક્કી કર કે તને તારા ઉપર કેટલો ભરોસો છે? પછી એ નક્કી કર કે તને એ માણસ ઉપર કેટલી શ્રદ્ધા છે. કુંડળી જોવડાવ તેનો વાંધો નથી, પણ એ પહેલાં તું એની દાનત અને કરતૂત તારી રીતે જોવડાવી લે. ગ્રહો તો માફિયાને પણ એના ક્ષેત્રમાં ટોપ પર બેસાડે એવા હોઈ શકે, પણ એ આપણા કામનો ન હોય. આખરે તો તારું નસીબ તારા સિવાય બીજું કોઈ ચમકાવી શકવાનું નથી. જે કામ તારે કરવાનું છે એ તારે જ કરવું પડશે.

 

ગામડાના એક સાવ દેશી લાગતા માણસે એક વખત અત્યંત માર્મિક વાત સાવ સાદી રીતે કરી હતી. તેણે કહ્યું કે જો ભાઈ, આપણા પગ દુખતા હોયને તો કોઈ દબાવી આપે તો સારું લાગે. ખંજવાળ આવતી હોયને તો આપણા હાથે ખંજવાળીએ તો જ સારું લાગે. બીજું કોઈ ખંજવાળે તો હાશ થાય જ નહીં અને આપણા હાથે આપણા પગ દબાવીએ તો પણ થાક ઊતરે નહીં. અમુક કામ આપણા સિવાય બીજું કોઈ ન કરી શકે. સફળતાની ખંજવાળ આપણે આપણા હાથે જ સંતોષવી પડે.જે લોકો સફળ થયા છે એણે ક્યારેય નસીબનો આધાર નથી લીધો. હા, ઘણાં લોકો સફળ થયા પછી એવું કહેશે કે સારાં નસીબ અને ઈશ્વરની કૃપા છે, પણ હકીકતે તો એમાં એની મહેનત હોય છે. નિષ્ફળ લોકોને પૂછશો તો એ નસીબને જ દોષ દેશે! તમારાં નસીબ તમે જ ઘડી શકો. આપણે ત્યાં એક માન્યતા છે કે વિધિના લેખ તો છઠ્ઠીના દિવસે જ લખાઈ ગયા હોય છે. વિધિની દેવી તો કદાચ લખીને એવું જ બોલતી હશે કે મેં તો તારા લેખ લખી દીધા, હવે તું મારા લખેલા લેખને સાબિત કરી આપ. આપણે સાબિત ન કરી શકીએ તો વાંક વિધિનો કે વિધિના લેખનો નથી હોતો, મોટાભાગે આપણો જ હોય છે. વિધિના લેખનું સીધું પરિણામ નથી આવતું કે તમે પાસ થયા છો કે ફેલ, એ તો તમે જ્યાં હોવ એ સ્થાન જ બતાવી આપતું હોય છે. તમારી મહેનત પર શ્રદ્ધા રાખો, તમારું નસીબ તો ચમકવા માટે જ સર્જાયું છે.

 

 

છેલ્લો સીન:

જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ ‘માપવું બે વાર, કાપવું એક જ વાર.’

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ઓકટોબર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

Advertisements

રૂપિયાની કદર

સત્ય-વાત, વાર્તા નાયક, શ્રેયાંશના પિતાશ્રી

શ્રી ગોવિંદભાઈ ધોળકીયા.

[સત્યઘટના]

’રૂપિયાની કદર’

‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર છું.’

‘તારું નામ શું ? રહે છે ક્યાં ?’ અબ્દુલચાચાએ એકસાથે બે સવાલ કર્યા

.‘મારું નામ શ્રેયાંશ. ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું.’ અબ્દુલચાચા કંઈ વધુ
પૂછે એ પહેલાં જ શ્રેયાંશે પોતાના વિશે કહેવાનું ચાલુ રાખ્યું : ‘હું ગુજરાતી છું. સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું. મારા પિતા ખેતી કરે છે. બારમા ધોરણની પરીક્ષા આપી છે. ઘરના લોકોની ઈચ્છા મને ભણાવવાની છે. મારે ભણવું નથી. નોકરી કરવી છે. તમે કહેશો એ કામ પૂરા દિલથી કરીશ.’

શ્રેયાંશની વાત અબ્દુલચાચાને ગળે ઊતરી નહીં. આ છોકરો નક્કી કંઈક છુપાવે છે.
અબ્દુલચાચાએ શ્રેયાંશને ઉપરથી છેક નીચે સુધી જોઈને માપવાનો પ્રયાસ કર્યો.
શ્રેયાંશે પહેરેલાં કપડાં તો સામાન્ય હતાં પણ શ્રેયાંશના બૂટે ચાચાની શંકા વધુ મજબૂત કરી. ચાલીસ વર્ષથી બૂટ ચંપલ વેચતા અબ્દુલચાચા કોઈપણ બૂટ-ચંપલ જોઈને માત્ર તેની કિંમત જ નહીં પણ તેના પહેરવાવાળાની સાયકોલોજી પણ જાણી જતા. શ્રેયાંશે પહેરેલા બૂટ રિબોક કંપનીના હતા. એ બૂટની કિંમત ચારેક હજારની તો હશે જ. આ બૂટ પાછા ઈન્ડિયામાં તો મળતા જ નથી ! આ છોકરા પાસે આવા બૂટ ક્યાંથી આવ્યા હશે ?
ક્યાંયથી ચોરી કરી હશે ? – અબ્દુલચાચાના મનમાં આવા સવાલો ઊઠ્યા. ચાચાએ વિચાર્યું કે, ‘ગમે ત્યાંથી છોકરો આવ્યો હોય ! મારે શું ? મને એટલી સમજણ પડે છે કે આવા છોકરાને કામે ન રખાય. કંઈક લફરું નીકળે તો આપણે વેપારી માણસ કારણ વગરના ફસાઈ જઈએ.’ ચાચા શ્રેયાંશને ના પાડે એટલામાં ચાવાળો ચા લઈને આવ્યો. પોતાના કપમાંથી અડધી ચા શ્રેયાંશને આપી. શ્રેયાંશને કહ્યું કે, ‘બેટા, મારી પાસે તારા માટે કોઈ નોકરી નથી. લે ચા પી લે. અને હા, આ આજનું છાપું રાખ, તેમાં વોન્ટેડની ટચૂકડી જાહેરખબરો છપાઈ છે. જોઈ જજે. કદાચ તેમાંથી તને ક્યાંક કામ મળી જાય.’
સવારથી ચા પીધી ન હતી. ચાચા સાથે ચા પીને શ્રેયાંશ દુકાનની બહાર નીકળી ગયો. શ્રેયાંશને સમજાયું નહીં કે તેના બૂટ જ તેની અમીરી અને રઈશીની ચાડી ખાઈ ગયા હતા
.

‘હાલ એય, ઊભો થા…’ હોટલની ડોરમેટરી રૂમમાં સૂતેલા શ્રેયાંશને હચમચાવીને કોઈએ ઉઠાડ્યો. શ્રેયાંશ આંખ ચોળીને ઊભો થયો. પલંગની ફરતે આઠ-દસ લોકો ઊભા હતા. બધાયના ચહેરા ઉપર ગુસ્સો હતો. ‘શું થયું ?’ શ્રેયાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું.‘સાવ ભોળો બનવાની કોશિશ ન કર. બોલ મોબાઈલ ક્યાં સંતાડ્યો છે ?’ એક વ્યક્તિએ સવાલ કર્યો.

‘મોબાઈલ ? કયો મોબાઈલ ? કોનો મોબાઈલ ?’ શ્રેયાંશને કંઈ સમજાતું ન હતું. મવાલી જેવા એક યુવાને નજીક આવી શ્રેયાંશનો કાંઠલો પકડ્યો. તેણે કહ્યું :‘ડોરમેટરીની આ રૂમમાં દસ વ્યક્તિ રહે છે. સવારે ઊઠીને તૈયાર થઈ બધા પોતપોતાનાં કામે ચાલ્યા જાય છે. આજે સૌથી છેલ્લે મહેશ આ રૂમમાંથી ગયો હતો. મહેશ ગયો ત્યારે તેનો મોબાઈલ પલંગ પર ભૂલી ગયો હતો. મહેશ ગયો પછી તારા સિવાય બીજું કોઈ રૂમમાં હતું નહીં.
મોબાઈલ પણ તેં જ લીધો છે. તારી ધોલાઈ થાય એ પહેલાં કહી દે કે મોબાઈલ ક્યાં છે ?

’‘મને મોબાઈલ વિશે કંઈ ખબર નથી. શ્રેયાંશે કહ્યું. શ્રેયાંશની વાતથી કોઈને સંતોષ ન થયો. બીજા એક યુવાને કહ્યું કે, ‘એનો સામાન ચેક કરો.’ એ સાથે જ બાજુમાં ઊભેલા બીજા યુવાને શ્રેયાંશની બેગ લઈને તપાસી. બેગમાં ત્રણેક જોડી કપડાં સિવાય કંઈ ન હતું.‘બેગમાં તો કંઈ નથી.’ તપાસ કરનારે ચુકાદો આપ્યો.

‘એમ ! તો હવે તેનાં ખીસ્સાં તપાસો. એ મોબાઈલ અઢી હજારનો હતો. એણે વેચી માર્યો લાગે છે. જોઈએ તેનાં ખીસ્સામાં કેટલા રૂપિયા છે ?’ બે યુવાનોએ શ્રેયાંશને ઊભો કરી તેના પેન્ટના ખીસ્સામાંથી પાકીટ કાઢવાનો પ્રયત્ન કર્યો. શ્રેયાંશે છટકવાની કોશિશ કરી. બધા લોકોએ શ્રેયાંશને પકડ્યો. આખી હોટલમાં દેકારો થઈ ગયો. હો…હા.. સાંભળી હોટલનો મેનેજર દોડી આવ્યો. ‘શું થયું ’ શ્રેયાંશને છોડાવી વાત જાણવાનો પ્રયાસ કર્યો. એક મોબાઈલ ગુમ થયો છે તેવી ખબર પડી. શ્રેયાંશ પર મોબાઈલચોરીનો આરોપ હતો.હોટલના મેનેજરે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. ‘આ રહ્યો એ મોબાઈલ. રૂમ સાફ કરવાવાળા છોકરાને પલંગ ઉપરથી મળ્યો હતો. એણે આવીને મને સોંપ્યો.’ મને કહ્યું કે ચેક કરીને જેનો મોબાઈલ હોય એને આપી દેજો. હું કંઈ કરું એ પહેલાં જ
તમે આ નિર્દોષ છોકરાને ચોર સમજી લીધો ! ચાલો, હવે વાત પૂરી કરો.’ શ્રેયાંશનો છૂટકારો થયો. જો કે, માથાકૂટ ચાલતી હતી ત્યારે એક માણસે બોલેલા શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા : ‘પતા નહીં કૌન ચોર કી ઔલાદ હૈ !’ શ્રેયાંશની આંખ ભીની થઈ ગઈ. મારા પિતા વિશે આવા શબ્દો ! અરે ! મારો બાપ તો અબજોપતિ છે. લાખો કરોડોનાં દાન કરે છે. હું અઢી હજારના મોબાઈલની ચોરી કરું ? મારી પાસે જે મોબાઈલ હતો એ પચ્ચીસ હજારનો હતો. મારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત થતી ન હતી અને આ લોકો મને ચોર ગણીને મારવા ઊભા થયા હતા. તેમને ખબર નથી કે હું કોનો દીકરો છું ! શ્રેયાંશને ઘડીક તો થયું કે, આ બધાને કહી દઉં કે તમને ખબર નથી કે તમે કોની સાથે વાત કરો છો !… જો કે, શ્રેયાંશ કંઈ કહી શકે તેમ ન હતો. ઘરેથી નીકળ્યો ત્યારે પિતાને વચન આપ્યું હતું કે સાચી વાત કોઈને નહીં કહું. ઓળખ છુપાવવાનું
વચન આજે શ્રેયાંશને બહુ આકરું લાગતું હતું. જિંદગીમાં કોઈ દિવસ કલ્પના પણ નહોતી
કરી કે આવો દિવસ આવશે, જ્યારે મને લોકો ચોર સમજશે !

શ્રેયાંશની સામે તેણે જીવેલી જાહોજલાલી તરી આવી. એ દિવસો અને આજના દિવસમાં કેટલો બધો તફાવત છે ! ‘

વેઈટરની નોકરી છે, કરીશ ?’

‘અરે સાહેબ, તમે કહેશો એ બધું જ કરીશ. મારે બસ કામ જોઈએ છે !’ હોટલના માલિકે કરેલી ઑફર શ્રેયાંશે તરત જ સ્વીકારી લીધી. શ્રેયાંશને ક્યાં ખબર હતી કે આજે તેની આકરી કસોટી થવાની છે. હોટલનો માલિક તેને મેનેજર પાસે મૂકી ગયો. આ છોકરો આજથી તારી નીચે કામ કરશે.

માલિકની વાત સાંભળી મેનેજરે શ્રેયાંશને કહ્યું, ‘આજે તારો પહેલો દિવસ છે. તારે ટેબલ સાફ કરવાનાં. લોકો જમીને જાય એટલે તારે ડિશ ઉપાડી લેવાની.’

શ્રેયાંશે કહ્યું કે ભલે. સાંજ પડતાં જ હોટલમાં ગ્રાહકો આવવા લાગ્યા. એક ટેબલ ખાલી થયું. શ્રેયાંશ ડિશ ઉપાડવા ગયો. ડિશ જોઈને શ્રેયાંશના હાથ ધ્રૂજવા લાગ્યા.
ડિશમાં તો મરઘીનાં હાડકાં અને માછલીનાં હાડપિંજર હતાં. ડિશને અડતાં જ શ્રેયાંશની આંખ બંધ થઈ ગઈ. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ નજર સમક્ષ તરવરી ગઈ.
શ્રેયાંશે મનોમન ભગવાનને કહ્યું : ‘અરે ભગવાન ! આ તું કેવી કસોટી કરે છે? મારે નિર્દોષ જીવનાં હાડકાં ઉપાડવાનાં ? હે ભગવાન, મને માફ કરજે.’ આંખમાં ઊભરેલું આંસુ ગાલને ભીનું કરી જમીન પર ખરી પડ્યું. જાણે લોહીનું ટીપું ગાલને ચીરી નીચે દડી પડ્યું હોય એવી વેદના શ્રેયાંશને થઈ. ચુસ્ત શાકાહારી અને દરરોજ ભગવાનની પૂજા કરીને જ ઘરની બહાર નીકળતા શ્રેયાંશને એવો આભાસ થયો જાણે નિર્દોષ મરઘી અને માછલી તેના હાથમાં તરફડે છે.

.

‘કોને પૂછીને તું ઘરમાં ઘૂસ્યો ?’ ડોરબેલ સાંભળીને ધસી આવેલો છોકરો તાડુક્યો, ‘વોચમેન ! ક્યાં મરી ગયો ?’

શ્રેયાંશે કહ્યું : ‘સર મારી વાત તો સાંભળો. હું તો એનસાયક્લોપીડિયા અને સાયન્સ ફેક્ટ્સની બુક વેચવા આવ્યો છું. માર્કેટમાં આ બે બુકની કિંમત પાંચસો રૂપિયા છે. કંપનીના પ્રમોશન માટે અમે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશું. બહુ ઉપયોગી બુક છે. જરા નજર તો નાંખો !’ છોકરાના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો. તેણે પાછી બૂમ મારી, ‘ વોચમેન !…’ બાથરૂમ ગયેલો વોચમેન નાનાસાહેબની રાડ સાંભળી દોડતો આવ્યો.

‘ક્યાં રખડે છે ? ગમે તેવા લોકો ઘરમાં ઘૂસી જાય છે. તમને રાખ્યા છે શા માટે ? ચાલ આને બહાર કાઢ. આવી ચડે છે બુક વેચવા ! ચોર-લૂંટારા આવી રીતે જ ઘર જોઈ જાય છે !’
નાનાસાહેબનો ચહેરો જોઈ ગભરાઈ ગયેલા વોચમેને શ્રેયાંશને હાથ પકડી બંગલાની બહાર
કાઢ્યો. ધડામ દઈને બંગલાનો ગેઈટ બંધ કરી દીધો. બુક ન વેચાઈ તેનું દુ:ખ ન હતું
પણ એ છોકરાનું વર્તન શ્રેયાંશને ડિસ્ટર્બ કરી ગયું. શ્રેયાંશે દૂર ઊભા રહીને બંગલાનું નિરીક્ષણ કર્યું. બંગલાના પોર્ચમાં મર્સિડિઝ પાર્ક થયેલી હતી. કાર પાછળ ‘મર્સિડિઝ સી-કલાસ’ વાંચીને શ્રેયાંશને હસવું આવી ગયું. શ્રેયાંશથી મનોમન બોલાઈ ગયું, તારી પાસે મર્સિડિઝ સી-કલાસ છે પણ મારી પાસે તો મર્સિડિઝ ઈ-કલાસ છે.
પોતાના બંગલામાં પાર્ક થતી મર્સિડિઝ અને બીજી વિદેશી કાર શ્રેયાંશની નજર સામે તરવરી ઊઠી. આજે એ વૈભવી કારનો કાફલો ન હતો, પગે ચાલીને ઘર ઘર રખડી બુક્સ વેચવાની હતી. શ્રેયાંશના મનમાં વિચારો ચાલતા હતા. જિંદગી પણ કેવા કેવા રંગો બતાવે છે !

.

‘અંકલ, બે દિવસથી શ્રેયાંશનો ફોન નથી આવ્યો.’ સેક્રેટરીના શબ્દો સાંભળી ગોવિંદભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું! ‘શું વાત કરે છે ? શ્રેયાંશને તો કહ્યું હતું કે ગમે તેવી હાલત હોય, રોજ રાતે ફોન કરી જ દેવાનો ! છેલ્લે ક્યારે વાત થઈ હતી?’ ‘બે દિવસ અગાઉ ફોન આવ્યો હતો ત્યારે શ્રેયાંશ હૈદરાબાદની કોઈ હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. એ પછી તેના કંઈ ખબર નથી આવ્યા !’
ગોવિંદભાઈને ફડકો પડ્યો. કોઈ મારા દીકરાનું અપહરણ કરી ગયું હશે ? કોઈને ખબર પડી ગઈ હશે કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કરોડો-અબજોની મિલકતનો માલિક છે. પણ ખબર કેવી રીતે પડે ? અત્યારે તો તેની હાલત સાવ ગરીબ યુવાન જેવી છે. અપહરણ થયું હોય તો પણ ખંડણી માટે કોઈનો ફોન તો આવે ને ? તો પછી શું થયું હશે શ્રેયાંશને ?

એક્સિડન્ટ ? ઓહ નો !…. ગોવિંદભાઈએ શ્રેયાંશની કુશળતા માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરી. ઘડીભર તો એમ પણ થયું કે, મેં મારા દીકરા સાથે આ શું કર્યું ?

ચિંતાના વિચારો પડતા મૂકી ગોવિંદભાઈએ સેક્રેટરીને કહ્યું કે, ‘પહેલી ફલાઈટમાં મારી હૈદરાબાદની ટિકિટ બુક કરાવો. બધી એપોઈન્ટમેન્ટ્સ કેન્સલ ! આઈ હવે ટુ રશ ટુ હૈદરાબાદ !’મુંબઈથી હૈદરાબાદ સુધીની વિમાનની સફર ગોવિંદભાઈ માટે આકરી નીવડી. મનમાં એક જ વિચાર ઘૂમતો હતો કે, એકના એક દીકરા શ્રેયાંશને શું થયું હશે ?
હૈદરાબાદના એરપોર્ટ પર જેટનું પ્લેન લેન્ડ થયું. વિમાનનાં ટાયર જમીનને અડ્યાં ત્યારે વિચાર આવ્યો કે સાવ અજાણી ભૂમિ પર મારા દીકરા સાથે શું થયું હશે ?
શ્રેયાંશ સાથે આવું કરવાની શું જરૂર હતી ? હું કંઈ ખોટું તો નથી કરી બેઠો ને ?….. એરપોર્ટની બહાર નીકળી ટેક્સી પકડી. શ્રેયાંશ જ્યાં રહેતો હતો તે હોટલના સરનામે ટેક્સી લીધી. ડ્રાઈવરને રોકાવાનું કહી બને એટલી ઝડપે હોટલમાં ધસી ગયા.

મેનેજરને પૂછ્યું : ‘શ્રેયાંશ ક્યાં છે ?’ જવાબ મળ્યો, ‘ખબર નથી. બે દિવસથી દેખાયો જ નથી !’ ગોવિંદભાઈ ધ્રૂજી ગયા. કેટલાય અમંગળ વિચારો આવી ગયા. ભગવાનને પ્રાર્થના કરવા સિવાય ગોવિંદભાઈને કંઈ સૂઝતંી નહોતું. એવામાં જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. ‘કોણ ? શ્રેયાંશ ? એ તો બીમાર પડી ગયો છે…’ શ્રેયાંશ સાથે ડોરમેટરી રૂમમાં રહેતા યુવાને કહ્યું અને ઉમેર્યું, ‘દવા લેવા સ્વામી મંદિર જાઉં છું એમ કહીને ગયો હતો, પણ પાછો નથી આવ્યો…’

‘ડ્રાઈવર, ગાડી સ્વામી મંદિર લે લો.’ ગોવિંદભાઈ સીધા સ્વામી મંદિર પહોંચ્યા.
મંદિરે પૂછપરછ કરી તો એક ભક્તે કહ્યું, ‘મારી સાથે ચાલો…’ મંદિરનદવાખાનામાં ગોવિંદભાઈને લઈ જવાયા. એક પલંગ તરફ ઈશારો કરીને કહ્યું કે ‘ત્યાં સૂતો છે. ખૂબ તાવ આવે છે. એ ચાલ્યો જતો હતો. અમે તેને ધરાર રોક્યો. તબિયત વધુ બગડે તેના કરતાં સારવાર પૂરી કરી લે. અમારી વાત માંડ માન્યો.’ ગોવિંદભાઈ ધીમા પગલે પલંગ પાસે ગયા. નજીક બેસી ધાબળો હટાવતાં કહ્યું : ‘શ્રેયાંશ !’

મોઢું ઊંચું કરી શ્રેયાંશે નજર માંડી. ‘પપ્પા ! તમે ?’ ગોવિંદભાઈના ગળે ડૂમો બાઝી ગયો. કંઈ બોલ્યા વગર દીકરાને વળગી પડ્યા. શ્રેયાંશનું શરીર ગરમ હતું, જો કે, તાવની એ ગરમી બાપને હૂંફ જેવી લાગી.

‘બસ દીકરા, બહુ થયું. ચાલ હવે ઘરે.’ ગોવિંદભાઈએ એકીશ્વાસે કહ્યું. પપ્પાનો હાથ છોડાવીને દીકરાએ બાપની નજરમાં નજર પરોવી. ‘ના પપ્પા, એમ હારી કે થાકી જાઉં એવો હું નથી. સામાન્ય તાવ છે, ઊતરી જશે. એક-બે દિવસમાં પાછો ક્યાંક નાની એવી નોકરીએ લાગી જઈશ. મારી ચિંતા ન કરો. આખરે તમારો દીકરો છું. જે આદર્યું છે એ અધૂરું નહીં છોડું. પ્લીઝ, તમે જાવ. મારે જે કરવું છે એ મને કરવા દો.’

‘ફાઈન બેટા, જેવી તારી મરજી. હું જાઉં છું.’ દવાખાનાની બહાર આવીને ટેકસીના ડ્રાઈવરને
કહ્યું કે, ‘ગાડી એરપોર્ટ લે લો.’ હૈદરાબાદથી વિમાને ટેઈક ઑફ કર્યું ત્યારે ગોવિંદભાઈને માત્ર એટલી શાંતિ હતી કે દીકરો ભલે બીમાર છે પણ કોઈ મુશ્કેલીમાં નથી. છતાં મનમાં એક વિચાર આવતો હતો કે, શ્રેયાંશ સાથે મેં આવું શા માટે કર્યું ? શું આવું જરૂરી હતું ? કદાચ હા, એ જરૂરી હતું. હીરાને ચમકાવવા માટે ઘાટ તો આપવો જ પડે ! ચારેય બાજુથી ઘસાય અને છોલાય પછી જ હીરો ઝળહળી ઊઠે છે. મુંબઈની આલીશાન ઑફિસની બારીમાંથી ગોવિંદભાઈએ બહાર જોયું. આખું મુંબઈ શહેર ધબકતું હતું.
આ શહેરનું બ્લ્ડપ્રેશર માપીએ તો કદાચ હાઈ આવે. હોય, ત્યાં બધું હાઈ હોય છે.
ગોવિંદભાઈનો ડાયમંડ બિઝનેસ પણ હાઈ હતો. ટર્નઑવર અબજોનો તો આંકડો આંબી ગયું
હતું.
જોકે, ધંધાને તેમણે ક્યારેય મગજ ઉપર સવાર થવા દીધો ન હતો. ગોવિંદભાઈ વિચારે ચડી ગયા. આમ પણ મારી પાસે હતું શું ? – ગોવિંદભાઈની નજર સામે નાનકડું ગામડું તરી આવ્યું. અમરેલી જિલ્લાના લાઠી પાસેનું દૂધાળા ગામ નકશામાં પણ બિલોરી કાચ લઈને શોધવું પડે. ક્યાં દૂધાળાં અને ક્યાં આ મુંબઈ ! દૂધાળામાં બાપ-દાદાનો ખેતીનો ધંધો. ગોવિંદભાઈને થયું કે ચાલો બહાર જઈને નસીબ અજમાવીએ. સફળ થશું તો બે પાંદડે થશું અને નિષ્ફળ જશું તો બાપ-દાદાની આ ખેતી ક્યાં નથી ? પાછાં આવતા રહીશું. ખુદ ગોવિંદભાઈને પણ ખબર ન હતી કે તેમના નસીબમાં બે પાંદડે નહીં પણ બે-પાંચ ઝાડ થવાનું લખ્યું હતું. દૂધાળાથી સુરત આવ્યા. હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ચાર હજાર રૂપિયા ભેગા થયા. ગોવિંદભાઈને થયું કે હવે પોતાનું કામ શરૂ કરું. પણ હીરાનું કામ આટલા રૂપિયામાં તો ન થાય. સગા ભાઈ જેવા બે ભાગીદારો મળી ગયા.
ભાગીદારીમાં હીરાનો ધંધો શરૂ કર્યો. મહેનતનો પરસેવો નાણાં તાણી લાવ્યો.

.
એકાઉન્ટન્ટે આવીને વિચારોમાં ખલેલ પાડી.

‘સર, આપણું વાર્ષિક ટર્નઑવર એક હજાર કરોડનો આંકડો પાર કરી ગયું છે. હજુ તો કેટલીય નવી ઑફરો પેન્ડિંગ છે. શું કરીશું ?’ કંપનીના ચીફ એકાઉન્ટન્ટે કહ્યું.

મને વિચારવા દો.’ ગોવિંદભાઈએ શાંત ચિત્તે જવાબ આપ્યો. ડાયમંડ ફેક્ટરીની બહાર
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના બોર્ડની ફરતે લાઈટ્સ ચમકતી હતી. આ લાઈટની જગ્યાએ હીરા લગાડી શકવાની ત્રેવડ હતી. ગોવિંદભાઈને એક જ વિચાર આવતો હતો કે મારી ભાવિ પેઢીનું શું ? મને મારા સંતાનને વારસામાં માત્ર અબજો રૂપિયા અને ડાયમંડનો આ ધીકતો ધંધો જ નથી આપવો. સંસ્કારની મૂડી ન હોય તો કોઈ દોલત કામ આવતી નથી.

ગોવિંદભાઈને એક સંતની વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે સંતતિ અને સંપત્તિ માટે પ્રયત્નો કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર બધું જ મળી રહે છે. એ દિવસથી ગોવિંદભાઈએ મન, વચન કે કર્મથી કોઈનું બૂરું નહોતું કર્યું.
અરે બૂરું કરનારાઓનું પણ ભલું કર્યું. પિતા લાલજીભાઈ અને માતા સંતોકબહેને પણ એવું જ શીખવ્યું હતું કે રૂપિયાની લાલચ ન રાખવી. કોઈનું બૂરું કરીને કદાચ રૂપિયા મળશે પણ સુખ જતું રહેશે. લગ્ન બાદ પત્ની ચંપાબહેનના વિચારો પણ આવા જ જોવા મળ્યા. બાળકોમાં મોડું થયું. સંતાનો થતાં ન હતાં. ચંપાબહેન ભણેલાં ન હતાં પણ ઘણુંબધું ગણેલાં હતાં. તેમણે કહ્યું, ભગવાન જ્યારે જે આપવાનું હોય છે ત્યારે જ આપે છે. લગ્નનાં 8 વર્ષ પછી દીકરી મીનાક્ષીનો જન્મ થયો. બીજાં પાંચ વર્ષ પછી બીજી દીકરી શ્વેતા અવતરી. લગ્નનાં સત્તર વર્ષે દીકરો જન્મયો. શ્રેયાંશ નામના બે જૈન મિત્રો ગોવિંદભાઈને યાદ આવ્યા. શ્રેયાંશ એટલે ઉમદા માણસ – મારો દીકરો પણ
એના જેવો થાય તો કેવું સારું ! એ વિચારી ગોવિંદભાઈએ દીકરાનું નામ પાડ્યું, શ્રેયાંશ.

શ્રેયાંશના ઉછેરમાં કોઈ કમી ન રાખી. શ્રેયાંશ પણ કુળનું નામ રોશન કરે તેવો હતો. છતાં ગોવિંદભાઈને થતું હતું કે, મારે જિંદગીમાં એવા પાઠ શ્રેયાંશને પઢાવવા છે જે દુનિયાની કોઈ પાઠશાળા ન શીખવી શકે. ગરીબી કોને કહેવાય એ શ્રેયાંશને ખબર ન હતી. છતાં પિતા વિંદભાઈને વિચાર આવતા કે રૂપિયાની ઝાકમઝોળમાં પુત્ર શ્રેયાંશ ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસે. અમીરી કરતાં માણસાઈ વધુ મહત્વની છે. રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ….. શું કરવું ?… એના સતત વિચારો આવતા હતા. તેમાં એક દિવસ ગોવિંદભાઈને એક આઈડિયા સૂઝયો. દીકરા શ્રેયાંશને બોલાવીને કહ્યું કે ‘સામાન્ય માણસનું જીવન નજીકથી જોવા જેવું હોય છે. અમે તો એ જીવન જીવ્યા છીએ, પણ તારે એ જીવન જોવા અને શીખવા માટે એક નાનકડી પરીક્ષા આપવી પડશે… દોઢ મહિનો અજાણ્યા શહેરમાં જઈ ગમે તે કામ કરવાનું. જિંદગીમાં આ દોઢ
મહિનામાં ઘણું શીખવાનું મળશે. ક્યાંય સાચી ઓળખ નહીં આપવાની. ક્યાંય નામ નહીં વટાવવાનું. સાવ અજાણ્યા બનીને જીવવાનું.’ શ્રેયાંશ પિતાનો ઈશારો સમજી ગયો. પિતાનો આદેશ માથે ચઢાવીને કહ્યું કે હું તૈયાર છું. મને ગર્વ છે કે મારા પિતા મારા માટે આટલું બધું વિચારે છે.’ ‘ક્યાં જઈશ ?’ પિતાએ સવાલ કર્યો.
શ્રેયાંશે કહ્યું : ‘એવા અજાણ્યા શહેરમાં, જ્યાં અગાઉ કોઈ દિવસ પગ નથી મૂક્યો, હૈદરાબાદ.’ સુરતથી ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટ લઈ કોમન ડબામાં બેસીને હૈદરાબાદ જવા રવાના થયો. ક્યાં પિતાએ લઈ આપેલી એક કરોડની ઈમ્પોર્ટેડ આઉડી કાર અને ક્યાં આ ટ્રેનનો કોમન ડબ્બો. બેસવાની પણ જગ્યા ન હતી. ટોઈલેટના દરવાજા પાસે નીચે બેસી ગયો. બાથરૂમ આવતાં-જતાં લોકો ઊભા થવાનો આદેશ કરતા હતા. શ્રેયાંશને થયું. આ તો હજુ શરૂઆત છે, હજુ તો દોઢ મહિનો કાઢવાનો છે. ભલે ગમે તેવી મુશ્કેલી પડે પણ મારી પરીક્ષામાંથી પાછો નહીં પડું.અઢાર વર્ષનો દીકરો શ્રેયાંશ એકલો હૈદરાબાદમાં શું કરતો હશે ? એવી ચિંતા પિતાને થતી હતી. માતા ચંપાબેહેનને તો ખબર જ પડવા નહોતી દીધી કે દીકરો અજાણી ભૂમિમાં જિંદગીના પાઠ શીખવા ગયો છે. માતાને તો એવું કહ્યું હતું કે, દીકરો હિમાલય પર્વત પર ટ્રેકિંગ માટે ગયો છે. પિતા સમજતા હતા કે એ કોઈ પર્વત પર નહીં પણ જિંદગીના પડાવો પર ટ્રેકિંગ કરવા ગયો છે. શ્રેયાંશ ગયો તેને એક મહિનો થવા આવ્યો હતો. પિતાને થયું કે, બસ. હવે વધારે પરીક્ષાની જરૂર નથી.
હવે મારો દીકરો સુરત, મુંબઈ અને એન્ટવર્પની ઑફિસ સંભાળી શકે તેવો થઈ ગયો છે. એ રાતે જ ગોવિંદભાઈ મુંબઈથી હૈદરાબાદ પહોંચ્યા. શ્રેયાંશ જે બુટિક શૉપમાં કામ કરતો હતો ત્યાં ટેક્સી લેવડાવી. દુકાનની સામે ટેક્સી ઊભી રહી. ગોવિંદભાઈએ દુકાન સામે જોયું. દીકરો શ્રેયાંશ હાથમાં સાવરણી લઈને દુકાનના પ્રવેશદ્વાર નજીક વાળતો હતો. શ્રેયાંશ પાસે જઈ ગોવિંદભાઈએ દીકરાને ગળે વળગાડી દીધો… ‘બસ બેટા ! તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો… ચાલ હવે ઘરે….’ થડે બેઠેલાં દુકાનના માલિકને સમજાયું નહીં કે કારમાંથી ઊતરેલો કરોડપતિ જેવો દેખાતો આ માણસ શા માટે તેના ચપરાશીને વળગી ગયો હતો ! ગોવિંદભાઈ જ્યારે તેને સાચી વાત કરી ત્યારે તેણે
ગોવિંદભાઈને વંદન કર્યાં. એણે કહ્યું : ‘ધીસ ઈઝ ધ ટ્રુ લેસન્સ ઑફ લાઈફ. આ જ જિંદગીનું સાચું ભણતર છે.’ હૈદરાબાદથી ઊપડેલું વિમાન જ્યારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે મહિના અગાઉનો શ્રેયાંશ સાવ જુદો હતો. જિંદગીનું કેટલું બધું ભાથું આ એક મહિનામાં ભેગું થઈ ગયું હતું !પિતાની નજરમાં નજર પરોવીને શ્રેયાંશે પિતાને કહ્યું કે : ‘આઈ એમ પ્રાઉડ ઑફ યુ ડેડ.’ પિતાએ કહ્યું : ‘મી ટુ બેટા ! રિયલી પ્રાઉડ ઑફ યુ….’

(સત્યઘટના)

આ એક હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાર્તા છે. મુંબઈ અને સુરતમાં રહેણાંક ધરાવતાં અબજોપતિ ઉદ્યોગપતિ 58 વર્ષીય ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઉર્ફે ગોવિંદ ભગત વર્ષે એક હજાર કરોડનું ટર્ન ઓવર કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના માલિક છે.
ગોવિંદભાઈની ડાયમંડ ફેક્ટરીઓમાં પાંચ હજારથી વધુ લોકો કામ કરે છે.
વાસ્તવિકતાનું ભાન, રૂપિયાની કદર અને માણસાઈની સમજ મળે એટલા માટે ગોવિંદભાઈએ
તેના પુત્ર શ્રેયાંશને ખાલી ખિસ્સે એક મહિના માટે અજાણ્યા શહેરમાં નસીબ અજમાવવા
મોકલ્યો હતો. ગોવિંદભાઈની ઈચ્છા હતી કે તેનો પુત્ર અબજોનો ડાયમંડ ઉદ્યોગ સંભાળે એ પહેલાં તેને જિંદગીની સાચી સમજ મળે. ગોવિંદભાઈએ માત્ર પોતાના પુત્ર શ્રેયાંશને જ નહીં પરંતુ પોતાના પરિવારનાં અન્ય ચાર સંતાનો અક્ષય અરજણભાઈ ધોળકિયા, મિતેષ મનજીભાઈ ભાતિયા, નીરવ દિનેશભાઈ નારોલા અને બ્રિજેશ વિજયભાઈ નારોલાને પણ આ જ રીતે અજાણી જગ્યાએ ઓળખ છુપાવી અનુભવો મેળવવા મોકલ્યા હતા.

શ્રેયાંશ હૈદરાબાદ, અક્ષય બેંગ્લોર, નીરવ જયપુર, બ્રિજેશ ઈંદોર અને મિતેષ ચંદીગઢ ખાતે એક મહિનો કામ કરવા ગયા. આ વાર્તા આ પાંચેય યુવાનોના અનુભવનો નિચોડ છે. ઘરેથી રવાના થયા ત્યારે તેમને ખર્ચ પેટે સાત હજાર અપાયા હતા. જરૂર પડે તો જ તેમાંથી ખર્ચ કરવાનો. અલબત્ત, કોઈ ઈમરજન્સી ઊભી થાય અને રૂપિયાની જરૂર પડે તો કામ લાગે એ માટે મોટાં બેલેન્સવાળાં ક્રેડિટ કાર્ડ પણ અપાયાં હતાં. આ પાંચેયમાંથી એકેય યુવાને આ ક્રેડિટ કાર્ડ તો વાપર્યું જ નહોતું. સાત હજારમાંથી પણ ઘણા રૂપિયા બચાવ્યા હતા. આ પાંચેય યુવાનો માટે એવી પણ શરત હતી કે કોઈ જગ્યાએ એક અઠવાડિયાથી વધુ કામ નહીં કરવાનું. તમામે રોજ રાતે પોતાના અનુભવો ડાયરીમાં લખવાના. આ પાંચેય યુવાનો આવા અનોખા પ્રયોગ માટે ગયા છે તેના વિશે ગોવિંદભાઈ સહિત ઘરના ચાર વડીલો સિવાય કોઈને ખબર નહોતી. પરિવારમાં બધાને એવું જ કહેવાયું હતું કે છોકરાંવ ફરવા ગયા છે. એક મહિનામાં આ પાંચેય યુવાનોને ઘણા સારા-નરસા
અનુભવો થયા. તેમાંથી થોડાક કિસ્સાઓ આ વાર્તામાં ટાંક્યા છે. પાંચેય યુવાનો કરોડપતિનાં સંતાનો હતાં. તેમને કંઈ થઈ જાય તો ? કોઈ અપહરણ કરી જાય તો ? પાંચેય ક્ષેમકુશળ છે તે જાણવા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે રોજ રાત્રે મુંબઈમાં એક કઝિનને પાંચેય ફોન કરશે અને આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ આપશે. રોજ એક ફોન સિવાય પરિવારના કોઈ જ વ્યક્તિનો સંપર્ક કરવાની મનાઈ હતી. પાંચેયના મોબાઈલ પણ લઈ લેવાયા હતા. રોજ એસ.ટી.ડી બૂથ પરથી એક ફોન કરીને સમાચાર આપી દેવાના. ગોવિંદભાઈ કહે છે કે પાંચેયમાંથી કોઈએ એક શરતનો પણ ભંગ કર્યો નહોતો. ઊલટું બધા મહિને દહાડે ચાર-પાંચ હજાર કમાઈને લાવ્યા હતા. આ પાંચેય યુવાનોએ જ્યાં જ્યાં કામ કર્યું હતું ત્યાં જઈને પરિવારજનોએ તેમનો આભાર માન્યો. તમામને સાચી વાત કરી.
ગોવિંદભાઈ કહે છે કે અમારી વાત સાંભળી લગભગ તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.
ધોળકિયા પરિવારે એ તમામને પાંચથી માંડીને પચાસ હજાર સુધીની કિંમતની ગિફ્ટ પણ આપી હતી. હૈદરાબાદમાં શ્રેયાંશ ઈન્દુબહેન નામની એક મહિલાના ઘરે રહીને જમતો હતો.
ઈન્દુબહેને શ્રેયાંશનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. 35 હજારની હીરાની બુટ્ટી જ્યારે ઈન્દુબહેનને ભેટ આપી ત્યારે તેઓ ગદગદિત થઈ ગયાં હતાં. ઈન્દુબહેન સાથે અત્યારે ધોળકિયા પરિવારને પારિવારિક સંબંધો છે. ઈન્દુબહેનનો પુત્ર અત્યારે ગોવિંદભાઈની મુંબઈમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં જોબ કરે છે.

શ્રેયાંશ કહે છે કે આ એક મહિનામાં અમને એવું શીખવા મળ્યું કે સંજોગો અને પરિસ્થિતિ ગમે તેવી હોય, હિંમત હારવી નહીં. માણસની સાથે માણસની જેમ પેશ આવવું ભલે સામેનો માણસ અમીર હોય કે ગરીબ. પણ આ એક મહિનામાં જે લેસન શીખવા મળ્યાં તે મારા કોઈ પુસ્તકમાં નથી.
હું નસીબદાર છું કે મને આવા પિતા અને પરિવારજનો મળ્યા. અને હા, હું ખાતરી આપું છું કે ભવિષ્યમાં મારા સંતાનોને પણ આવી જ રીતે કામ કરવા મોકલીશ. ઈટ્સ અ ગ્રેટ ટ્રેનિંગ. મારું ચાલે તો એમ.બી.એ.ના અભ્યાસમાં આવી પ્રેક્ટિકલ રિયાલિટીનું એક સેમેસ્ટર ઉમેરી દઉં. માણસાઈ જ જિંદગીમાં મહત્વની છે, સંપત્તિ નહીં. માણસાઈના પાઠ તો જિંદગીના અનુભવોમાંથી જ મળે. એ મહિનો અમારી જિંદગીનો એક એવો હિસ્સો છે જેને અમે આખી જિંદગી જતનપૂર્વક જીવીશું.

——- ®——-

દેશભક્તિની વ્યાખ્યા

Mumbai Samachar

યુદ્ધ વગર પાકિસ્તાનને નમાવવું હોય તો…

(જન્મભૂમિ પ્રવાસી 25-9-2016)
ભારતને આજે સમુદ્રગુપ્તની નહીં, ચાણક્યની જરૂર છે

-વીરેન્દ્ર પારેખ

પાકિસ્તાનની સાન કેમ ઠેકાણે લાવવી? ભારતના શાસકો, સેનાપતિઓ અને નાગરિકોને આ સવાલ દાયકાઓથી પજવે છે. પાકિસ્તાનના પ્રત્યેક લોહિયાળ ઉંબાડિયા સાથે તે વધુને વધુ અણિયાળો બનતો જાય છે– ગુરુદાસપુર, ઉધમપુર, પમ્પોર, પઠાણકોટ અને હવે ઉરી. તે ઉપરાંત અફઘાનિસ્તાનમાં હેરાત, મઝારે શરીફ અને જલાલાબાદ. આ યાદી મોદી સરકાર સત્તાનશીન થયા પછીની છે.
આજ સુધી ભારતે વાતોનાં વડાં સિવાય કશું કર્યું નથી. પાકિસ્તાનનાં “કાયર” “નાપાક” કૃત્યોની “કડક ટીકા” કરીને “ભારતની ધીરજનો અંત આવી ગયો” હોવાનું કહીને “આકરાં પગલાં”ની “સ્પષ્ટ ચેતવણીઓ” એટલી બધી વાર અપાઈ ચૂકી છે કે આ શબ્દો હવે મજાક બનીને રહી ગયા છે. ભારતના નેતાઓ પાકિસ્તાનને આતંકવાદીઓ સામે પગલાં લેવાનું કહે અને તે માટે અમેરિકાનું દબાણ લાવે ત્યારે તેઓ માત્ર ભોળા નહીં, ભોટ દેખાય છે. પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ છે: જે આતંકવાદીઓ પાકિસ્તાન સરકાર સામે હથિયાર ઉઠાવશે તેની સામે તે ફોજ ઉતારશે; જે આતંકવાદીઓ ભારતને સતાવે છે તેને તે મૂલ્યવાન અસ્ક્યામત ગણે છે. દુનિયાને, ખાસ કરીને અમેરિકાને દેખાડવા તેની સામે પગલાં લેવાનો તે દેખાવ કરશે, પણ અંદરખાનેથી સૌ મળેલા છે. જો આનાથી આગળનું આપણે વિચારી ન શકીએ તો ઉરીની ઘટના આખરી નહીં હોય.
મોદી સરકારે પાકિસ્તાનને જગતના મંચ પર અટૂલું પાડી દેવાનો ઈરાદો જાહેર કર્યો છે. અમેરિકા અને ચીન એવું કદી થવા નહીં દે. અમેરિકાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો ખપ છે. ચીન માટે પાકિસ્તાન ભારતને અસ્વસ્થ રાખવાનું કાયમી સાધન છે. તે બન્ને દેશો પાસેથી ડોલરો અને બંદૂકો મળ્યા કરે ત્યાં સુધી પાકિસ્તાનને કોઈની પરવા નથી. ઉરીમાં શહીદ થયેલા જવાનોની ચેહ ઠરી નથી ત્યાં રશિયાએ પાકિસ્તાન સાથે સંયુક્ત લશ્કરી કવાયત યોજી છે.
નરેન્દ્ર મોદીની શ્રદ્ધેયતા દાવ પર લાગી છે. મોદીએ વચન આપ્યું છે કે ઉરીના હુમલાના સૂત્રધારોને સજા કરશે. આવાં વચનો તે પોતે અને તેમના પુરોગામીઓ પણ અનેક વાર આપી ચૂક્યા છે. હવે શાસકોની તો શી ખબર, પણ પ્રજાની ધીરજ ખૂટી ગઈ છે. મોદી તેમના પુરોગામીઓ કરતા અલગ માટીના બનેલા છે એ વિશ્વાસ પર પ્રજાએ તેમને ખોબલેખોબલે મત આપ્યા છે. પાકિસ્તાન સામે નક્કર પ્રતીતિકર પગલાં નહીં લેવાય તો ફોજમાં બેદિલી ફેલાશે અને પ્રજાનો વિશ્વાસ તૂટી જશે.
આ લડાઈ ભારતની છે અને તે આપણે જાતે જ લડવી પડશે. બીજા દેશો મદદ કરશે તો પણ તે તેમના પોતાના સ્વાર્થ પૂરતી જ હશે. ભારત બીજા દેશોને આગ્રહ કરે છે કે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરો અને તેના પર પ્રતિબંધો લાદો. પણ ભારત પોતે કેમ એવું નથી કરતું? મોદી સરકારે વિનાવિલંબે પાકિસ્તાનને આતંવાદી દેશ જાહેર કરીને તેની સાથેના રાજદ્વારી સંબંધોનો અંત આણવો જોઈએ. પાકિસ્તાનના એલચીને પાછા મોકલી દો, આપણા એલચીને બોલાવી લો, તેની સાથેનો વેપાર બંધ કરો, બોર્ડર સીલ કરો, ભારતની મહેમાનગતિ માણતા પાકિસ્તાની કલાકારોને દરવાજો બતાવો, તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકો અને ભારતની ટીવી ચેનલો પર પાકિસ્તાની પત્રકારો અને બૌધ્ધિકોને પ્લેટફોર્મ આપવાનું બંધ કરો. તો દુનિયા ભારતની ફરિયાદને ગંભીરતાથી લેશે. પ્રજાને પણ લાગશે કે કઈંક તો થયું. સંબંધો તોડવાથી ભારતને પણ કેટલુંક નુકશાન થઇ શકે, પણ ખુવારી વગરનું યુદ્ધ કેવું?
કોઈ પણ યુદ્ધ પહેલા મનમાં લડાય છે, પછી ભૂમિ પર. મનની લડાઈમાં જે હાર કબૂલી લે તે ભૂમિ પરની લડાઈમાં ભાગ્યે જ જીતી શકે. કમનસીબે આજ સુધી ભારતના નેતાઓ એવી રીતે વર્ત્યા છે કે જાણે તેઓ મનથી હારી ચૂક્યા હોય. પાકિસ્તાન ભારતને સતાવવાના નવાંનવાં સાધનો અને તરીકાઓ શોધતું રહે છે; ભારતના નેતાઓ તેના પ્રત્યે કૂણા, ઢીલાપોચા થવાના બહાનાં શોધી કાઢે છે. આપણે આપણા પાડોશીઓ બદલી શકીએ નહિ, તેઓ કહે છે. આ વિચાર પાકિસ્તાનને કેમ નથી આવતો એવું તેઓ કદી વિચારતા નથી. પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે, તેની સાથે યુદ્ધે ચડવું એટલે સર્વનાશ નોતરવો, તેઓ કહે છે. પરંતુ બોમ્બ તો ભારત પાસે પણ છે, અને અણુયુદ્ધથી પાકિસ્તાને વધારે ડરવા જેવું છે. ભારતને એક-બે શહેરો ગુમાવવા પડે, પણ પાકિસ્તાન તો નકશા પરથી ભૂંસાઈ જાય.
ભારત સામેની એક મુશ્કેલી વાસ્તવિક છે: પાકિસ્તાન સામેનું નાનું સરખું પગલું પણ મોટા યુદ્ધમાં પરિણમી શકે. નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સચોટ આક્રમણ કરવાની હિમાયત જોરશોરથી થાય છે, પણ એક વાર તાપણું સળગાવ્યા પછી તેની આગને ફેલાતી રોકવી આપણા હાથમાં ન પણ રહે. એક મોરચે માર ખાધેલું પાકિસ્તાન નવો મોરચો ખોલ્યા વગર ન રહે. આખર સુધી લડી લેવાની તૈયારી વગર યુદ્ધમાં ઝંપલાવવાથી નામોશી સિવાય કઈં ન મળે.
આ વાસ્તવિકતાનો લાભ લઈને ભારતમાં રહેલી પાકિસ્તાનતરફી મજબૂત લોબી દ્વારા એવી છાપ ઉભી કરાય છે કે યુદ્ધ થઇ શકે એમ નથી એટલે કોઈ પણ ભોગે પાકિસ્તાન સાથે શાંતિ જાળવવા, અને સંયમ તથા સમજાવટથી કામ લેવા સિવાય કોઈ રસ્તો જ નથી. વાસ્તવમાં યુદ્ધ સિવાય પણ એવા ઘણા ઉપાય છે જેનાથી પાકિસ્તાનને નમાવી શકાય, પાયમાલ કરી શકાય અને સારી રીતે વર્તવાની ફરજ પાડી શકાય.
વિચારો: પાકિસ્તાન આપણાથી ક્યાંય નાનો, નબળો, વધુ ગરીબ અને વધુ ફાટફૂટભરેલો દેશ હોવા છતાં, ભારતના અણુબોમ્બ અને લશ્કરી સરસાઈને ચાતરી જઈને તેને હેરાનપરેશાન કઈ રીતે કરી શકે છે? જવાબ: એવું છૂપું યુદ્ધ જેમાં ખર્ચ ઓછો હોય, ઉગ્રતા ઓછી હોય અને જેમાં એ પોતાની સંડોવણીનો સફળતાપૂર્વક ઇનકાર કરી શકે.
ભારત તેની સાથે એવું કેમ ન કરી શકે? પાકિસ્તાનને ઓછા ખર્ચે, મોટી બબાલ કર્યા વગર, ભારતનું નામ ક્યાંય આવે નહિ એ રીતે ફટકારવું હોય, બરબાદ કરવું હોય કે લોહીલુહાણ કરવું હોય તો શું કરવું?
આ સવાલ પૂછો એટલે તેના જવાબો આપોઆપ મળવા લાગશે. એક, સરહદ પરનાં છમકલાં વધુ કાતિલ બનાવી શકાય। ઇસ્લામાબાદ કાશ્મીરની અંકુશરેખાથી માત્ર 65 કિ.મી. દૂર છે. આપણી લાંબા અંતરની તોપો રાવલપીંડીના ઉપનગરો સુધી તોપગોળા ફેંકી શકે તેમ છે. જેલમ નદી પરનો મંગલા બંધ જેમાંથી અડધા પાકિસ્તાનને વીજળી મળે છે તે પણ ભારતની તોપોની રેન્જમાં આવે છે. આ બધાને નિશાન બનાવાય તો ખુલ્લું યુદ્ધ કર્યા વગર પણ પાકિસ્તાનને નુકશાન કરી શકાય.
બીજું, પાકિસ્તાન, બંગલાદેશ અને અન્ય દેશોમાં છૂપી કાર્યવાહી કરીને ભારતના જાણીતા શત્રુઓને ઉડાડવા માંડો. ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં મળીને આશરે બસો નમૂનાઓ એવા છે જે જાતજાતનાં પાટિયાં લગાવીને ભારતવિરોધી કામો કરતા રહે છે. તેમના ઠામઠેકાણાં આપણી જાસૂસી સંસ્થાઓ પાસે પડેલાં છે. ભારતના સંરક્ષણ બજેટના (રૂ. 250,000 કરોડના) બે ટકા આ ભારતશત્રુઓને ટૂંકા ગાળામાં સ્વધામ પહોંચાડવા માટે વાપરો. તેમનાં નામોની યાદીમાં થોડે થોડે સમયે સુધારા અને વધારા કરતા રહો. આ જ પ્રકારની કાર્યવાહી ભારતની અંદર પણ કરવી। અહીં પણ ખુલ્લા અલગતાવાદીઓ અને પાકિસ્તાનપરસ્તોની કોઈ કમી નથી. ભારતને નિર્બળ અને આસાન શિકાર સમજનારાઓની છાતી બીકથી ફાટી પડે એવી હવા ઉભી કરો.
ત્રીજું, ભારતે પાકિસ્તાનમાં મોટે પાયે નકલી નોટો ઘુસાડવાનું શરુ કરવું જોઈએ.પાકિસ્તાનનું ચલણ છાપવા માટેના કાગળ, શાહી અને ડીઝાઇન કોણ પૂરા પડે છે તે જાણવું અઘરું નથી.
સૌથી કાતિલ હથિયાર છે પાણી. પાકિસ્તાનને જે છ નદીઓમાંથી પાણી મળે છે તે છ એ છ નદી–રાવી, જેલમ, ચિનાબ, બિયાસ, સતલજ અને સિંધુ– ભારતમાંથી નીકળીને પાકિસ્તાનમાં વહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેન્કે 1960માં કરાવેલા સિંધુ જળ કરાર અન્વયે એમાંની ત્રણ નદીઓ–સિંધુ, જેલમ અને ચિનાબ–ના પાણીના ઉપયોગ પર પાકિસ્તાન પ્રથમ હક્ક ધરાવે છે. પંડિત જવાહરલાલ નેહરુએ અયુબ ખાન સાથે કરેલા સિંધુ જળ કરાર દુનિયાનો સૌથી એકપક્ષી અને અન્યાયી કરાર છે. તેને કારણે ભારત તેનાં પોતાના જ રાજ્યમાંથી ઉદભવતી નદીઓનાં પાણી વાપરી શકતું નથી. સિંધુ સહિત છ નદીઓના સમૂહનું માત્ર 19.48 ટકા પાણી ભારતને મળે છે. આ નદીઓના પાણી ભારત પોતાના ભણી વાળી લે તો પાકિસ્તાનની ખેતીવાડી અને અર્થતંત્ર પાયમાલ થઇ જાય. 1948માં ભારતે બે નહેરોમાંથી સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું રોક્યું ત્યારે ત્યાં 17 લાખ એકર જમીનમાં પાક નિષ્ફ્ળ ગયો હતો.
ભારતે સિંધુ જળ કરાર રદ કરવાનો નિર્દેશ આપ્યો તેવો જ પાકિસ્તાનમાં અને તેનાં ભારતમાંના મિત્રોમાં ફફડાટ ફેલાયો છે. કહેવાતા સંરક્ષણ નિષ્ણાતો અને રાજદૂતો ભારતે આવું “અંતિમ પગલું” શા માટે ન લેવું જોઈએ તેની દલીલો કરી રહ્યા છે. આનો અર્થ એ કે તીર નિશાન પર લાગ્યું છે.
ભારતે સિંધુ જળ કરાર એકપક્ષી રીતે ફોક કરીને તેના પાણીનો યથેચ્છ ઉપયોગ કરવાનો ઈરાદો જાહેર કરવો જોઈએ. પાકિસ્તાને ભારતનું સાથેની કોઈ સંધિ, સમજૂતી કે કરારનું પાલન કર્યું નથી. કરારનું પાલન મિત્ર દેશો વચ્ચે હોય, દુશ્મન સાથે વફાદારી કેવી? પાકિસ્તાને પોતાની દુશ્મનાવટ કદી છુપાવી નથી.
પાકિસ્તાન અકળાય, ગુસ્સો કરે અને યુદ્ધની ધમકી આપે ત્યારે ભારતે એને કહેવું કે ભાઈ, અણુશસ્ત્રો ધરાવતા દેશ સામે યુદ્ધે ચડવાનો વિચાર પણ ન કરાય. અમેરિકા અને અન્ય દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે ખુલ્લું યુદ્ધ અટકાવવા બધું કરી છૂટશે તે હકીકત આપણા લાભમાં કેમ ન વાળી શકાય? અને આમે ય પાકિસ્તાનનો વાંસો ઉઘાડો છે. તેના શાસકો ભારત પર હુમલો કરવાની હુજ્જત કરે અને બલુચિસ્તાન લાગ જોઈને પોતાને આઝાદ જાહેર કરી દે તો પાકિસ્તાન વિખેરાવાની શરૂઆત થઇ જાય.
નદીઓનાં પાણી વાળવાં એ મુશ્કેલ અને સમય માગી લેતું કામ છે. પણ આ વિચાર તમને કેવો લાગે છે? આ નદીઓ જે સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે ત્યાંથી થોડે ઉપરવાસમાં તેમાં ટનબંધ રાસાયણિક કચરો પાકિસ્તાનની નદીઓમાં ઠલવાય તો તેની ખેતી ઉજ્જડ થઇ જાય. અને, પાકિસ્તાનની નદીઓનાંપ્રદૂષણ માટે ભારતને કોણ જવાબદાર ઠેરવી શકે? શું પુરાવો છે? પાકિસ્તાને કદી ભારતનો પુરાવો કબૂલ રાખ્યો છે?
આમ જુઓ તો આ ઉપાયો નવા કે મૌલિક નથી. ઘણા વ્યૂહનિષ્ણાતોએ અલગઅલગ રીતે આવાં સૂચનો કર્યાં છે. ભારતીય સૈન્ય અને જાસૂસી સંસ્થાઓ પાસે આવા બીજા ઘણા વિકલ્પો હશે જ જે દેખીતાં કારણોસર જાહેરમાં ચર્ચી ન શકાય.
લુચ્ચાઈ, ખંધાઈ, ઠંડી ક્રૂરતા, કાતિલ સિફત, મીંઢું મૌન અને પોલાદી જીદ–પાકિસ્તાન સાથે કામ લેવાનાં આ ઓજારો છે. ત્યાગ, બલિદાન, વીરત્વ અને જાનફેસાનીની જરૂર પડશે જ, પણ તે પ્રથમ વિકલ્પ નથી. પાકિસ્તાન સામે આજે

ભારતને સમુદ્રગુપ્તની નહીં, ચાણક્યની જરૂર છે.

જોઈએ છે

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

સંપાદિત

૭ દાયકામાં ભારતની ૭ સૌથી મોટી સિદ્ધિઓ.

ભારતની આઝાદીનું ૭૦મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ઉજવણીનો અને ઈન્ટ્રો સ્પેક્શનો અવસર છે. વ્યક્તિની જેમ દેશના પણ ચડાવઉતરાવ હોવાના, ભૂલો હોવાની, સુવર્ણપળો હોવાની. છેલ્લા ૭ દાયકામાં ભારતની ૭ સૌથી મોટી સિદ્ધિઓ..

૧. મજબૂત લોકતંત્રઃ

લોકશાહી ભારતની પ્રજાની લોહીમાં ભળી ગઈ છે. આ સાત દાયકા દરમ્યાન દેશમાં જ રહેલા દેશના દુશ્મનોએ ભારતની લોકશાહીને ઉથલાવી પાડવાના વારંવાર પ્રયત્નો કર્યા. આ દુશ્મનોને તમે ભાગલાવાદી તરીકે ઓળખો કે પછી સામ્યવાદી, માર્કસવાદી કે સેક્યુલરવાદી તરીકેની એમની ઓળખ હોય, કોઈ ફરક પડતો નથી. છેવટે તો માત્ર લેબલ જુદાં છે, અંદરનો એમનો માલ રાષ્ટ્રદ્રોહીનો જ હોય છે. ભારતની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવીને લશ્કરી બળવો કરવાના અત્યાર સુધી જે કંઈ છુટમુટ પ્રયત્નો થયા તેને ઉગતા જ, પ્લાનિંગના સ્ટેજ પર જ ડામી દેવામાં આવ્યા. ભારતના ભાગલા કરીને નવા-નવા દેશો ઊભા કરવાના ખાલિસ્તાનીઓના, કેટલાંક કશ્મીરી સંગઠનોના તેમ જ કેટલાંક નોર્થ-ઈસ્ટ પ્રદેશોનાં ગ્રુપોના મનસૂબા નાકામિયાબ થયા. સાઉથ ઈન્ડિયામાં પણ ગણગણાટ થતો તે ય તરત શાંત થઈ જતો. ગુલામી પ્રથાના મુદ્ે અમેરિકા સિવિલ વોર કરી ચૂક્યું છે. એક જ દેશની દક્ષિણમાં રહેતી પ્રજા અને ઉત્તરમાં રહેતી પ્રજા વચ્ચે રીતસરનું યુદ્ધ થયું છે. કોમવાદના નામે રમખાણો કરાવવા માગનારાં સંગઠનો પાડોશી રાષ્ટ્રોની મદદથી દેશમાં આવો જ વિસંવાદ ઊભો કરી સિવિલ વોરની પરિસ્થિતિ સર્જવા માગતા હોય છે. સાત દાયકા દરમ્યાન થયેલા એક પણ કોમી રમખાણમાં અહીંની પ્રજાએ પરિસ્થિતિને વણસાવીને દેશને સિવિલ વોરને આરે લાવી દીધો નથી. ભારતના લોકો અને ભારતના લોકતંત્રની પોલિટિકલ મેચ્યોરિટીનો આ પુરાવો છે.

૨. મજબૂત અર્થતંત્રઃ

મોગલો અને બ્રિટિશરોએ લૂંટેલો આ દેશ ક્યારેય બ્રાઝિલ કે ગ્રીસ કે પછી કેટલાંક આફ્રિકન દેશોની માફક દેવાળિયો બની ગયો નથી. દેશનું વિદેશી હૂંડિયામણ તળિયે આવી ગયું હોય એવું બન્યું છે પણ આપણે ક્યારેય દેવાળું કાઢયું નથી. ભારતના અર્થતંત્ર વિશે દેશી-વિદેશી પંડિતો ગમે એટલી ટીકા કરે, પશ્ચિમના સુધરેલા કહેવાતા દેશોની સરખામણીએ પણ આ દેશનું અર્થતંત્ર સમતોલ, મજબૂત અને પ્રગતિશીલ રહેલું છે. અમેરિકા કે બ્રિટન આપણા કરતાં દોઢસોથી ત્રણસો વર્ષ પહેલાં આઝાદ થઈને ડેમોક્રેટીક કંટ્રીઝ બન્યાં (પોતાની પ્રજા માટેની સમૃધ્ધિ વિશેના નિર્ણયો પોતે લેતા થયા) તે છતાં, આપણે ખૂબ મોડેથી એમની સાથેની રેસમાં જોડાઈને એમની વધુ નેે વધુ લગોલગ આવતાં ગયા એ સિદ્ધિનું કમનસીબે કોઈ અર્થશાસ્ત્રીએ યોગ્ય મૂલ્યાંકન કર્યું નથી.

૩. મજબૂત લશ્કરીતંત્રઃ

આરંભની કન્ફયુઝડ ડિફેન્સ પોલિસી બાવજૂદ ભારત આજે દુનિયામાં સંરક્ષણક્ષેત્રે બીજા દેશોએ ડરવું પડે એટલી તાકાત ધરાવતું થયું છે. નેપાળ, બાંગ્લાદેશ કે શ્રીલંકા જ નહીં પાકિસ્તાન પણ આપણી લશ્કરી તાકાતથી થર થર ધ્રુજે છે. ચીન ગમે એટલું શક્તિશાળી હોય તે છતાં એ છમકલાં સિવાય ઝાઝું કંઈ કરતું નથી કે પાકિસ્તાન સાથે મળીને ખુલ્લેઆમ ભારતને વતાવી શક્તું નથી. અગાઉનું અખંડ રશિયા કે અત્યારનું તૂટયુંફૂટયું રશિયા તો મિત્ર છે. અમેરિકા જેવું અમેરિકા જે અગાઉ પાકિસ્તાનને પોતાનું મિત્ર ગણતું હતું તેનેય હવે એ દુશ્મન લાગવા માંડયું છે અને ભારતમાં એક સાચો મિત્ર દેખાવા લાગ્યો છે. અત્યારની સરકારની નવી સંરક્ષણ નીતિને લીધે ભારત પોતે ડિફેન્સને લગતો સામાન બનાવતું થઈ જશે અને એક્સપોર્ટ પણ કરતું થઈ જશે ત્યારે ભારતની આ ક્ષેત્રની તાકાત અત્યારે છે એના કરતાંય અનેકગણી વધી જવાની.

૪. મજબૂત સમાજતંત્રઃ

ચોક્કસ વિચારસરણીવાળા ઈતિહાસકારોએ ભારતની વિવિધ કલ્ચર ભાષા ધરાવતી પ્રજાને શંભુમેળો ગણી. એક આખા યુરોપ ખંડમાં હોય એના કરતાં વિવિધ સંસ્કૃતિઓ તથા ભાષાઓ ધરાવતા ભારત પાસે આ બાબતની જેટલી સમૃધ્ધિ છે એવી દુનિયામાં બીજે ક્યાંય નથી. યુરોપ ખંડના ટચુકડા મચુકડા દેશો જંપીને એકબીજા સાથે રહે, વહેવાર રાખે એ માટે યુરોપિયન યુનિયનની રચના થઈ તો રહી રહીને એમાંય ડખા ઊભા થયા તે બ્રિટન સતપત કરવા માંડયું. ઈટલી, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોની પ્રજાને એકમેક માટે તેમ જ બ્રિટન જેવા દેશોની પ્રજા માટે જે દ્વેષભાવ છે તેના કરતાં ઘણા ઘણા ઓછા પ્રમાણમાં આવી પરિસ્થિતિ આપણા દેશનાં બે રાજ્યોની પ્રજા વચ્ચે જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનું જે સહિયારાપણું છે, આ સંસ્કૃતિમાં જે ઉમદા તત્ત્વો છે તે આ દેશની વિવિધ પ્રજાને ‘ભારતીય’ તરીકેની ઓળખ આપે છે. કેટલાંક એનજીઓવાદીઓ આ ઐકય જોઈ શક્તા નથી એટલે ગળામાં લાલ રૂમાલ પહેરીને છાપામાં લેખો લખવાથી માંડીને સોશ્યિલ મિડિયામાં જઈને વોમિટ કરતાં રહે છે કે પછી ટીવીની ન્યૂઝ ડિબેટ્સમાં મુખ્યત્વે દેશ વિરોધી વાતો જ કરતા રહે છે. પણ આવી ભાંગફોડિયા પ્રવૃત્તિઓ પછી પણ ભારતીય સમાજ એટલો એકરૂપ છે કે રાજકોટથી ગેન્ગટોક ફરવા જનારાને પણ એ પ્રદેશ, ત્યાંના લોકો, ત્યાંની વાતો પોતીકી લાગે છે અને ત્રિવેન્દ્રમમાંથી લેહલદખ જનારા પણ એવું જ અનુભવે છે.

૫. મજબૂત વિદેશીસંબંધોઃ

ભારતના બીજા દેશો સાથેના સંબંધો વિશે કોઈને ગમે એટલી ફરીયાદો હોય, એમણે જોવું જોઈએ કે છેલ્લાં ૭૦ વર્ષમાં ભારતે કેટલાં યુદ્ધ કર્યાં? કેટલાં વિદેશી આક્રમણો કર્યાં? કેટલા દેશોને ધાકધમકી આપી? કેટલા દેશોએ ભારતને કેટલીવાર આર્થિક કે અન્ય બાબતે બહિષ્કાર કરવાની ધાકધમકી આપી? સરવાળો કરશો તો જણાશે કે આ બાબતે ભારતનો રેકોર્ડ બીજા મોટા દેશો કરતાં ઘણો ચોખ્ખો છે. અને એ જ કારણ છે કે વીતેલાં ૭૦ વર્ષ દરમ્યાન ભારતીયો દુનિયાના એકે એક દેશમાં જઈને પોતાની નવી કર્મભૂમિ ઊભી કરીને પોતાને તેમ જ એ દેશને પણ સમૃધ્ધ કરી શક્યા છે. આ જ કારણોસર આજે ભારતમાં ભણવા આવવા માટે વિદેશી વિદ્યાર્થીઓ પડાપડી કરે છે અને વિવિધ ક્ષેત્રના વિદેશી નિષ્ણાતો ભારતમાં નોકરી ધંધો કરવા માટે રાજીખુશીથી આવે છે. માત્ર પારસીઓ જ ભારતમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા નથી; ભારતીયો પણ આખી દુનિયા સામે એ જ રીતે ભળી જઈ શક્યા છે જે આપણી પ્રજાની ઉદારતા, વિશાળતા અને પુખ્તતાનો પુરાવો છે.

૬. મજબૂત વારસોઃ

ભારત પાસે જે વારસો છે તે દુનિયાના કોઈ દેશ પાસે નથી અને અનેક ૭૦ વર્ષ અગાઉનાં વિદેશી આક્રમણો બાવજૂદ એ વારસાને આપણે અકબંધ રાખી શક્યા છીએ જે આખી દુનિયા માટે ઈર્ષ્યાનું કારણ બની રહ્યો છે. આરોગ્ય, ધર્મ, સાહિત્ય, કળા અને અન્ય સાંસ્કૃતિક બાબતોના આ વારસાનો લાભ દુનિયા આખી હવે લેતી થઈ જવાની છે. વિદેશમાં એલોપથીના ક્ષેત્રે મેડિકલ સાયન્સે જે પ્રગતિ કરી તે યુદ્ધમાં ઘવાતા સૈનિકોને સાજા કરવા માટેના હેતુથી થઈ જેનો લાભ ક્રમશઃ સામાન્ય પ્રજાને પણ આપવામાં આવ્યો જેથી એ તમામ શોધખોળોને કમર્શ્યલી એકસ્પલોઈટ કરીને જંગી પ્રોફિટ કરી શકાય. ભારતે એલોપથીના જન્મના હજારો વર્ષ પૂર્વ આયુર્વેદ તેમ જ યોગની શોધ કરી જેનો પ્રથમ હેતુ પ્રજાની લાઈફસ્ટાઈલનાં ધોરણોને ઊંચાં લાવવાનો હતો, માત્ર રોગની નાબૂદી જ નહીં, અધ્યાત્મિક તેમ જ માનસિક સ્તરે ફાયદાઓ થાય એવી ઉપચાર પદ્ધતિનો જન્મ ભારતમાં થયો. આજે આ જ ઉપચાર પદ્ધતિને એનકેશ કરવા માટે વિદેશીઓ ઊંચાનીચા થઈ રહ્યા છે. સૌથી પ્રાચીન ભાષા અને સાહિત્ય આપણી પાસે છે જેના પ્રચારના અભાવે આપણે માની લીધું છે કે ગ્રીસ રોમન અને બ્રિટીશ અમેરિકન લિટરેચર આપણા કરતાં વધુ સમૃધ્ધ છે. ખોટું છે.આપણું સાહિત્ય એમના જેટલું જ અને કેટલીક બાબતોમાં એમના કરતાં વધુ સમૃધ્ધ છે અને એનું કારણ સ્વભાવિક છે. આપણા દેશની ભાષા, સંસ્કૃત ભાષા, જગતની સૌથી પ્રાચીન ભાષા ઓમાંની એક જ છે જેની છાપામાં ભારતની જ અંગ્રેજી સહિતની વિદેશની પણ અનેક ભાષાઓ ઉછરી છે. ધર્મ, તત્ત્વજ્ઞાાન તેમ જ આધ્યાત્મની બાબતમાં ભારત આખી દુનિયાને લીડ કરે છે અને એ બાબતમાં આપણને કોઈના સર્ટિફિકટની જરૂર પણ નથી.

૭. મજબૂત ખાણીપીણી અને ફિલ્મ ઉદ્યોગઃ

ભારતમાં ખાવાપીવાની બાબતમાં જેટલી વિવિધતા છે એટલી વિવિધતા કોઈ એક જ દેશમાં દુનિયામાં બીજે ક્યાંય નથી. અમેરિકા જેવા વિશાળ દેશમાં પણ નહીં. (અમેરિકામાં ઈટાલિયન, મેકિસકન કે મોગલાઈ ફુડ મળતું હોય તો તે ઈમ્પોર્ટ કરેલું કલ્ચર છે, પોતાનું નહીં). ભારતનાં ચારેય દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ રાજયદીઠ એક કરતાં વધુ પ્રકારની રસોઈ પરંપરા છે. ગુજરાત-મહારાષ્ટ્ર સહિતનાં પ્રેક્ટિકલી દરેક રાજયમાં પણ તમને એવું જ જોવા મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતની રસોઈ પરંપરા જુદી, રાજકોટ અને કાઠિયાવાડની જુદી, મધ્ય ગુજરાતના વિવિધ પ્રદેશોની બેની પોતાની આગવી રસોઈ પરંપરાઓ, એક જ દેશમાં રસોઈ બનાવવાની આટલી વિવિધતા તમને બીજે ક્યાંય જોવા મળતી નથી અને આ બધી જ મૌલિક, આગવી અને હજારો વર્ષથી ચાલી આવેલી સ્થાનિક પરંપરાઓ છે. હેમ્બર્ગર, ડોનટ્સ કે પિત્ઝાની જેમ વિદેશથી આવેલી પરંપરાઓ નથી.

ફિલ્મોના નિર્માણની બાબતમાં ભારત નંબર વન રાષ્ટ્ર છે. ખુદ હોલિવુડે પોતાની ફિલ્મોનું માર્કેટ વધારવા ભારતનાં ફિલ્મસમીક્ષકોને માનપાન આપીને બિઝનેસ કલાસમાં બોલાવીને ફાઈવ સ્ટાર ખાતરદરખાસ્ત કરવી પડે છે અને ભારતમાં ઓફિસો ખોલીને લાખો રૂપિયાના પગારદારો તેમ જ કરોડો રૂપિયાના ભાગીદારો રાખવા પડે છે. બિઝનેસ વર્લ્ડમાં જેનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ છે તે એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય મથક ભારત ગણાતું થઈ ગયું છે એવું આવતા પાંચ નહીં તો પંદર વર્ષમાં આપણે કહી શકીશું.

Saucrce

સ્ક્રીન ટચથી ટચ સ્કિન

મોબાઈલને દિવસમાં કેટલી વાર સ્પર્શીએ છીએ? જવાબ છે લગભગ ૨૬૭૧ વખત. આ તો ઓછામાં ઓછો સમય છે. કેટલાક તો આનાથી પણ વધુ સમય મોબાઈલને સ્પર્શતા હશે. તમે પણ જો મોબાઈલ એડિક્ટ હો તો આ જરૂર વાંચો

દૃશ્ય- મુંબઈ લોકલ ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો કેટલાક લોકો જગ્યાને અભાવે ઊભા હતા તો બાકીના એકબીજાને સ્પર્શીને અડોઅડ બેઠાં હતા. પણ દરેક જણા મોબાઈલમાં વ્યસ્ત હતા. આજુબાજુ કોણ છે, કોણ ઊતર્યું કે નવું ડબ્બામાં ચઢયું તેની કોઈને પડી નથી. ફેરિયો ચઢ્યો પણ તેના તરફ એકાદ બે એ અછડતી નજર નાખી પણ કોઈએ કશું જ લીધું નહીં કે રસ ન દાખવ્યો એટલે ફેરિયો મોં બગાડતો કદાચ મોબાઈલને મનમાં ભાંડતો બીજા જ સ્ટેશને નીચે ઊતરી ગયો.

દૃશ્ય – બીજું – રેસ્ટોરન્ટમાં એક પરિવાર બેઠો છે પતિ-પત્ની અને બે બાળકો. પતિ અને બાળકો મોબાઈલમાં ગુમ છે. પત્ની ગૂમસૂમ કશું જ બોલ્યા વિના આસપાસ કોણ બેઠું છે તે અને પોતાના પરિવાર તરફ જોઈ રહે છે. છેવટે અકળાયને કહે છે કે ખાવાનો ઓર્ડર આપવા માટે તો ફોન મૂકશોને તમે લોકો? બાળકો ઊંચુ જોયા વિના કહી દે છે પીત્ઝા અને પતિ કહે છે કે તને તો ખબર જ છે શું ઓર્ડર આપવાનો આપી દેને. આ મિત્રો મને છોડતાં નથી શું કરું ? કહીને બે ચાર વાક્યોની આપ લે કરી લે છે.

દૃશ્ય ત્રીજું – કોફી શોપમાં એક યુવક અને યુવતી બેઠાં છે, લાગે કે પ્રેમમાં હશે જે રીતે મોબાઈલની વચ્ચે એકબીજા સામે જોઈને, વાત કરી લેતાં હતા. સેલ્ફી પાડતાં હતા.

દૃશ્ય ચોથું – લાંબા અંતરની ટ્રેનમાં યુવાન પતિ-પત્ની, પતિ પોતાના મોબાઈલ પર કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો અને પત્ની ચૂપચાપ બેઠી પોતાના પતિના મોબાઈલ પર દેખાતા દૃશ્યોને જોઈ લેતી હતી. ચારેક કલાકના પ્રવાસ દરમિયાન તેમની વચ્ચે એકાદ બે શબ્દની આપલે માંડ થઈ હશે.

એક અમેરિકન રિસર્ચ ફર્મે કરેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણે લગભગ ૨૬૭૧ વખત મોબાઈલને સ્પર્શીએ છીએ. માનવામાં નથી આવતું ને? પણ વાત સાચી છે ફોન કરવા ઉપરાંત સોશિયલ મીડિયાને ચેક કરવું, તેમાં પણ અનેક બારીઓ ખોલીને જોવી, પાછી બંધ કરવી. કેટલાંક લાઈક કરવા, કેટલાકમાં ઈમોશન્સ દ્વારા જવાબ આપવો તો કેટલાકમાં ચેટ કરવી. મેઈલ ખોલવા, બંધ કરવા, જવાબ આપવા. ફોટો ગેલેરી ખોલવી, બંધ કરવી. બીજી કેટલીક સાઈટ્સ જોવી, બંધ કરવી અને ગેમ રમવી વગેરે વગેરે આ બધાનો સરવાળો કરો તો અંદાજે ૨,૬૭૧ વખત થાય. ટેકનોલોજી આવ્યા બાદ લોકો ભીડમાં પણ એકલા પડી રહ્યા છે તે વાતતો ચર્ચાતી જ હતી. પાર્ટીમાં કે બહાર ફરવા ગયા હોય ત્યાં લોકો ફોટાઓ પાડીને ફટાફટ સોશિયલ મીડિયા પર મૂકવામાં એટલા તલ્લીન હોય છે કે તેઓ માનસિક રીતે જે તે સ્થળે હાજર હોતા જ નથી.

એકબીજા સાથે વાત કરવા કરતાં ટેક્સ્ટ એટલે કે સંદેશા લખીને મોકલવાનું કેટલીક વ્યક્તિઓ વધુ પસંદ કરવા લાગી છે.

સ્પર્શ એ ઈન્દ્રિયજન્ય અનુભૂતિ છે. સ્પર્શ દ્વારા આપણે અનેક લાગણીઓ વ્યક્ત કરતાં હોઈએ છીએ. કોઈના પર વધુ હેત આવે તો તેનો હાથ પકડીને પ્રેમની અભિવ્યક્તિ, તો ગુસ્સો આવે ત્યારે મારીને પછી તે થપ્પડ હોય કે ગુમ્મો. તેમાં પણ સ્પર્શ છે. કોઈની પીડામાં સહભાગી થતી સમયે પણ શબ્દો કરતાં સ્પર્શ વધુ કારગત નીવડતો હોય છે. નાનાં બાળકના ગાલને જરા ટપલી મારીને થતો સ્પર્શનો આનંદ તમે શબ્દોમાં કે ઈમોકોશનમાં વ્યક્ત ન કરી શકો. પણ જો તમે આટલી બધી વખત મોબાઈલને સ્પર્શ કરતાં હો તો તમારી પાસે બીજાને સ્પર્શ કરવાનો કે બીજા સાથે સંકળાવાનો કેટલો સમય બચશે ? અમેરિકન રિસર્ચ ફર્મ ડિસ્કાઉટ્સે એક લાખ સ્માર્ટ ફોન વાપરતા લોકોને અભ્યાસમાં સાંકળી લીધા હતા. તેમાંથી ૯૪ લોકો પર ખાસ અભ્યાસ હાથ ધર્યો કે સ્માર્ટ ફોનને તેઓ કેટલી વખત ચેક કરવા સ્પર્શે છે તેની ગણતરી કરવામાં આવી. આ લોકોને પાંચ દિવસ ચોવીસે કલાક ટ્રેક કરવામાં આવ્યા. આ ૯૪ જણાએ પાંચ દિવસમાં ૩૩,૦૯૦ વખત મોબાઈલ હાથમાં લીધો, તેમણે કુલ ૬૦,૦૦૩ મિનિટ મોબાઈલ પર વિતાવી અને કુલ ૧૧,૨૦,૩૧૭ વખત તેને ટચ એટલે કે સ્પર્શ કર્યો. આ તો સરેરાશ વ્યક્તિ આટલો સમય મોબાઈલને સ્પર્શ કરે છે તેની વાત છે પણ ૧૦ ટકા વ્યક્તિઓ એવી છે કે તે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે કે સરેરાશ કરતાં બમણો ૫૪૨૭ વખત તેઓ મોબાઈલની સ્ક્રીનને ટચ કરે છે. સરેરાશ દરરોજ ૧૪૫ મિનિટ સ્ક્રીનને સ્પર્શ કરવામાં વીતે છે.

આજ સંદર્ભે ભવિષ્યનું ચિત્ર રજૂ કરતી સ્કીનશીપ નામની શોર્ટ ફિલ્મ યુ ટ્યુબ પર નિકોલા વૉન્ગે મૂકી છે. નિકોલા વૉન્ગ સેન સબાસ્ટિઅનના સુંદર દરિયા કિનારે વીસેક જણા સાથે ગયો હતો. તેણે જોયું કે દરેક જણાં આસપાસના સૌંદર્ય અને વ્યક્તિઓથી બેખબર પોતાના ફોન પર ચોંટેલા હતા એ જોઈને તેને વિચાર આવ્યો કે તે પોતે પણ અનેકવાર આ રીતે ફોન સાથે ચિટકેલો હોય છે અને તેને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. આ ફિલ્મમાં દર્શાવ્યું છે કે ભવિષ્યમાં વધુમાં વધુ સમય મોબાઈલ પર વીતાવતી વ્યક્તિઓ સ્પર્શનું સંવેદન ખોઈ બેસે છે. એ સ્પર્શનું સંવેદન અનુભવવા માટે તેઓ પૈસા ચૂકવીને બીજી વ્યક્તિ પાસે જાય છે. બીજાના હાથના સ્પર્શની સુખાનુંભૂતિ તમારામાં મરી ગયેલી લાગણીઓને અને તમને જીવંત હોવાનો અહેસાસ અપાવે છે. આ ફિલ્મમાં દર્શાવ્યું તેવા દિવસો બહુ દૂર નથી જ કદાચ કારણ કે ટચ સ્ક્રીનના સંશોધનમાં જાણવા મળ્યું કે સવારે સાત વાગ્યાથી લઈને રાતના સૂવા જતાં સુધી લોકો સતત મોબાઈલને એક કે બીજા કારણે સ્પર્શ કરે છે. તો શું સૂઈ ગયા બાદ તો સ્પર્શ નહીં કરતા હોય એવું માનવાનું મન થાય, પરંતુ નવાઈ લાગશે કે રાત્રે એકથી બે વાર દરેક વ્યક્તિ મોબાઈલને એક યા બીજા કારણે સ્પર્શ કરે જ છે.

સંશોધનકારોને લાગે છે કે લગભગ બધા જ કમ્પલસિવ ઓબ્સેસિવ ડિસઓર્ડરથી પીડાય છે. ફોન લોક હોય તો પણ કે કોઈ જ એપ્લિકેશન ન વાપર્યું હોય તો પણ ફક્ત તેના સ્ક્રીનને સ્પર્શીને લોકો ખાતરી કરી લે છે કે ફોન બરાબર તો ચાલે છે ને?

અહીં પેલી ફિલ્મ ફરી યાદ આવે કે એ જ રીતે સહજતાથી આપણે આપણા મિત્રને, બાળકને, પતિ કે પત્નીને કે પછી માતા-પિતાના હાથને સ્પર્શવામાં કેટલો સમય આપીએ છીએ કે કેટલો સમય આપણી પાસે રહે છે ?

મોબાઈલે આપણને અનેક સુવિધા કરી આપી છે. અનેક રીતે ઉપયોગી પણ છે તે છતાં તે આપણા જીવનને બદલી રહ્યો છે. તે ભીડ વચ્ચે પણ એકલા પાડી રહ્યો છે. આપણા ખાલીપાને ભરવાને બદલે તે આપણને ખોખલા કરીને માનસિક સમસ્યાઓ વધારી રહ્યો છે. તમે જેમ વધુને વધુ મોબાઈલને સ્પર્શ કરો તેમ ત્વચા સાથેના સ્પર્શનો અનુભવ ઓછો થતો જાય તે સ્વાભાવિક છે. અને જે અંગનો ઉપયોગ તમે ન કરો તેની સંવેદના મરવા લાગે. તમે ચાલવાનું બંધ કરી દો લાંબા સમય સુધી તો તમારા પગ જકડાઈ જશે. એ જ રીતે તમારી સ્પર્શના સંવેદનોને બુઠ્ઠા કરી રહ્યો છે તેની ચેતવણી આ સંશોધન આપી રહી છે. મોબાઈલ પર તમે જેટલા એપ વાપરો છો તે તમારી સાયકોલોજિનો અભ્યાસ કરીને તમે કઈ રીતે વધુને વધુ તેનો ઉપયોગ કરો તે રીતે બનાવવામાં આવે છે. તે છતાં તમારા ફોનમાં રહેલા અઢળક એપમાંથી તમે માત્ર એક કે બે એપ જ સૌથી વધુ ઉપયોગ કરો છો તેવું પણ અભ્યાસમાં જાણવા મળ્યું છે. તમારે સંવેદનહીન ન બનવું હોય તો મોબાઈલ ટેક્નૉલૉજીનો સ્પર્શ ખપ પૂરતો જ કરો. મોબાઈલ વિના હવે ચાલવાનું નથી પણ મોબાઈલ વગર પણ આપણે એક સમયે જીવતા હતા તે યાદ કરો. મોબાઈલનો ઉપયોગ બંધ ન કરો પણ તેને કારણ વિના સ્પર્શ કરતાં સો વાર વિચારો.

મુંબઈ સમાચાર
તા. 20/08/2016

કવર સ્ટોરી – દિવ્યાશા દોશી

🏼આંખમાં આંસુ?

👦🏽🙏🏼આંખમાં આંસુ?🙏🏼👦🏽

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ હની શું થયું? કેમ રડે છે ?”

કુમુદિની:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર યશ !”

અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે , ના  તહેવાર સચવાય છે ;

દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે .

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;

લગ્નની મળે કંકોત્રીત્યાં  સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

પાંચ આંકડા ના પગાર છે ,

પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે .

પત્નીનો ફૉન ૨ મિનીટમાં કાપીયે પણ કસ્ટમરનો કોલ ક્યાં કપાય છે .

ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,

હવે તો ઘરના પ્રસંગો પણ હાફ – ડેમાં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે ;

થાકેલા છે બધા છતા ,લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછછે સંસ્કૃતી કોને કહેવાય છે ?

ઍક વાર તો દિલને સાંભળો ,બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે…

તમારો મિત્ર.~

Copied & Pasted from WhatsApp group BPTI Roarers

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: